ભારતના ભવ્ય ભૂતકાળ સાથે જોડાયેલા કેટલાક રહસ્યોને દર્શાવતો શૉ હિસ્ટરી હન્ટર વીસમી નવેમ્બરથી રાતે નવ વાગ્યે ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થશે. આઠ એપિસોડ ધરાવતા આ શૉમાં ભારતીય ઈતિહાસના વણઉકેલ્યા પાસાં દર્શાવાશે. મનીષ પૉલ આ શૉનો સંચાલક છે. હિસ્ટરી હન્ટરના પ્રથમ એપિસોડમાં સરસ્વતી નદી લુપ્ત થવાની વાત છે. ઋગવેદ અને મહાભારતમાં સરસ્વતીને ઉલ્લેખ છે જે ગંગા અને જમુના સાથે જ વહેતી હતી. નિષ્ણાતોના અભિપ્રાય અને ઈસરોના ડેટા સાથે પ્રાચીનકાળમાં સરસ્વતીના જ પ્રદેશોનો ઉલ્લેખ છે તે બાબત નદીનું અસ્તિત્વ હોવાની વાત પુરવાર કરે છે. મનીષે જણાવ્યું હતું કે, ભારત સપ્ત સિંધુના પ્રદેશ તરીકે જાણીતો હતો. વેદમાં જેનો ઉલ્લેખ છે તે સરસ્વતી નદી હાલ લુપ્ત થઈ છે. સિંઘુ સંસ્કૃતિના અવશેષોમાં તેના હોવાના પુરાવા છે અને ઋગવેદમાં સરસ્વતીને શાંતિપૂર્વક વહેવાની પ્રાર્થના કરવામાં આવી છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ હિમનદી હતી અને તે પાંચ હજાર વર્ષ વહ્યા બાદ રહસ્યમય રીતે સુકાઈ ગઈ હશે.