મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આડેનું ગ્રહણ ઝટ દૂર થાય એવું લાગતું નથી. બીજી ડિસેમ્બરે 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતોની ચૂંટણી થવાની છે, પણ આમાંની 57 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અનામત બેઠકોનું પ્રમાણ પચાસ ટકાથી વધુ હોવાનું સામે આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આ 57 જગ્યાએ ચૂંટણીઓ પર સદંતર રોક મૂકી નથી, પણ સ્પષ્ટ કર્યું છે કે, અનામતના પચાસ ટકા મર્યાદાનો ભંગ થયો હશે તો આ ચૂંટણીઓના ભાવિનો આધાર અદાલતના અંતિમ ચુકાદાને આધીન રહેશે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને પણ તાકીદ કરી છે કે, આ 57 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ ઉપરાંત જ્યાં ચૂંટણીઓ નોટિફાઈ નથી થઈ ત્યાં 50 ટકાની મર્યાદા જળવાય એની તકેદારી રાખજો. 2017થી મહારાષ્ટ્રની અનેક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અનામત સંબંધી એક યા બીજી કાયદાકીય ગૂંચવણને કારણે થઈ શકી નથી અને હવે અનામતની કુલ મર્યાદા 50 ટકાથી વધવી ન જોઈએ એ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી હોવાથી આ ચૂંટણીઓના ભાવિ પર નવેસરથી પ્રશ્નાર્થચિહ્ન લાગ્યો છે.
2021થી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય
સંસ્થાઓની ચૂંટણીઓ ઓબીસી ક્વૉટાના વિવાદને કારણે અટકી પડી હતી. મહારાષ્ટ્ર સરકારે
2022માં ઓબીસી અનામત માટેની માહિતી નિશ્ચિત કરવા માટે જયંતકુમાર બાંઠિયા કમિશનની સ્થાપના
કરી હતી અને આ કમિશને જુલાઈ, 2022માં પોતાનો અહેવાલ રજૂ કર્યો, જેમાં પચાસ ટકા અનામતની
ટોચમર્યાદામાં રહી ઓબીસીને 27 ટકા અનામત આપવાની ભલામણ કરી હતી. આ અહેવાલને પડકારતી
અરજી અદાલત સામે પ્રલંબિત છે, આથી સુપ્રીમ કોર્ટે બાંઠિયા કમિશનના અહેવાલ પૂર્વે અસ્તિત્વમાં
હોય એવી કાયદા મુજબની જોગવાઈઓના આધારે ઓબીસી આરક્ષણ આપવા નિર્દેશ આપ્યા હતા. જોકે,
અધિકારીઓએ આનું ખોટું અર્થઘટન કરી 50 ટકાથી વધુ અનામતની છૂટ આપી હોવાથી અત્યારની મડાગાંઠ
સર્જાઈ છે. મુંબઈ મહાનગર ક્ષેત્રમાંની દહાણુ નગર પરિષદમાં બાવન ટકા તો જવ્હાર નગર પરિષદમાં
તો સિત્તેર ટકા અનામત હોવાનું જોવા મળે છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં આદિવાસીઓ બહુમતીમાં
છે, આથી તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ એવી દલીલને પગલે કોકડું વધુ ગૂંચવાયું
છે અને હવે સર્વોચ્ચ અદાલતે બીજી ડિસેમ્બરે જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં ઓબીસી,
આદિવાસીઓ અને અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે, એ અમારે સમજવું છે એવી માગ કરી છે. આગામી
દિવસોમાં આ મામલામાં સુનાવણી હાથ ધરાવાની છે, પણ અત્યારે તો ચૂંટણીઓનું ભાવિ અધ્ધરતાલ
જણાય છે. 2017 બાદથી રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ ટલ્લે ચડી છે અને
પહેલા તબક્કાની ચૂંટણી માટે એકાદ અઠવાડિયાથી ઓછો સમય બાકી છે છતાં આ બાબતમાં ચિત્ર
સ્પષ્ટ નથી.