• મંગળવાર, 23 એપ્રિલ, 2024

યશસ્વી બેવડી સદી ચૂક્યો : વિરાટની અર્ધસદી : ભારતની જંગી સરસાઇ

ત્રીજા દિવસે લંચ સમયે ભારતના ચાર વિકેટે 400 : યશસ્વી 171 રને આઉટ : કોહલી 72 રને રમતમાં

રોસીયૂ (ડોમિનિકા) તા.14 : પ્રતિભાશાળી યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં બેવડી સદી ચૂકી ગયો હતો. જો કે તેણે 387 દડાની મેરેથોન ઇનિંગ રમીને 16 ચોગ્ગા અને 1 છગ્ગાથી યાદગાર 171 રનની ઇનિંગ રમી હતી. આજે પહેલા ટેસ્ટના ત્રીજા દિવસે લંચ સમયે વેસ્ટ ઇન્ડિઝથી ભારત 250 રને આગળ થયું હતું. લંચ સમયે વિરાટ કોહલી 170 દડામાં 5 ચોકકાથી 72 રને ક્રિઝ પર હતો. જયારે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 21 રને રમતમાં હતો. ભારતના 4 વિકેટે 400 રન થયા હતા. આજે યશસ્વી જયસ્વાલ બાદ અજિંકયા રહાણે (3) સસ્તામાં આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી આજે જોસેફ અને રોચે વિકેટ લીધી હતી. ભારતીય ટીમ 300 ઉપરની તેની સરસાઇ કરીને તેનો દાવ ડિકલેર કરી શકે છે. આ ઉપરાંત કોહલીની સદી પણ થઇ શકે છે.

અગાઉ બીજા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયા સંપૂર્ણ દબદબા સાથે વેસ્ટ ઇન્ડિઝથી 162 રને આગળ થયું હતું. યુવા અને પ્રતિભાશાળી બેટધર યશસ્વી જયસ્વાલ તેના પદાર્પણ ટેસ્ટમાં જ શાનદાર સદી ફટકારીને 143 રને અણનમ રહ્યો હતો. તેણે 350 દડાની ઇનિંગ દરમિયાન 14 ચોકકા ફટકાર્યાં હતા. તેના અને કપ્તાન રોહિત શર્મા વચ્ચે પહેલી વિકેટમાં 229 રનની વિન્ડિઝ ધરતી પરની સૌથી મોટી ઓપનિંગ જોડીની ભાગીદારી નોંધાઇ હતી. કપ્તાન રોહિત શર્માએ પણ શાનદાર સદી ફટકારી હતી. તે 221 દડામાં 10 ચોકકા અને 2 છકકાથી 103 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો.

જયારે શુભમન ગિલ વન ડાઉનની નવી ભૂમિકામાં નિષ્ફળ રહ્યો હતો. તે 11 દડામાં ફકત 6 રન કરીને આઉટ થયો હતો. જયારે સ્ટાર બેટર વિરાટ કોહલી 36 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે 96 દડાની ઇનિંગમાં ફકત એક ચોકકો ફટકાર્યોં હતો. ભારતીય બેટધરો સામે સફળતા મેળવવા કેરેબિયન કપ્તાન ક્રેગ બ્રેથવેટે તેના 9 બોલરને અજમાવ્યા હતા, પણ વિકેટ ફકત બે બોલર જેમોલ વેરિકોન અને એલેકે અથરાઝને મળી હતી.