• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

શ્રમિક કાયદામાં આવકારપાત્ર સુધારા

જે લાભ અત્યાર સુધી સંગઠિત વર્ગના કર્મચારીઓને જ મળતા હતા તે હવે `ગીગ' અને પ્લેટફોર્મ વર્કર્સ સહિતના સૌ શ્રમિકોને મળશે. હવે દરેક  કર્મચારીને નિમણૂકપત્ર આપવો ફરજિયાત છે જેમાં તેનું કામ, વેતન અને સામાજિક લાભોની વિગત આપવાની રહેશે. કેન્દ્ર સરકાર દેશવ્યાપી લઘુતમ વેતન ઠરાવશે જેમાં રાજ્ય સરકારો સ્થાનિક પરિસ્થિતિ અનુસાર વધારો કરી શકશે ધબકતું વિકાસશીલ અર્થતંત્ર જ કામદાર સુરક્ષાની ખરી ગેરન્ટી છે. આમ છતાં વિકાસના લાભ ન્યાયી રીતે વહેંચાય તે માટે સ્પષ્ટ કાયદાઓ જરૂરી છે. 

મોદી સરકારે એ દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે

પાંચ વર્ષ અગાઉ ઘડાઈ ચૂકેલા ચાર શ્રમિક કાયદાઓને અમલી બનાવવાનો સરકારનો નિર્ણય જરૂરી, સમયસરનો અને આવકારપાત્ર છે. ઉદ્યોગજગત, અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોની દાયકાઓથી ફરિયાદ હતી કે ભારતના અઘોર જંગલ જેવા અટપટા, જરીપુરાણા કામદાર કાયદાઓ ઉદ્યોગધંધાના વિસ્તરણ અને નવી ભરતીને નિરુત્સાહ કરનારા છે. જે દેશમાં દર વર્ષે લાખો યુવાનો શ્રમબજારમાં દાખલ થાય છે ત્યાં તે નવી રોજગારીમાં અડચણરૂપ છે. નવા કાયદાઓમાં કામદારો, માલિકો અને વ્યાપક અર્થવ્યવસ્થાનાં હિતોનું સંતુલન સાધવાનો પ્રયાસ કરાયો છે. કામ કરવાની શરતોને આધુનિક બનાવવી, વેતન સુરક્ષાને વધુ સુદૃઢ કરવી, ઉત્પાદકતા વધારવી અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવું એ તેમના મુખ્ય ઉદ્દેશો છે જે અવિરત ઊંચા વિકાસ માટે આવશ્યક છે.

જે લાભ અત્યાર સુધી સંગઠિત વર્ગના કર્મચારીઓને જ મળતા હતા તે હવે `ગીગ' અને પ્લેટફોર્મ વર્કર્સ સહિતના સૌ શ્રમિકોને મળશે. હવે દરેક  કર્મચારીને નિમણૂકપત્ર આપવો ફરજિયાત છે જેમાં તેનું કામ, વેતન અને સામાજિક લાભોની વિગત આપવાની રહેશે. કેન્દ્ર સરકાર દેશવ્યાપી લઘુતમ વેતન ઠરાવશે જેમાં રાજ્ય સરકારો સ્થાનિક પરિસ્થિતિ અનુસાર વધારો કરી શકશે. પૂરેપૂરો પગાર સમયસર ચૂકવવો પડશે. પ્રોવિડન્ટ ફંડ, જીવન અને અકસ્માત વીમો, આરોગ્ય અને માતૃત્વ રજા જેવા લાભો દરેક કર્મચારીને મળશે. અસંગઠિત ક્ષેત્રના એગ્રીગેટરોએ તેમના ટર્નઓવરના 1-2 ટકા શ્રમિક કલ્યાણ નિધિમાં આપવા પડશે જેમાંથી તેમના કામદારોને સામાજિક સુરક્ષા અને અકસ્માતનું વળતર અપાશે. સળંગ એક વર્ષ નોકરી કરનાર નિયત સમયનો કર્મચારી પણ ગ્રેચ્યુઈટીનો હકદાર રહેશે. મહિલાઓ કોઈ પણ ક્ષેત્રે (ખાણકામ, ભારે ઉદ્યોગો સહિત) અને કોઈ પણ શિફ્ટમાં કામ કરી શકશે. ભરતી, પગાર કે અન્ય લાભોમાં મહિલાઓ વિરુદ્ધ ભેદભાવ રાખી શકાશે નહિ. માલિકોએ તેમના બધા કર્મચારીઓનું વાર્ષિક આરોગ્ય પરીક્ષણ  કરાવવું પડશે. જોખમી ક્ષેત્રના કામદારોને 100 ટકા આરોગ્ય સુરક્ષા આપવામાં આવશે. સામે પક્ષે  હવે એકસોને બદલે 300 કર્મચારીઓ ધરાવતા ઉદ્યોગો સરકારી મંજૂરી વગર છટણી, લેઓફ અને એકમ બંધ કરવાનો નિર્ણય લઈ શકશે. જો કે આ બાબતમાં રાજ્ય સરકારો પોતાના નિયમો ઘડી શકશે. યુનિયનોએ હડતાળ માટે 14 દિવસની નોટિસ આપવી  પડશે. 

અગાઉના કાયદાઓની તુલનામાં નવા કાયદા વધુ સમતોલ, વ્યવહારુ અને પ્રગતિશીલ છે તેમાં શંકા નથી. ખરો પડકાર તેમનો અમલ કરાવવામાં છે. કેટલીક મુશ્કેલીઓ  રાજકીય અને વહીવટી છે. મોદી સરકારે સપ્ટેમ્બર 2020માં 29 જૂના કાયદાઓને બદલે ચાર નવા સુધારિત કાયદા સંસદમાં પસાર કરાવ્યા પણ અનેક કારણોસર તેમને નોટીફાય કરવામાં છ વર્ષ નીકળી ગયાં. હજી પણ કેટલીક બાબતોમાં કેન્દ્ર સરકાર નિયમો બહાર પાડશે જે 45 દિવસ પછી અમલમાં આવશે. વિપક્ષી રાજ્ય સરકારો કેવું વલણ અપનાવે છે તે જોવાનું છે. ઉદ્યોગજગતે નવા કાયદાઓને આવકાર આપ્યો છે. કૉંગ્રેસ અને સામ્યવાદી પક્ષોનાં યુનિયનોએ આ સુધારાને કામદાર વિરોધી ગણાવ્યા છે તેમાં તથ્ય નહિવત્ અને રાજકારણ ભરપૂર છે. સરકારોએ પરીક્ષણ, ડેટા સિસ્ટમ અને ફરિયાદ નિરાકરણની કાર્યદક્ષ યંત્રણા ઊભી કરવી પડશે. તે વગર આ કાયદાઓ પોથીમાંનાં રીંગણાં છે.

બીજી મુશ્કેલી આર્થિક વ્યવહારુતાની છે. કાયદા ઘડવાથી વેતનો વધારી શકાતાં નથી. રોજગારી અવિધિસરની બની જાય છે. સ્ટાફનો પગાર ઊંચો ઠરાવો તો સ્ટાફ ઓછો અને કોન્ટ્રાકટવાળા વધી જાય છે. ગ્રેચ્યુઈટીની મુદ્દત એક વર્ષ હશે તો કોન્ટ્રાકટ 11 મહિનાના થવા લાગશે. ધબકતું વિકાસશીલ અર્થતંત્ર જ કામદાર સુરક્ષાની ખરી ગેરન્ટી છે. આમ છતાં વિકાસના લાભ ન્યાયી રીતે વહેંચાય તે માટે સ્પષ્ટ કાયદાઓ જરૂરી છે. મોદી સરકારે એ દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે.       

ઇ-પેપરના નવા શુલ્ક