વકફ - સુધારા કાયદાના વિરોધમાં હિંસાચાર કાબૂ બહાર ગયા પછી હવે બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી એક બાજુ - ભારત સરકાર, ગૃહપ્રધાન અમિત શાહ અને સરહદી સલામતી દળ ઉપર હિંસાચારનો દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે અને બીજી બાજુ, `ઇન્ડિયા' બ્લૉકને કહે છે કે, આપણે સાથે મળીને કેન્દ્ર સરકારનો વિરોધ કરવો જોઇએ. મુર્શિદાબાદને બદલે આંદોલનનું કેન્દ્ર દિલ્હીને બનાવવાનો એમનો વ્યૂહ છે. મમતા બેનરજીએ બંગાળના મુસ્લિમ નેતાઓની સભા બોલાવીને સલાહ આપી છે કે તમે બધા દિલ્હી પહોંચો અને વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિને મળો. કાયદો રદ કરવાની માગણી કરો. આંદોલનનું કેન્દ્ર દિલ્હીને બનાવો તો જ વિશ્વનું ધ્યાન ખેંચાશે અને ભારત સરકાર ઉપર દબાણ વધશે. ગુરુવારે સર્વોચ્ચ અદાલતે વકફ કાયદામાંની કેટલીક જોગવાઈઓ પર સાત દિવસ માટે રોક લગાડી છે અને આગામી સુનાવણી સુધી કાયદા અંગે યથાવત્ સ્થિતિ જાળવવાના નિર્દેશો કેન્દ્ર સરકારને આપ્યા છે.
મમતા બેનરજીના નિશાના ઉપર વકફ કાનૂન નથી.
મોદી અને ભાજપ સરકાર છે. અત્યારે કાનૂનનો વિરોધ દેશભરમાં થાય છે પણ હિંસાચાર માત્ર
બંગાળમાં છે અને હાઈ કોર્ટ પછી સુપ્રીમ કોર્ટે પણ હિંસાની ટીકા કરી છે. કેન્દ્ર સરકારે
મુસ્લિમ હિંસક ટોળાઓને કાબૂમાં લેવા બોર્ડર સિક્યોરિટી ફોર્સના રક્ષકોને મોકલ્યા છે
- હવે મમતા માટે છછુંદર ગળવા જેવી હાલત છે. એમની ઉશ્કેરણી પછી શરૂ થયેલો હિંસાચાર બંધ
થાય નહીં તો આખરે રાજ્ય સરકારની નિષ્ફળતા સાબિત થાય. રાષ્ટ્રપતિ શાસન પણ આવી પડે. આ
સ્થિતિમાં મમતા બેનરજી છટકબારી શોધે છે. આંદોલનનું કેન્દ્ર દિલ્હીને બનાવે તો બચી શકાય.
મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી મમતાને
ઇન્ડિયા બ્લૉક - કૉંગ્રેસની જરૂર નહોતી. ગરજ પણ નહોતી. ઇન્ડિયા બ્લૉકના અન્ય કોઈ ભાગીદાર
પક્ષના નેતા મમતાને ટેકો આપવા આવ્યા નથી કે બોલતા પણ નથી! માર્ક્સવાદીઓને તો મમતા સાથે
બારમો ચન્દ્રમા છે. અખિલેશ યાદવને યોગી જ દેખાય છે અને કૉંગ્રેસ - રાહુલ ગાંધીને માત્ર
ગુજરાત દેખાય છે. નવી દિલ્હીનો માર્ગ ગુજરાતથી જશે એમ કહે છે! સૌ પોતપોતાના ખેલમાં
છે ત્યારે મમતાદીદી એકલાં પડયાં છે તેથી જ ઇન્ડિયા - જૂથને કહે છે : આવો દિલ્હી ઉપર
આક્રમણ કરીએ! આ બધા વચ્ચે ગાંધી પરિવાર નેશનલ હેરાલ્ડની સંપત્તિની તપાસમાં સપડાયો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે છે. દલીલબાજી
થાય છે અને બંગાળમાં આક્ષેપબાજી થાય છે. મુર્શિદાબાદમાં હિન્દુઓ ઉપર હુમલા, લૂંટફાટ
અને અત્યાચારની ઘટનાઓની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે તાકીદ પણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં
કેસ લાંબો ચાલશે તે નક્કી છે. અત્યારે તો વચગાળાની રાહત અપાઈ છે અને આગળ જતાં વકફ બોર્ડમાં
હિન્દુ સભ્યની જોગવાઈ ઉપર `સ્ટે' મુકાય તો નવાઈ નહીં અને આવી રાહત મળે તો એ પછી કાનૂન
રદ કરવાની માગણી જોરદાર બનશે. આ દરમિયાન વડા પ્રધાન મોદી મંગળવારે રાષ્ટ્રપતિજીને મળ્યા
ત્યારે આ સમગ્ર પરિસ્થિતિની ચર્ચા પણ થઈ જ હશે. વકફ સુધારાના વિવાદમાં ધર્માદાની સંપત્તિ
છે ત્યારે કર્ણાટકની કૉંગ્રેસ સરકાર દ્વારા 445 કરોડ જેટલી હિન્દુ મંદિરોની આવક મેળવીને
તેમાંથી 330 કરોડ મસ્જિદો, મદરેસાઓ અને ચર્ચ પાછળ ખર્ચવામાં આવી હોવાના રિપોર્ટ આવ્યા
છે તેથી આ વિવાદને નવો વળાંક મળે તેમ લાગે છે.
કૉંગ્રેસ સહિતના વિપક્ષો - પ્રાદેશિક પક્ષોને
વકફ વિવાદમાં - અવસર મળ્યો છે : મોદી સરકારને ભીંસમાં લેવાનો!