નેતાઓ કોદાળી, કાતર અને નારિયેળ લઈને નીકળી પડે તો સમજવું કે ચૂંટણીની આચારસંહિતા લાગુ થવામાં છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણી કમુરતાં પછી 15મી જાન્યુઆરીએ યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ત્રણ તબક્કાની ચૂંટણીઓના છેલ્લા તબક્કામાં દેશની સૌથી ધનવાન નગરપાલિકા બીએમસીના નગરસેવકોની પસંદગી કરવાની તક મતદારોને પૂરાં આઠ વર્ષ પછી મળવાની છે. આ આઠ વર્ષમાં મીઠી નદીમાંથી ઘણાં પાણી વહી ગયાં છે. રાજ્યના રાજકારણમાં થયેલી ઊથલપાથલ પછીની લોકસભા તથા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ગજબના તાનપલટા બાદ અનેક પક્ષો-ગઠબંધનોના ભાવિ અને અસ્તિત્વનો મદાર આ ચૂંટણીઓ પર છે. આ 29 નગરપાલિકાઓમાંથી પાંચની મુદત તો પૂરી થયાને પાંચ વર્ષ વીતી ગયાં છે. તો 18 જગ્યાએ ત્રણ વર્ષ અને ચાર સ્થળોએ પાલિકાની મુદત વહી ગયાને અનુક્રમે ચાર અને બે વર્ષ થયાં છે. એ તો સર્વોચ્ચ અદાલતે 31મી જાન્યુઆરી પહેલાં આ બધી જગ્યાઓએ ચૂંટણી આટોપી લેવાની ડેડલાઈન આપી હોવાથી પંદરમી જાન્યુઆરીની તારીખ આવી છે.
રાજ્ય વિધાનસભાની એક વર્ષ પહેલાં યોજાયેલી
ચૂંટણીનાં પરિણામો અને હાલમાં મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે એકમેકના કાર્યકર્તાઓ તથા નેતાઓને
તોડવાની લાગેલી હોડ બાદ નગરપાલિકાઓની આ ચૂંટણીઓ 2029ના લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ
પૂર્વે બળાબળનાં પારખાં બરાબર છે. એક તો, લાંબા ગાળા બાદ સ્થાનિક સ્તરે આ ચૂંટણી યોજાઈ
રહી છે. વળી, બે મોટા સ્થાનિક પક્ષોમાં પડેલી ઊભી તિરાડ બાદ દરેક જગ્યાએ ટિકિટવાંચ્છુઓની
હકડેઠઠ ભીડ જામી છે. મહાયુતિ એકજૂટ છે એવી ગુલબાંગો વચ્ચે મિત્રપક્ષો ક્યાંક હમ સાથ
સાથ હૈં તો ક્યાંક આમને-સામને છે. ક્યાંક ચૂંટણી પછી સાથે આવશું એવું નક્કી કરી ફ્રૅન્ડલી
ફાઈટ થઈ રહી છે. 2017માં શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક પક્ષ હતો અને ભાજપ સાથે
ગઠબંધન હતું. શિવસેના હવે એકનાથ શિંદે પાસે છે, આથી ઠાકરે પાસે પક્ષ નથી. ઠાકરે પિતરાઈઓ
સાથે આવ્યા છે, જેથી બીએમસીને કબજામાં લઈ શકાય. 1995થી શિવસેનાનું એકહથ્થુ શાસન બીએમસી
પર રહ્યું છે. કૉંગ્રેસે એકલા ચાલો રે...નો નારો અપનાવ્યો છે, તો કાકા-ભત્રીજાની બે
એનસીપી ક્યાંક સાથે છે તો ક્યાંક સામસામે. નેતાઓને પોતાના ભવિષ્યની ચિંતા છે, તો નાગરિકોને
આમાંથી કોને સત્તા આપવી એની દુવિધા છે. આ ઓછું હોય તેમ, વૉર્ડની ઊથલપાથલને કારણે સ્થાનિક
નેતાઓની ચિંતાઓ વધી ગઈ છે. જોકે, મતદારોને આમાંથી ઓછા ખરાબની પસંદગી કરવાની છે, કેમ
કે તેમને મુંબઈની ચિંતા છે.