ચોમાસાનું આગમન મોડું થયું હોવા છતાં સરકાર અને પાલિકાની તૈયારીના દાવા દર વર્ષની જેમ મોળા સાબિત થયા છે. આખા જૂન મહિનાના ક્વૉટાનો પચાસ ટકા વરસાદ ચોવીસ કલાકમાં વરસ્યો અને રસ્તા તથા રેલવેના પાટા જળબંબાકાર થઈ ગયા તથા ટ્રાન્સ હાર્બર લાઇન પર તો પાટા નીચેથી માટી સરકી ગઈ અને બે કલાક રેલસેવા બંધ રહી. બીએમસી માટે નીચાજોણું થાય એવી ઘટના કિંગ્સ સર્કલમાં બની, અહીંની ગાંધી માર્કેટમાં પાલિકાની ચોમાસા માટેની સજ્જતાનું નિરીક્ષણ કરવા મેયર રિતુ તાવડે આવ્યાં હતાં એ સમયે જ પાલિકાના એક અધિકારી પાણી ભરેલા રસ્તા પરની ખુલ્લી ગટરમાં પડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પાલિકાની ભારે ટીકા થઈ હતી. જોકે, સારો વરસાદ છતાં મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોનાં પાણીના સ્તરમાં જોઈએ એવો વધારો થયો નહોતો. એક તો આમ પણ આ વખતે પાણીપુરવઠો કરતાં જળાશયોમાં પાણીનું પ્રમાણ ઓછું છે અને તેમાં મહિનાના ક્વૉટાનો અડધોઅડધ વરસાદ પડ્યો હોવા છતાં વધારો થયો નથી. છેલ્લાં એક-બે વર્ષથી એવું જોવા મળે છે કે, હવામાન ખાતાની આગાહીનો હવાલો આપી મંત્રાલય દ્વારા નાગરિકોના મોબાઈલ ફોન પર એવો સંદેશ મોકલવામાં આવે છે કે, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, નાગરિકોએ સતર્ક રહેવું. આ ચેતવણીનો સંદેશ મોકલી આપ્યો એટલે જાણે કે પોતાની જવાબદારી પૂરી એવો પ્રશાસનનો અભિગમ છે.
મુંબઈગરાને બેસ્ટની
હડતાળમાંથી માંડ રાહત મળી અને ધરપત હતી કે, આ વખતે નાળાસફાઈ તથા ચોમાસા પૂર્વેની અન્ય
તૈયારીઓ બરાબર થઈ છે, એવી જાહેરાત ગાઈ-વગાડીને થઈ હોવાથી વરસાદમાં હાલાકી નહીં સહન
કરવી પડે, પણ પહેલા જ વરસાદમાં બધા દાવા પોકળ સાબિત થયા હતા. બીએમસીનાં કમિશનર અશ્વિની
ભિડે બુધવાર સવારે સાડા ચાર વાગ્યાથી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ રૂમમાં પહોંચી ગયાં હતાં
અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં હતાં અને વિવિધ વિભાગોને નિર્દેશો આપ્યા હતા. તો,
મેયર તાવડે પણ જાતે નિરીક્ષણ કરવા રસ્તા પર ઊતર્યાં હતાં. જોકે, ગાંધી માર્કેટમાં એક
અધિકારી મેયરની હાજરીમાં જ ખુલ્લી ગટરમાં પડી ગયા એ પછી વિરોધી પક્ષોએ પાલિકા તંત્ર
અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવ્યા હતા. મુંબઈગરાને તંત્ર પાસેથી બહુ મોટી અપેક્ષા
નથી, રસ્તા પર ટ્રાફિકજામ ન થાય અને પાટા પર ટ્રેન ન રોકાય એટલું તેમના માટે પૂરતું
છે. પણ, દર વર્ષની જેમ આ વખતે પણ પહેલા વરસાદનો છાંટો મુંબઈગરાને ખરેખર પાટો બંધાવવા
જવું પડે એવો લાગ્યો છે. આશા રાખીએ મેઘરાજા પોરો ખાય એ દરમિયાન પાલિકા તકેદારી લેશે
અને ધોધમાર વરસાદની બીજી ઈનિંગ્સ વખતે હાલાકીનો સામનો નહીં કરવો પડે.