મુંબઈ સુધરાઈની ચૂંટણી જાહેર થયા પછી હજુ ઉમેદવારોનાં નામ નક્કી થાય પછી પ્રચારમાં વેગ આવશે. આ વખતે ચૂંટણીમાં ‘મનીપાવર’ની બોલબાલા હશે એવી ધારણા છે પણ હાલ તુરત તો ડ્રગ્સ-નશીલા પદાર્થોનાં નાણાં વિવાદનો વિષય બન્યા છે! મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે રાજ્યના બંને નાયબ મુખ્ય પ્રધાનો - એકનાથ શિંદે અને અજિત પવાર ઉપર ડ્રગ્સના ધંધાર્થીઓના સંપર્કમાં હોવાનો અને એમને બચાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. મહારાષ્ટ્રમાં ડ્રગ્સના ધંધામાંથી અઢળક નાણાં મળતાં હોવાના અહેવાલો વચ્ચે હર્ષવર્ધનનો આક્ષેપ છે કે મહારાષ્ટ્રને ઊડતા પંજાબની જેમ ઊડતા મહારાષ્ટ્ર બનાવવાનું કાવતરું છે! રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અજિત પવારે પૂનામાં એક ડ્રગ્સના દલાલને છોડાવ્યો છે. આ ધંધામાં બંગાળી અને બાંગ્લાદેશી લોકો સંડોવાયેલા છે.
હર્ષવર્ધન સપકાળે રાજકીય નેતાઓના સંબંધ
ડ્રગ્સના દલાલો સાથે હોવાની - પુરવાર કરવા માટે ઘણી માહિતી આપી છે પણ આવી માહિતી એમને
ક્યાંથી મળી? એવા પ્રશ્નના જવાબમાં કહે છે કે અમારા કૉંગ્રેસી કાર્યકરો રાજ્યમાં ખૂણેખૂણે
છે અને એમણે અમને માહિતી આપી છે. હકીકતમાં રાજકીય પક્ષોનું ‘નેટવર્ક’ મજબૂત હોય છે
પણ આ રીતે મળેલી માહિતી ‘પુરાવા’ બનતી નથી. પોલીસ તપાસમાં દરોડા પડે અને ફોટા-વીડિયોમાં
ગોરખધંધા ઝડપાઈ જાય પછી કાનૂની કાર્યવાહી શક્ય બની શકે. હર્ષવર્ધને ‘સાંભળેલી વાતો’ના
આધારે આક્ષેપ કર્યા છે તે ઘણા ગંભીર છે. એમનું કહેવું છે કે મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં
ડ્રગ્સનાં નાણાં વપરાશે. હવે આ આક્ષેપની નોંધ લઈને ચૂંટણી પંચ તથા રાજકીય પક્ષોએ સાવધ
રહેવું પડશે. ચૂંટણીમાં વોટ મેળવવા માટે ભેટસોગાદો અપાય, રેવડીઓ વહેંચાય અને રોકડા
નાણાંની પણ લહાણી થાય તે હવે ‘સામાન્ય’ બની ગયું છે પણ તાજેતરના મહિનાઓમાં કરોડો રૂપિયાના
ડ્રગ્સ પકડાયા છે તે જોતાં એમ લાગે છે કે હવે ડ્રગ્સની બોલબાલા વધશે અને સત્તાનો ‘નશો’
મેળવવા માટે ડ્રગ્સનો ઉપયોગ બેફામ થશે. અૉક્ટોબર મહિનામાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે
136 નશીલા પદાર્થો મુલુંડમાં બે શકમંદ શખસો પાસેથી જપ્ત કરીને એમને પકડÎા હતા અને આ
પદાર્થો પુણેની એક હૉટેલમાં પહોંચાડવાના હતા. એમ.ડી. નામનો નશીલો પદાર્થ બનાવતા ત્રણ
શખસો સાતારામાં એક ખેતર નજીકના ‘શેડ’માંથી પકડાયા હતા. આ નશીલા પદાર્થોની કિંમત
115 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.
રાજ્યના કૉંગ્રેસ પ્રમુખે આપેલી માહિતી
પોલીસ તંત્રના અહેવાલ આધારિત હોય અને રાજકીય નેતાઓ સાથે સાંકળી લેવાઈ હોય તેવી શક્યતા
છે પણ આ મામલામાં આક્ષેપ કરનાર અને જેમના ઉપર આક્ષેપ થયા છે તે નેતાઓએ પણ સંયમ સાથે
સાવધાની જાળવવી જોઈએ. આ મહારાષ્ટ્ર છે - પંજાબ નહીં. અને તેથી ઊડતા મહારાષ્ટ્ર નહીં,
વિકસિત મહારાષ્ટ્રનું સ્વપ્ન સાકાર થવું જોઈએ.