• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ગુજરાતમાં નિરાધાર મહિલાઓને લૂંટતી ભેજાબાજ મહિલા પકડાઈ  

ભાર્ગવ પરીખ તરફથી 

અમદાવાદ, તા. 24 : સૌરાષ્ટ્ર અને કચ્છની ગરીબ અને ઓછું ભણેલી તેમ જ પતિ હયાત ન હોય એવી મહિલાઓને સરકારી સહાયની લાલચ આપી દાગીના પડાવતી શાતીર મહિલા આઠ વર્ષે પોલીસના સકંજામાં આવી છે. આ મહિલા ક્યારેક વકીલ બનતી તો ક્યારેક સામાજિક કાર્યકર બનીને આવી મહિલાઓના દાગીના લૂંટી ફરાર થઈ જતી હતી.  

છ મહિના  પહેલાં અમદાવાદના ભદ્ર વિસ્તારની સીટી સિવિલ કોર્ટની બહાર એક 37 વર્ષની મહિલા પોક મૂકીને રડતી હતી. ભરચક વિસ્તારમાં રડી  રહેલી આ મહિલાને જયારે કોર્ટના વકીલોએ પૂછ્યું કે કેમ રડે છે? ત્યારે ખબર પડી કે, એ ભુજની એક મહિલા હતી અને અમદાવાદની મનીષા નામની એક વકીલે એને વિધવા સહાયના નામે રકમ અપાવવા અમદાવાદ બોલાવી હતી, એને શરીર પર પહેરેલા દાગીના સાહેબ જોશે તો પૈસાવાળી ગણીને સહાય નહિ આપે એમ કહી દાગીના અને એનું પર્સ લઈ સરકારી અૉફિસ પાસે બેસાડી ગૂમ થઈ ગઈ હતી. ભુજની  આ મહિલા પાસે એના પતિના અવસાન બાદ એક સોનાનો દોરો કાનની બુટ્ટી અને ચાર સોનાની બંગડી હતી એ આ બાઈએ લૂંટી લીધી હતી 

અમદાવાદ પોલીસ અને કેટલાંક એડવૉકેટે ભેગા થઈ આ બહેનને ફાળો કરી ને ભુજની બસમાં બેસાડ્યા હતાં અને થોડા હાથ  ખર્ચીના પૈસા આપ્યા હતાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે આ કેસ આવતા આ નવી મોડેસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ નવાઈ પામી ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતમાં આવી પદ્ધતિથી પતિ હયાત ન હોય એવી મહિલાઓને લૂંટનારી ટોળકીની તપાસ શરું કરી મુખ્યત્વે સૌરાષ્ટ્રના ભાવનગર, પ્રભાસ પાટણ, ગીર સોમનાથ, કચ્છના ભુજ માંડવી અમદાવાદ અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારની અભણ અને ગરીબ બહેનોને સરકારી વિધવા સહાય અપાવવાના નામે અમદાવાદ લાવવામાં આવતી  હતી ત્યારબાદ કોઈપણ સરકારી કચેરીની બહાર બેસાડી રાખતા અને વિધવા સહાય આપનાર સાહેબ જો દાગીના જોઈ જશે તો સહાય નહિ આપે કહી વિધવા બહેનના દાગીના અને પર્સ પોતાની પાસે લઈ સરકારી કચેરીમાં જવાના બહાને દાગીના લઈ ને ગૂમ થઈ જતી. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બી. એમ. સુથારે `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારી પાસે જયારે આ કેસ આવ્યો ત્યારે મનીષા નામની એક બહેન પોતાને એડવૉકેટ અથવા સામાજિક કાર્યકર ગણાવી સૌરાષ્ટ્ર, કચ્છ અને આદિવાસી વિસ્તારની બહેનોને અમદાવાદ લાવતી અને એમના સોનાના દાગીના સરકારી સાહેબ જોઈ જશે તો વિધવા સહાય નહિ આપે કહી દાગીના લઈ નાસી જતી હતી . ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આવી પચીસેક ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે અમે આવી છેતરપિંડીનો ભોગ બનેલી બહેનોનો સંપર્ક કર્યો તો એની બોલી મધ્ય ગુજરાતની હોય એવું જણાયું હતું, દરેક છેતરાયેલી મહિલાએ એનું એક સરખું વર્ણન કર્યું હતું,