• બુધવાર, 22 એપ્રિલ, 2026

પહેલગામનો પાઠ અને આગળનો માર્ગ

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં આજથી એક વર્ષ પહેલાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા સહેલાણીઓને તેમનો ધર્મ પૂછી પાકિસ્તાનનું સમર્થન ધરાવતા ઈસ્લામિક આતંકવાદીઓએ કરેલો નરસંહાર ભારતીયોના જનમાનસમાં હજી તાજો છે. બાવીસમી એપ્રિલ, 2025 પહેલાંના બે દાયકામાં 44 સહેલાણીઓ આતંકવાદી હુમલાનો ભોગ બન્યા હતા, પણ એક જ હુમલામાં પચીસ જેટલા લોકોના જીવ ગયા હોય એવી એ પહેલી ઘટના હતી. જમ્મુ-કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ આપતી કલમ 370ને રદ કરાયા બાદ તથા અહીં વિધાનસભાની ચૂંટણીઓ સફળતાપૂર્વક પાર પડયા બાદ પહેલગામ હુમલો કરાયો, આશય સ્પષ્ટ હતો શાંતિ, સમૃદ્ધિ અને સૌહાર્દના વાતાવરણને ડહોળી નાખવાનો અને આતંકવાદના પગપેસારાનો માર્ગ મોકળો કરવો. લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફૉર્સ જેવાં આતંકવાદી સંગઠનોએ આ હુમલાનો અંજામ આપ્યાનું સ્પષ્ટ થયા બાદ, તેમાં સંકળાયેલા ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યા. જોકે, ત્રણ હજી પકડાયા નથી. એ પછી તપાસ કે અદાલતી કાર્યવાહીમાં પડવાને બદલે ભારતે સાતમી મેએ પાકિસ્તાનની ભૂમિ પરના આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવતું અૉપરેશન સિંદૂર હાથ ધરી ઘરમાં ઘૂસીને મારવાની 2016 અને 2019ની સર્જિકલ સ્ટ્રાઈક શૈલીમાં જવાબ આપ્યો. ફરક એટલો હતો કે, આ પહેલાંની બે સ્ટ્રાઈક લશ્કરી સ્થાન તથા સુરક્ષા દળો પરના હુમલાના જવાબમાં હતી, આ વખતે નિર્દોષ નાગરિકોને મારનારાઓને પાઠ ભણાવાયો હતો. એક વર્ષ પછી ચિત્ર કંઈક આવું છે - કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં જાનહાનિ ચાલુ જ છે, તો પાકિસ્તાનને રાજનૈતિક દૃષ્ટિએ વિશ્વ ફલક પર એકલું પાડવાનું શક્ય બન્યું નથી અને જે રીતે અમેરિકા સાથે તેની નિકટતા વધી રહી છે, એ જોતાં હવે સર્વસત્તાધીશ બનેલા સૈન્ય વડા અસિમ મુનીર મધ્યસ્થીમાંથી નવરા પડતાં જ પહેલગામ જેવું દુઃસાહસ કરતા અચકાશે નહીં, એવી શક્યતા નકારી શકાય નહીં.

અૉપરેશન સિંદૂર અને એ પહેલાંની સર્જિકલ સ્ટ્રાઈકથી ભારતે કડક સંદેશ આપ્યો હતો કે, આ ન્યુ નૉર્મલ છે અને ભવિષ્યમાં આતંકવાદના કોઈપણ પગલાંને યુદ્ધનું પગલું ગણવામાં આવશે. અૉપરેશન સિંદૂરથી ભારતે મિલિટરી આશય સર કર્યું, પણ પાકિસ્તાનને વિશ્વફલક પર એકલું પાડવાનો હેતુ બર આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ અસિમ મુનીર ઈરાન યુદ્ધમાં મધ્યસ્થની ભૂમિકામાં છે. વાશિંગ્ટન અને તેલ અવિવ સાથે નિકટતા અને તહેરાન સાથેના ઊંડા સંબંધો છતાં ભારત શાંતિ પ્રક્રિયાથી દૂર છે, આ બાબત તરફ આંગળી ચીંધી તેને સરકારની મોટી નિષ્ફળતા તરીકે ગણાવવાની એકેય તક એક વર્ગ જતી કરતો નથી. પહેલગામ હુમલાને અને ઈસ્લામાબાદની શાંતિ પ્રક્રિયામાં પહેલને કોઈ સીધો સંબંધ નથી છતાં ટ્રમ્પની સોડમાં ભરાયેલા મુનિર અને પાકિસ્તાનનું નબળું રાજકીય નેતૃત્વ આનો લાભ લઈ ભારતને છંછેડવા માટે ફરી પહેલગામ જેવું દુઃસાહસ કરે એ શક્યતા નકારી શકાય નહીં. આમ પણ, ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે ભૂરાટા થયા છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મેં અટકાવ્યું એવી ડંફાસો વારંવાર મારતા રહે છે, આવામાં પાકિસ્તાન ફરી સળી કરતા અચકાશે નહીં. પહેલગામ હુમલા પછી વર્ષ 2025માં 48 લોકોના જીવ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં ગયા છે અને ચાલુ વર્ષે 18મી એપ્રિલ સુધીમાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે, જે ચિંતાજનક બાબત છે. પહેલગામ ઘટનાની વરસી નિમિત્તે ભારત સામેના પડકારો, ઘરઆંગણે સજ્જતા તથા રાજદ્વારી આંટીઘૂંટી જેવા મુદ્દે વિચારણા માગી લે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ