સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા અને વિશ્વાસ
વક્ફ સુધારાના
વિરોધમાં દેશભરમાં આંદોલન શરૂ થયું છે અને સુપ્રીમ કોર્ટે - કેન્દ્ર સરકારના
સહયોગથી, સમયસર દરમિયાનગીરી કરી છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સંઘર્ષની
શરૂઆત થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટ ઉપર આશા અને વિશ્વાસ છે. આ વિશ્વાસ ડગી જાય નહીં
તેની ચિંતા હોવી જોઈએ પણ શાસક પક્ષના જવાબદાર ગણાય તેવા બે સંસદસભ્યોના વાણીવિલાસથી
ન્યાય તંત્રની બદનામી થઈ છે, જનતાનો વિશ્વાસ પણ ડગી જાય એવી સ્થિતિ છે. ભાજપના અધ્યક્ષે
સંબંધિત સભ્યો-નેતાઓને વાણીનો સંયમ જાળવવા જણાવ્યું છે પણ ચૂપ રહેવાથી ‘ડેમેજ
કન્ટ્રોલ’ થાય એમ નથી. આ સભ્યોએ સુપ્રીમ કોર્ટની માફી માગવી જોઈએ. સરકાર અથવા સંસદ
અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સંઘર્ષ વધે નહીં તે જોવું જોઈએ.
સુપ્રીમ કોર્ટના
વડા ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયાધીશોની ટિપ્પણી પછી ભારતીય જનતા પાર્ટીના બે
સંસદસભ્યોએ ભારે આક્રમક ભાષામાં ટીકા-પ્રહાર કર્યા છે - જે શોભાસ્પદ નથી. જવાબદાર
સંસદસભ્યો માટે પણ અયોગ્ય - અતિશયોક્તિ છે. ઉપરાષ્ટ્રપતિજી - રાજ્યસભાના
અધ્યક્ષશ્રીએ સુપ્રીમ કોર્ટની સખત શબ્દોમાં ટીકા કર્યા પછી ભાજપના નિશિકાંત દુબે
અને દિનેશ શર્માને જાણે બેફામ બોલવાનું લાઈસન્સ મળી ગયું હોય એવી સ્થિતિ છે!
તામિલનાડુના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન સ્ટાલિન વચ્ચે ચાલતા ગજગ્રાહના કારણે વિધાનસભાએ
પસાર કરેલા ખરડા રાજ્યપાલે ‘રેફ્રીજરેટર’માં રાખી મૂક્યા હોવાની ફરિયાદમાં સુપ્રીમ
કોર્ટે રાજ્યપાલ સાથે રાષ્ટ્રપતિને પણ ‘સૂચના’ આપી કે ત્રણ મહિનાની અંદર મંજૂરી
આપવી કે નહીં તેનો નિર્ણય લેવો જોઈએ. આવી સૂચના અથવા આદેશ રાજ્યપાલ સુધી સીમિત હોઈ
શકે પણ રાષ્ટ્રપતિને આપવામાં સુપ્રીમ કોર્ટે પણ માન-મર્યાદાનો ભંગ કર્યો છે એ
સ્વીકારવું જોઈએ.
ઉપરાષ્ટ્રપતિએ
સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યા પછી વિવાદ આગળ વધારવાની જરૂર નહીં હોવા છતાં નિશિકાંત
દુબેએ સુપ્રીમ કોર્ટ ઉપર ટીકા-પ્રહાર ચાલુ રાખ્યા અને મર્યાદાનો ગંભીર ભંગ કર્યો
છે. આ વિવાદ - સુપ્રીમ કોર્ટને પડકારવાની - બદનામ કરવાની વૃત્તિ ખતરનાક છે અને તે
વધુ વકરે તે પહેલાં ડામી દેવી જોઈએ. આજે લોકોને ન્યાયતંત્ર ઉપર અડગ વિશ્વાસ છે
ત્યારે નેતાઓ જો ન્યાયતંત્રનું જાહેરમાં અવમૂલ્યન-અપમાન કરે તો આમજનતાનો વિશ્વાસ
પણ ડગી જશે. ભાજપના અધ્યક્ષે બંને સંસદસભ્યોનાં નિવેદનો સાથે પક્ષ અથવા સરકારને
લેશમાત્ર લેવા-દેવા નથી. ભાજપે હંમેશાં ન્યાયતંત્રને આદર આપવામાં કચાશ રાખી નથી -
તમામ આદેશો અને સૂચનો સ્વીકારીને પાલન કર્યું છે - સુપ્રીમ કોર્ટ આપણા લોકતંત્રનો
અભિન્ન ભાગ છે. સંવિધાનના રક્ષણ માટે એક સ્તંભ છે - આ બંને સંસદસભ્યોને આવાં
નિવેદનો નહીં કરવા જણાવાયું છે.
ભાજપના અધ્યક્ષે આ સભ્યોને ઠપકો આપવાની,
સુપ્રીમ કોર્ટની જાહેરમાં માફી માગવાનો આદેશ આપવાની જરૂર
હતી અને છે. ચાર વખત લોકસભામાં ચૂંટાયેલા અને એક સંસદીય સમિતિના અધ્યક્ષ છે એવા
માનનીય નિશિકાંત દુબેએ નામદાર વડા ન્યાયમૂર્તિ દેશમાં ‘િસવિલ વૉર’ - ગૃહયુદ્ધ માટે
જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ કાયદા બનાવે તો સંસદ ભવન બંધ
કરી દેવું જોઈએ. આ શબ્દો ‘ટીકા’ નથી, ગંભીર આક્ષેપ છે. પૂર્વ ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીને
‘મુસ્લિમ કમિશનર’ કહીને ચૂંટણી પંચ સામે અવિશ્વાસ જગાવવાનો પ્રયાસ છે - આ બદલ
જાહેરમાં માફી માગવાની ફરજ પાડવી જોઈએ. લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષે
પણ આ નિવેદનોની ગંભીર નોંધ લઈને યોગ્ય ‘સજા’ કરવી જોઈએ. વિવાદ વધુ વકરીને વિસ્તરે
તે પહેલાં ડામી દેવો જોઈએ.