• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ધર્મના નામે

હાલમાં જ હોળીએ દેશના વિભિન્ન સંપ્રદાયોના લોકોએ પરસ્પર સદ્ભાવ અને સૌહાર્દનો જે રંગ જમાવ્યો છે ત્યારે કર્ણાટકની સિદ્ધારામૈયા સરકારે રાજ્યમાં સાર્વજનિક ખરીદી પારદર્શિતા અધિનિયમ સંશોધનને કૅબિનેટમાં મંજૂરી અપાવી મુસ્લિમ સમુદાય માટે સરકારી કૉન્ટ્રાક્ટોમાં ચાર ટકા અનામતની જોગવાઈ કરીને અનેક સવાલો અને વિવાદોને જન્મ આપ્યો છે.

સંશોધન ખરડો વિધાનસભામાં આ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે, જે પસાર થતાં જ સરકારી કૉન્ટ્રાક્ટોમાં મુસ્લિમ અનામતનો માર્ગ મોકળો થઈ જશે. આ નિર્ણય બંધારણીય સમરસતાને પણ પડકાર ફેંકે છે; જેનો દૂરોગામી સામાજિક અને આર્થિક પ્રભાવ પડી શકે છે. જોકે, રાજ્ય સરકાર તર્ક કરે છે કે આ પગલું ‘પછાત વર્ગો’ના સશક્તીકરણની દિશામાં ભરવામાં આવ્યું છે, પરંતુ રાજકીય નિર્ણય ધર્મના આધારે નાગરિકોની સાથે ભેદભાવ કરે છે, જે બંધારણની મૂળ ભાવનાને પ્રતિકૂળ છે.

ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, જે સમાનતા, ન્યાય અને અવસરોની નિષ્પક્ષતા પર આધારિત છે. ધાર્મિક આધાર પર અનામત આ મૂલ્યોનું ઉલ્લંઘન છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બંધારણના અનુચ્છેદ 15 અને 16માં શિક્ષણ અને નોકરી માટે અનામતની જોગવાઈ છે, કૉન્ટ્રાક્ટ આપવા માટે નહીં. રાજ્ય સરકારનો નિર્ણય સમાજમાં એક ભયજનક વિભાજનકારી પ્રવૃત્તિને જન્મ આપે છે.

રાજ્ય સરકારે સમજવું જોઈએ કે કૉન્ટ્રાક્ટ પ્રણાલીમાં યોગ્યતા, પારદર્શિતા અને પ્રતિસ્પર્ધા અનિવાર્ય છે. અન્યથા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના નવા માર્ગ ખૂલી શકે છે. કોઈ વિશેષ ધર્મ કે સમુદાય માટે અનામત કોટા લાગુ કરવાથી સાર્વજનિક સેવાની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે અને આ સમાન તક અવધારણાને નબળી પાડે છે.

બેશક સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાના હેતુથી વિશેષ તક આપવી જોઈએ, પરંતુ નિર્ણય ‘આર્થિક સ્થિતિ’ કે ‘શૈક્ષિક પછાતપણા’ના આધાર પર હોવો જોઈએ નહીં કે, ધાર્મિક ઓળખના આધારે. જો પ્રત્યેક ધર્મ વિશેષને આ પ્રકારની રાહત આપવાનું શરૂ કરવામાં આવ્યું તો તે અનામતની અવધારણાનો દુરુપયોગ બનીને રહી જશે. ધર્મ આધારિત અનામત સમાજને વિભાજિત કરવાનું જ કામ કરશે, જે રાષ્ટ્રહિતમાં નથી. રાજ્ય સરકાર જો તુષ્ટીકરણની રાજનીતિ છોડીને સૌ માટે સમાન તક સુનિશ્ચિત કરવાની દિશામાં કાર્ય કરે તો બધા માટે બહેતર રહેશે અને એનાથી આ જ અપેક્ષિત છે.