• શુક્રવાર, 13 માર્ચ, 2026

સંવેદના અને કાનૂન વચ્ચેનો દ્વંદ્વ

દિલ્હીમાં વસતા 32 વર્ષીય યુવાન હરીશ રાણાને ઇચ્છામૃત્યુ આપવાની વાલીઓના પ્રસ્તાવનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો અને એક વિસ્તૃત ચર્ચા દેશમાં શરૂ થઈ છે. સર્વોચ્ચ અદાલતે બુધવારે કહ્યું કે હરીશની જે સારવાર ચાલી રહી છે તે તબીબી માર્ગદર્શન અને પ્રક્રિયા અનુસાર ક્રમશ: ઘટાડવામાં આવે અને તેને ગરિમાપૂર્ણ મૃત્યુ આપવામાં આવે. ભારતમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે, જ્યારે દરદીને આ રીતે મૃત્યુ માટે કાનૂને પરવાનગી આપી હોય. સ્વાભાવિક રીતે ઇચ્છામૃત્યુની વાત આવે એટલે સંવેદના, શાત્રો અને વિજ્ઞાન તમામ ક્ષેત્ર તરફથી દલીલ થાય જ, પરંતુ આખું વૃત્તાંત જાણ્યા પછી એવું લાગે કે હરીશ રાણા અનેક યાતના, પીડામાંથી મુક્ત થશે. 

ભારતમાં તો ઇચ્છામૃત્યુ કાનૂની રીતે પ્રતિબંધિત છે તો પછી આ કેવી રીતે? તેવો પ્રશ્ન થાય, પરંતુ અહીં ઍક્ટિવ નહીં, પરંતુ પેસિવ એટલે કે પરોક્ષ અથવા તો નિક્રિય ઇચ્છામૃત્યુનો માર્ગ અપનાવાયો છે. ડૉક્ટર પોતે દરદીને મૃત્યુ માટે દવા કે ઇન્જેક્શન આપે તે ઍક્ટિવ યુથેનેશિયા કહેવાય, પરંતુ અહીં બીમાર વ્યક્તિને જીવન ટકાવવા જે પણ સહાય અથવા સારવાર અપાતી હોય તે ધીમે-ધીમે બંધ કરી દેવામાં આવે જેથી દરદી પ્રાકૃતિક રીતે મૃત્યુ પામે. 

ઇચ્છામૃત્યુની પ્રક્રિયા માટે બે બાબતો અત્યંત મહત્ત્વની છે એક તો તે ચિકિત્સા ઉપચારની શ્રેણીમાં સમાવિષ્ટ હોય અને બીજું, દરદીના પૂર્ણ હિતમાં હોય. દરદીની સારવાર કરવી તે ડૉક્ટરનું કર્તવ્ય છે, પરંતુ જ્યારે સાજા થવાનું શક્ય જ ન હોય ત્યારે કર્તવ્યનું સ્વરૂપ બદલાઈ જાય. 2005માં કૉમન કોઝ નામની સ્વૈચ્છિક સંસ્થાએ યુથેનેશિયા-નિક્રિય ઇચ્છામૃત્યુના અધિકારની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને 9 માર્ચ 2018ના દિવસે તત્કાલીન સીજેઆઇ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજની બેંચે આ ઇચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી હતી. બેંચે કહ્યું હતું કે કોઈપણ દરદી અસાધ્ય રોગથી પીડાતો હોય, ફક્ત લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવિત હોય તો પ્રાકૃતિક રીતે તેની સારવાર બંધ કરી શકાય અને તેને ઇચ્છામૃત્યુ નહીં, પરંતુ સન્માન સાથે મૃત્યુનો અધિકાર ગણવામાં આવશે. 

આ પ્રકારની જોગવાઈ સામે પણ સંવેદના અને શાત્રોક્ત દલીલો હોય તો તેની પણ જોગવાઈ જાણી લેવાની જરૂર છે. 2018માં પેસિવ યુથેનેશિયાને માન્યતા આપતી વખતે સુપ્રીમ કોર્ટે બે નિયમ બનાવ્યા છે. તે મુજબ દરદીએ સભાન અવસ્થામાં સ્વસ્થ હોય ત્યારે પોતાનું લીવિંગ વીલ બનાવેલું હોવું જોઈએ, જેમાં સ્પષ્ટ હોય કે જો પોતે અસાધ્ય રોગથી પીડાય તો તેને ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે. જ્યારે આવું વીલ ન હોય ત્યારે પરિવારજનોની મંજૂરી આવશ્યક છે. હરીશને તો હવે એઇમ્સમાં લઈ જવાશે અને તબીબી માર્ગદર્શનમાં તેનું મૃત્યુ સરળ બનાવાશે. વિજ્ઞાન માણસને આ રીતે મૃત્યુ પામવાની `સવલત' આપે, સંવેદના આવું કરવાની ના પાડે. જોકે, દરદી અને તેનાં સગાં આ સ્થિતિને વધારે સમજી શકે.   

ઇ-પેપરના નવા શુલ્ક