વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં ભારતવર્ષ 2022 દરમિયાન આઠમા ક્રમે રહ્યું છે. આ યાદીમાં અગાઉ ભારત પાંચમા સ્થાને હતું. એટલું જ નહીં, વિશ્વનાં સૌથી પ્રદૂષિત 50 શહેરોમાંથી 39 તો એકલા ભારતનાં છે, જે ચોંકાવનારી બાબત છે. એટલું જ નહીં, ભારતને પ્રદૂષણના કારણે થયેલા નુકસાનનો આંકડો દોઢસો કરોડ ડૉલરની આસપાસ છે. પ્રદૂષણમાં વધારો કરવામાં પરિવહન ક્ષેત્રનો હિસ્સો આશરે 20થી 36 ટકા છે. એ પછી ઔદ્યોગિક એકમો, કોલસાથી ચાલતા વીજળી પ્લાન્ટનો નંબર આવે છે. આ આંકડા ચિંતા વધારનારા છે.
અૉક્ટોબર, 2014માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું એ વખતે 2022ની બીજી અૉક્ટોબર સુધી દેશને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિક્તા એ છે કે ભારત પ્રદૂષણ બાબતે ટોચના દસ દેશોમાં સ્થાન પામ્યું છે.
એક બાજુ કેન્દ્ર સરકાર દાવો કરે છે કે નેશનલ ક્લીન ઍર પ્રોગ્રામમાં સામેલ શહેરોની હવા શુદ્ધ થઈ છે, પરંતુ જે સુધારો જોવા મળ્યો છે, એ નજીવો છે. બીજાં અનેક શહેરોમાં હવાની ગુણવત્તા પહેલાં કરતાં પણ ખરાબ થઈ છે. દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અનેક એજન્સીઓ સક્રિય છે. આવામાં સરકાર નેશનલ ક્લીન ઍર પ્રોગ્રામને લઈ કોઈ પ્રકારની સફળતાનો દાવો કેવી રીતે કરી શકે?
સમયનો તકાજો છે કે, નેશનલ ક્લીન ઍર પ્રોગ્રામની નવેસરથી સમીક્ષા કરવામાં આવે. વાયુ પ્રદૂષણનાં કારણો શોધવામાં આવે અને તેનું ઉચિત રીતે નિવારણ થઈ રહ્યું છે કે નહીં તેનું પગેરું રાખવામાં આવે. આમાંથી કેટલાંક કારણો તો સુવિદિત છે, જેમ કે વાહનોનાં ઉત્સર્જન અને રસ્તા તેમ જ અન્ય બાંધકામ સ્થળોએ ઉડનારી ધૂળ. આ ઉપરાંત, જુદાં જુદાં શહેરોમાં કેટલાંક સ્થાનિક કારણો પણ હોય છે, જેમ કે કચરો બાળવાથી થતો ધુમાડો તો ક્યાંક જનરેટરનો ઉપયોગ અથવા કોલસાથી ચાલતાં વીજળીઘરો.
આ કારણોનું ઉચિત નિવારણ તો નગરપાલિકા જ કરી શકે છે. પણ તેમની પાસે આ માટે કોઈ નક્કર યોજના નથી હોતી અને ન તો પ્રદૂષણથી લડવાની ઈચ્છાશક્તિ. ઈચ્છાશક્તિના અભાવ માટે બધી જ રાજ્ય સરકારો જવાબદાર છે. સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પર આના માટે દબાણ ઊભું કરવું પડશે જેથી તેમની પાલિકાઓને વાયુ પ્રદૂષણને પહોંચી વળવામાં સક્ષમ બનાવે. નેશનલ ક્લીન ઍર પ્રોગ્રામ સફળ બનાવવો હશે તો તેમાં પાલિકાઓની સક્રિય ભાગીદારી આવશ્યક છે.
ભારત ક્લાયમેટ કરારનો હિસ્સો છે, આથી તાપમાનમાં થતો વધારો તેના વૈશ્વિક લક્ષ્યમાં છે. આજે આવશ્યક છે કે દેશ સ્વચ્છ અને હરિત મિશનથી પ્રદૂષણને ન્યૂનતમ કરવાની દિશામાં આગળ વધે. આ માટે આખું વર્ષ પ્રદૂષણને પહોંચી વળવા સક્રિયતા દાખવવાની રહેશે, નહીં તો તે ભયાનક સ્વરૂપ લઈ શકે છે. વાયુ પ્રદૂષણની માનવીના શરીર પર માઠી અસર પહોંચે છે, `પહેલું સુખ તે જાતે નર્યા' સાર્થક કરવું હશે તો પ્રદૂષણ સામેના યુદ્ધમાં કમર કસવી પડશે.