ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નવા પ્રાણ પુરવા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે તે કોક્રોચ પાર્ટીના પડકાર અને ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોની ચૂંટણીને અનુલક્ષીને થઈ રહ્યા છે તે સ્પષ્ટ છે. સંગઠનમાં થયેલા ફેરફાર, સુધારા માત્ર રાબેતા - મુજબના, ચીલાચાલુ નથી, આગામી મહિનાઓમાં સંખ્યાબંધ રાજકીય નિર્ણય લેવા માટેની આ પૂર્વતૈયારી છે. ભારતીય જનતા પાર્ટીના બારમા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નબીએ જવાબદારી સંભાળ્યા પછી સાત જ મહિનામાં સંગઠનમાં નવી ઊર્જા, યુવાશક્તિ આગલી હરોળમાં આવી છે. બદલાતા સમય અને સંજોગોના પડકારોને પહોંચી બળવા પક્ષ સશક્ત છે તેવો સંદેશ પક્ષના કાર્યકરો અને દેશભરમાં સમર્થકો માટે છે. આ સંદેશ વિશ્વાસનો પ્રોત્સાહક, સમર્થક છે.
પક્ષના સંગઠનમાં એકસાથે 13 ઉપપ્રમુખો નિમાયા છે તેમાં પચાસ ટકા - છ મહિલાઓ છે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલા બેઠકો અનામત રાખવા અંગે વડા પ્રધાન મોદી દૃઢ છે અને તે દિશામાં આ શરૂઆત થઈ રહી છે. મહિલાઓ અને યુવાનોના હાથમાં ભારતનું ભવિષ્ય સલામત છે - એવો સંદેશ સ્પષ્ટ છે.
સંગઠનના નવા અવતારમાં સ્મૃતિ ઇરાની ઉપરાંત રામ માધવ, ત્રિપુરાના પૂર્વ મુખ્ય પ્રધાન બિપ્લવ દેવનો સમાવેશ થયો છે. કેન્દ્ર સરકારમાં સફળ વ્યાપાર પ્રધાન પીયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચીની જવાબદારી મળી છે. ભાજપના સોશિયલ મીડિયા વિભાગના વડા અમિત માલવિયાના સ્થાને દીપક મ્હાસ્કે નિમાયા છે. તેઓ અગાઉ એન્જિનિયર્સ ઇન્ડિયા લિ.ના બોર્ડ ઉપર હતા. અમિત માલવિયાએ સોશિયલ મીડિયાની જવાબદારી અગિયાર વર્ષ સુધી સંભાળી પણ તાજેતરમાં કોક્રોચ `આક્રમણ' તેઓ ખાળી શક્યા નહીં, પ્રતિકાર કરી શક્યા નહીં તેથી આ ફેરફાર અનિવાર્ય હતો. દીપક મ્હાસ્કેની ટીમમાં પ્રીતિ ગાંધી, શિવાનંદ દ્વિવેદી, આલોક ભટ્ટ અને અરુણ યાદવ પણ છે.
ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાના સ્થાને હિમાંશુ જોષી નિમાયા છે. તેજસ્વી સૂર્યા - ભારતની યુવા પેઢીને આકર્ષીને કોક્રોચનો પ્રતિકાર કરી શક્યા નહીં તેથી આ પરિવર્તન જરૂરી હતું. ભારત સરકાર અને ભાજપ માટે દેશની યુવા પેઢીનું સમર્થન - મેદાનમાં અને અૉનલાઇન - બંને મોરચે જરૂરી છે. કોક્રોચ પાર્ટીએ ઘણા ઓછા સમયમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેને ઇન્સ્ટાગ્રામમાં પાછળ મૂકી દીધા હોવાનો સ્વીકાર થાય છે.
સ્મૃતિ ઇરાની મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યાં છે અને કૉંગ્રેસ સામે આગલી હરોળના યોદ્ધા રહ્યાં છે. એમની આક્રમક શૈલી દેશભરમાં વખણાય છે. રાહુલ ગાંધી અને પ્રિયંકાને પડકારવાની એમની શક્તિ છે.
આગામી વર્ષે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ખરો મુકાબલો હશે ત્યારે ભાજપની આ યુવા અને મહિલા સેના ઉપર ઘણો મદાર હશે.