ધાર્મિક દ્વેષ નિર્માણ કરે એવા વિષયો છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં સપાટી પર આવ્યા છે. ક્યાંક ઝટકા-હલાલનો વિવાદ, તો ક્યાંક છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં મુસ્લિમ નહોતા એવી નિરર્થક વાતોને કારણે માહોલ કલુષિત થઈ રહ્યો છે. શાંત જળમાં પથરા નાખવા જેવા આ મુદ્દાઓનો આશય કહીં પે નિગાહેં કહીં પે નિશાના જેવો છે. ઔરંગઝેબના ગુણગાન અબુ આઝમીએ ગાયાં એની પાછળ કોઇક કારણ હશે જ. એક સમુદાયના રોષ વહોરી લઈ બીજી કોમમાં લોકપ્રિયતા મેળવવાનું આ ગતકડું છે.
લોકસભાના મુદ્દા વિધાનસભામાં નથી ચાલતા. હવે વિધાનસભાના
મુદ્દા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પણ ચાલવાના નથી એની ચાલાક રાજકારણીઓને
ખબર પડતી હોય છે, આથી આવા વિષયોની શરૂઆત થાય છે. કબાટમાંથી હાડપિંજર કાઢવાથી મહારાષ્ટ્રના
સામાજિક, ધાર્મિક સૌહાર્દને નુકસાન પહોંચી શકે છે, એવી સમજ રાજ્યના કોઈ પક્ષના નેતાને
નથી એવું લાગે છે. સત્તા પક્ષના વિધાનસભ્ય, પ્રધાનો જ જ્યારે ધાર્મિક ધ્રુવીકરણનો એજન્ડા
ચલાવતા હોવાથી બે પ્રકારની શંકા થાય છે. એક તો તેમાં તેનો વ્યક્તિગત હેતુ હોવો જોઈએ
અથવા તો ઉશ્કેરણીજનક ભાષા બોલવા માટે તેમને સૂચના અપાઈ છે.
પ્રાર્થના સ્થળના લાઉડ સ્પીકરનો વિષય સામે આવ્યો
છે. હિન્દુત્વ પર ફોકસ કરીને આગળનું રાજકારણ કરવાની તેમાંથી ગંધ આવે છે. ભારે બહુમતી
મળી હોવા છતાં રાજ્યના વિકાસ પર ફોકસ કરવાને બદલે વિવાદાસ્પદ નિવેદનોમાં રાજકારણીઓને
શા માટે રસ છે, એ સમજી શકાતું નથી. ફક્ત સત્તાધારી જ નહીં, વિરોધીઓનું પણ આવું છે.
વિશ્વ ક્યાં જઈ રહ્યું છે તેનું ભાન આ લોકોને છે ખરું!
પારદર્શક કારભારની આશ્વાસક શરૂઆત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસે કરી છે. આ માટે તેઓ અનેક ઉપાય કરી રહ્યા છે. વિવિધ વિભાગોમાં કૉન્ટ્રાક્ટરોથી
લઈ નીચે સુધી પ્રસરેલા ભ્રષ્ટાચારનો મુદ્દો મોટો છે. કામની આઠથી 20 ટકા સુધીની રકમ
વિવિધ સ્તરે લોકોને વહેંચવામાં જ ખર્ચાય છે, એવું કેટલાક કૉન્ટ્રાક્ટરો કહે છે. જુદા
જુદા વિભાગોના અદશ્ય રેટ કાર્ડ પણ છે. જોકે, આ પુરાવાઓની બીજી બાજુએ પણ ભ્રષ્ટાચાર
છે, જે ઉપરથી દેખાતો નથી. વહેંચણીની સાંકળ હોય છે તેમાંથી દરેક કડીને ખુશ રાખવી પડતી
હોય છે. આદિવાસી વિકાસ, સાર્વજનિક આરોગ્ય, વૈદ્યકીય શિક્ષણ, સાર્વજનિક બાંધકામ, જલસંસાધન,
જલ સંપદા એવા પણ વિભાગો છે જ્યાં વ્યવહાર ચાલે છે વહેંચણીનો આ હિસાબ એક કાગળ પર લખીને
એક એક કરીને તે દૂર કરી શકાય એમ નથી?
વિધાનસભામાં પ્રશ્ન, ધ્યાનાકર્ષક દરખાસ્ત રજૂ કરવા
માટે નેતાઓના એજન્ટો દ્વારા વ્યવહાર થતો હોવાનો આક્ષેપ ભાજપ વિધાનસભ્ય પરિણય ફૂકેએ
ર્ક્યો છે. તેમણે આ સંદર્ભમાં અૉડિયો-વિડિયો ક્લિપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને
આપ્યા છે. એક વિધાનસભ્ય આવો આક્ષેપ કરતા હોય તો એ ગંભીર બાબત છે? આવું ખરેખર કોઈ કૌભાંડ
હશે? મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા પ્રકરણ પછી હત્યાના પ્રયાસ, મારામારી,
ખંડણી વસૂલીને લગતા અનેક વિડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. એકદંરે મહારાષ્ટ્રનું
રાજકારણ દૂષિત થઈ રહ્યું છે.