• બુધવાર, 22 એપ્રિલ, 2026

કૉંગ્રેસ પ્રમુખનું વધુ એક વિવાદી નિવેદન

મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર પોતાના નિવેદનને લીધે વિવાદમાં છે. હજી તો ગુજરાતીઓને અભણ કહેવાની વાતને ભાજપે બરાબર દેશ વ્યાપી મુદ્દો બનાવ્યો ત્યાં જ ફરી એકવાર તેમણે વડા પ્રધાન વિશે કરેલું વિધાન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે નરેન્દ્રભાઈ મોદીને આતંકવાદીની ઉપમા આપી દીધી. ચેન્નઈની એક સભામાં એઆઈએડીએમકે અને ભાજપના ગઠબંધન વિશે આકરી ટીકા કરતાં કૉંગ્રેસ પ્રમુખે જે વાત કરી તેનો સાર એવો પણ નીકળ્યો કે તેમણે  વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આતંકવાદી કહ્યા. ભાજપ ઉશ્કેરાય તે સ્વાભાવિક છે. સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, આ મર્યાદાનું ઉલ્લંઘન તો છે જ પરંતુ આ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કાવતરું છે. કૉંગ્રેસની માનસિકતા છતી થાય છે. કૉંગ્રેસ પ્રમુખે કહ્યું કે મેં તેમને આતંકવાદી નથી કહ્યા, મારા કહેવાનો અર્થ તો એ હતો કે વડા પ્રધાન અન્ય રાજકીય પક્ષોને ડરાવે છે. તેમની પાસે ઈડી, આઈટી, સીબીઆઈ જેવી એજન્સીઓ છે. તેઓ ધમકી આપે છે. ખડગે કંઈ બોલ્યા હોય અને તેમણે ક્ષમા માગી હોય તેવું પહેલીવાર નથી બન્યું. હજી પખવાડિયા પહેલાં પણ એ ઘટના હતી કે તેમણે ગુજરાતીઓને અભણ કહ્યા હતા. જોકે, તે નિવેદન પણ મૂળ અર્થમાં અલગ હોવાનો તેમનો દાવો હતો.

ખડગેએ અગાઉ મોદીની તુલના ઝેર સાથે કરી હતી. સવાલ કોઈ નેતાના કંઈ ન બોલવાનો નથી. ખડગે હોય કે કેજરીવાલ કે મમતા કે ભાજપના કોઈ નેતા. પ્રતિપક્ષના નેતા અથવા તો સરકારની વિરુદ્ધ બોલવું તે તેઓનો અધિકાર છે. ટીકા તો કોઈ પણની થાય પણ બંધારણીય પદની ગરિમા હોય. નરેન્દ્ર મોદી કે તેમની સરકારના નિર્ણય, શાસનપદ્ધતિ, તેમના પગલાં વિશે ચર્ચા થાય. પણ સાપ કે ઝહેર કે આતંકવાદી જેવા શબ્દપ્રયોગો વાતાવરણ બગાડે, આ વાત તમામ પક્ષના બધા નેતાઓ માટે એકસરખી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ