• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ટેરિફ વૉર : ચીન લડી લેવાના મૂડમાં

અમેરિકાની 145 ટકા ટેરિફના જવાબમાં ચીને અમેરિકાની તમામ પ્રોડક્ટ પર 125 ટકા સુધીની ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આમ ચીને અમેરિકા પર 84 ટકાની ટેરિફ વધારીને 125 ટકા કરી છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધ વકરવું વિશ્વ માટે ચિંતાની વાત છે. બન્ને દેશો ટેરિફ ટકરાવનો ઉકેલ લાવી શકે એમ હોવા છતાં ટકરાવનો માર્ગ પસંદ કર્યો છે. ચીને અમેરિકાના પગલાને `એકતરફી બદમાશી' લેખાવ્યું છે. ચીને કહ્યું છે કે જો અમેરિકા ચીનનાં હિતોનું ઉલ્લંઘન કરવા પર ભાર મૂકે છે તો ચીન દૃઢતાથી વળતું પગલું લેશે અને અંત સુધી લડશે...

સવાલ એ છે કે, અંત સુધી લડવાનો અર્થ શું થાય છે? બે વિશ્વની મહાશક્તિઓનું આ રીતે સામસામા લડવું અને કોઈ પણ પ્રકારના અંતની ચર્ચા કરવી અફસોસની વાત છે. શું ચીનની ટેરિફના અંત સુધી લડવા ઈચ્છે કે અમેરિકાના અંત સુધી? ચિંતાની વાત છે કે સ્વયં શી જિનપિંગે અમેરિકાની વિરુદ્ધ કટિબદ્ધતા અને સખતાઈ દાખવી છે. ચીન નથી ઈચ્છતું કે પોતે નમતું જોખે છે કે કૂણું પડે છે, એવી ચર્ચા પણ થાય. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે યુરોપીયન સંઘને આ એકતરફી બદમાશીનો વિરોધ કરવામાં બીજિંગ સાથે હાથ મિલાવવા આગ્રહ કર્યો છે.

અમેરિકાના વલણમાં ટેરિફ મુદ્દે જે આડોડાઈ કે દાંડાઈ છે, એ ચાલુ રહી તો શત્રુનો શત્રુ મિત્રના ન્યાયે ચીન-યુરોપ કુલડીમાં ગોળ ભાંગશે? જોકે, યુરોપીયન દેશોને હાલ તો રાહત મળી છે અને આમ પણ અમેરિકાની વિરુદ્ધ વધુ કડકાઈ તેમને માફક આવે એમ નથી. જોકે, યુરોપ અને ચીન વચ્ચે સંપર્કો વધુ દૃઢ થશે. યુરોપ સંપન્ન બજાર છે, જ્યાં પોતાના ઉત્પાદનો વેચી ચીન લાભ મેળવતું આવ્યું છે. સવાલ એ ઊભો થાય છે કે યુરોપીયન દેશો ચીન માટે પોતાનું બજાર વધુ મોકળું કરશે તો વળતરમાં બીજિંગ પાસે આવી જ આશા નહીં રાખે?

વર્ષોથી ચીનની એક જ નીતિ છે, અન્ય રાષ્ટ્રો સાથેના વેપારમાં વધુમાં વધુ ફાયદો પોતાનો થાય એ જોતું આવ્યું છે. સવાલ થાય છે કે સ્વયં ચીન કે યુરોપીયન દેશ પોતાની વૈશ્વિક જવાબદારીઓને પૂર્ણ રીતે નિભાવે છે ખરા? દાયકાઓ જૂનું એક સત્ય એ છે કે, યુરોપીયન દેશ માત્ર પોતાની સમસ્યા મહત્ત્વપૂર્ણ ગણે છે. અન્ય દેશોની સમસ્યા સાથે યુરોપને ખાસ લેવાદેવા નથી હોતી. આવામાં ચીન અને યુરોપીયન દેશો વચ્ચેના સંબંધોનું કેવી રીતે આગળ વધે છે.

વિશ્વ વ્યાપારમાં જે દેશોનો હિસ્સો વધુ હોય છે તેને ખોટની પણ વધુ સંભાવના રહેતી હોય છે. આ મોરચે ભારત સલામત સ્થિતિમાં છે, જ્યારે કે ટેરિફ વૉરમાં સર્વાધિક નુકસાન ચીન અને યુરોપને થઈ રહ્યું છે. જોકે, આ પરિસ્થિતિમાં ભારતે સૌથી સજાગ રહેવાનું રહેશે, જેથી નિકાસની ઊભી થતી તકનો ભરપૂર લાભ લઈ શકાય. એક બીજો મોટો પડકાર એ પણ છે કે ચીનના ઉત્પાદનોનું પ્રમાણ ભારતમાં વધી શકે છે, કારણ કે ચીન ભરપાઈ માટે નવા બજારની શોધમાં છે. જોકે, ભારતે પોતાની શક્તિ વધારવા નિકાસ વધારા પર ભાર આપવાની નીતિ અપનાવવી જોઇએ.