• બુધવાર, 12 નવેમ્બર, 2025

વંદેમાતરમ્ : વિરોધ શા માટે?

આપણા રાષ્ટ્રગીત વંદેમાતરમ્નો વિરોધ શા માટે થાય છે? 150 વર્ષથી જે ગીતના શબ્દોએ ભારતભરમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી છે અને સ્વાતંત્ર્ય લડતમાં શક્તિ પૂરી છે તેનું અપમાન કેવી રીતે થઈ શકે? મહારાષ્ટ્ર સરકારે સાતમી નવેમ્બરે રાજ્યની તમામ શાળાઓમાં વંદેમાતરમ્નું સમૂહગાન કરવા જણાવ્યું છે તે સામે રાજકીય વિરોધ થઈ રહ્યો છે તેનો પ્રતિકાર કરવા રાજ્યના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન - ભાજપના સિનિયર નેતા મંગલ પ્રભાત લોઢાએ આહ્વાન કર્યું છે અને આ રાષ્ટ્રીય ગૌરવનો વિરોધ કરનારા નેતાઓ - કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષના વિધાનસભ્યો અસલમ શેખ, અમીન પટેલ અને અબુ આઝમીના નિવાસસ્થાન તથા કાર્યાલયો સામે વંદેમાતરમ્નું સમૂહગાન કરવાની જાહેરાત કરી છે.

નોંધપાત્ર છે કે કૉંગ્રેસી વિધાનસભ્યો અમીન પટેલ અને અસલમ શેખે ભૂતકાળમાં રાષ્ટ્રપતિને પત્ર લખીને મુંબઈમાં બૉમ્બ ધડાકાના આરોપી યાકુબ મેમણને માફી આપવાની રજૂઆત કરી હતી. સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીએ તાજેતરમાં વંદેમાતરમ્નો વિરોધ કર્યો છે, તેનો પ્રતિકાર થવો જોઈએ અને ભારતના નાગરિકોએ સાતમી નવેમ્બરે રાષ્ટ્રગીતની 150મી જયંતી ઊજવવી જોઈએ એમ કહ્યું છે. મંગલ પ્રભાતજીએ ગામદેવી ખાતેની શાળા - શારદા મંદિરમાં વિદ્યાર્થીઓ સાથે સમૂહગાનથી શરૂઆત કરી છે અને હવે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હર્ષભેર ઊજવાશે.

વંદેમાતરમ્ અર્થાત મા તુઝે સલામ - જ છે. આ ગીત કોઈ ધર્મ અથવા સમાજવિરોધી નથી. ભારતની વિવિધતામાં એકતા દર્શાવાઈ છે. રાષ્ટ્રભાવના માટે પ્રેરણારૂપ આ એક અમરગીત છે તેથી તેના સમૂહગાનથી વિદ્યાર્થીઓનો રાષ્ટ્રપ્રેમ, ભારતની વિવિધતામાં રહેલી એકતાનો સંદેશ મળે છે તેથી રાજ્ય સરકારે સમૂહગાન ઉપરાંત નિબંધ સ્પર્ધા અને પ્રવચનોનો કાર્યક્રમ રાખ્યો છે. વિપક્ષી નેતાઓ વિરોધ કરવાને બદલે સમૂહગાનમાં જોડાય તેવી અપેક્ષા રાખીએ.