• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશ આંબેડકર વચ્ચે યુતિ

જોકે વંચિત બહુજન મહાવિકાસ આઘાડીનો ભાગ હશે કે નહીં એ અસ્પષ્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : શિવસેના (ઠાકરે જૂથ) અને વંચિત બહુજન આઘાડીની યુતિની જાહેરાત આજે ઉદ્ધવ ઠાકરે અને વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કરી હતી, પરંતુ બન્ને પક્ષમાં યુતિ ભલે થઈ હોય છતાં વંચિત બહુજન મહાવિકાસ આઘાડીનો ભાગ હશે કે નહીં એ બાબતે હજી પણ સ્પષ્ટતા કરાઈ નથી. 

ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશ આંબેડકરે આજે દાદર ખાતે આંબેડકર ભવનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં યુતિની જાહેરાત કરી હતી. તે વખતે વંચિત બહુજન આઘાડી મહાવિકાસ આઘાડીનો ભાગ હશે કે નહીં એવો સવાલ પૂછતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પ્રકાશ આંબેડકરે તેમના એનસીપી સાથેના સંબંધો મને જણાવ્યા હતા. અમારા પણ એનસીપી સાથે ત્રણ વર્ષ પહેલા કેવા સંબંધ હતા એ જગજાહેર છે, પરંતુ આ વખતે હવે અમારા ધ્યાનમાં આવ્યું કે છેતરપિંડીનું રાજકારણ ચાલી રહ્યું છે. તે વખતે અમે મહાવિકાસ આઘાડીની રચના કરવાનું નક્કી કર્યું હતું. 

અમે મહાવિકાસ આઘાડીનો નિર્ણય લીધો ત્યારે શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી એકસાથે આવશે કે નહીં એ અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યાર બાદ અમારા પર વિચિત્ર આક્ષેપો કરવામાં આવ્યા. એ બધાનો અમે જવાબ આપ્યો. અંદાજે અઢી વર્ષ સુધી મહાવિકાસ આઘાડીની સરકાર યોગ્ય રીતે ચાલી. મૂળ હેતુ સારો હોય તો બધુ બરાબર ચાલે. આ અંગે અમારી બેઠકો થઈ છે, પરંતુ વંચિત બહુજન આઘાડી મહાવિકાસ આઘાડીમાં સામેલ થાય તો કોઈ વાંધો નથી, એમ ઉદ્ધવે પ્રતિક્રિયા આપી હતી.