આ વેળા 64 વર્ષ પછી હોળી અને રમજાન જુમ્માની નમાજ એક જ દિવસે આવી હોવાથી દેશના સંવેદનશીલ વિસ્તારોમાં તાણનું વાતાવરણ હતું તે પોલીસ તંત્ર, સુરક્ષા દળો તથા અન્ય સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે દૂર થયું હતું અને હોળીનો તહેવાર દેશભરમાં રંગેચંગે ઉજવાયો. મસ્જિદની હિફાજત કરવાની પોલીસે કમર કસી હતી અને રસ્તાથી લઈ સાયબર સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરાઈ હતી. હિન્દુ અને મુસ્લિમ સમુદાયોએ પોતપોતાનો તહેવાર શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસથી ઊજવ્યો એ નફરત ફેલાવનારાં તત્ત્વોને જોરદાર લપડાક સમાન છે.
હોળીના દિવસે ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં પારંપરિક
ચોપાઈનું સરઘસ પણ નીકળ્યું હતું. મસ્જિદમાં બપોરે અઢી વાગ્યે જુમ્માની નમાજ અદા કરાઈ
હતી. પોલીસ અને જિલ્લા તંત્રએ થ્રી ટાયરની સુરક્ષા વ્યવસ્થા કરી હતી. રેપિડ ઍક્શન ફૉર્સની
બટાલિયને શહેરમાં ફલૅગ માર્ચ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હોળીની પૂર્વસંધ્યા
પર નાગરિકોને તહેવારની ઉજવણી, નાગરિકો વચ્ચે એકતાના રંગને વધુ ગાઢ બનાવશે એવો સંદેશ
આપ્યો હતો તે ખરો પડયો છે. આમ હોળી એકતાની સંદેશવાહક બની છે.
હોળીના તહેવારે હિન્દુ-મુસ્લિમો એકબીજાની સામે આવી
જાય એ માટે વર્ષોથી અનેક તત્ત્વો સક્રિય છે. આ ઉપરાંત, આ દેશમાં હિન્દુ ધર્મના તહેવારોની
ઉજવણીને લઈને સુફિયાણી સલાહો આપવાની એક પ્રથા પડી ગઈ છે. જ્યારે અન્ય ધર્મના તહેવારોની
ઉજવણી વિશે મૌન સેવી લેતી લૉબી સક્રિય છે. જોકે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી
આદિત્યનાથે પોતે મુસલમાનોને પ્રેમથી સમજાવ્યાનો દાવો ર્ક્યો છે. આને લઈ ભારતભરમાં બધા
જ ધર્માંધ મુસ્લિમોને ભવિષ્યમાં `યોગી સ્ટાઈલ'થી પ્રેમથી સમજાવવાની આવશ્યકતા છે.
ક્યારેય હોળી અને નમાજને લઈ વિવાદને સ્થાન નથી અપાયું
જે આ વેળા અપાયું હતું. આ બધું દેશની એકતા, ભાઈચારાની સાથોસાથ, પર્વ-તહેવારોને માટે
ઘાતક છે પણ બન્ને કોમ નક્કી કરે કે આપણે સૌ ભેગા મળી એકબીજાના તહેવારને માન આપીશું
તો તહેવાર દીપી ઊઠશે અને બન્યું પણ એમ જ. આશા રાખીએ કે ભવિષ્યમાં બન્ને કોમ એકબીજાના
તહેવારનો આનંદ આવી રીતે જ લેશે, બીજાની ખુશી, આનંદને પોતાના સમજશે, જેથી સંઘર્ષને કોઈ
સ્થાન નહીં રહે.