કેરળ વિધાનસભાએ બે વાર રાજ્યનું નામ બદલીને કેરલમ્ કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો, જેના પર આખરે કૅબિનેટે મંજૂરીનું મત્તું માર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નામ બદલ વિશે સોશિયલ મીડિયા પર કરેલી પૉસ્ટમાં લખ્યું છે કે- આ પગલું રાજ્યના લોકોની ઇચ્છા અને સાંસ્કૃતિક ઓળખને સુદૃઢ કરવાના પ્રયાસો સાથે સંરેખિત છે. 140 સભ્યોની કેરળ વિધાનસભાનો કાર્યકાળ આગામી 23મી મેએ પૂરો થાય છે અને રાજ્યમાં આગામી એપ્રિલ મહિનામાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે લેવાયેલા આ પગલાને ચૂંટણીલક્ષી ગણાવવામાં આવી રહ્યું છે. તો, બીજી તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું છે કે, વેસ્ટ બેંગાલનું નામ બાંગ્લા કરવા માટેનો પ્રસ્તાવ ભાજપની સરકારે દબાવી રાખ્યો છે. મમતાદીદીએ નવો રાગ છેડતાં કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી પહેલાં આ નામ બદલથી સ્પષ્ટ છે કે, ભાજપ અને સીપીઆઇ (એમ) વચ્ચેનું ગઠબંધન વધુ મજબૂત બની રહ્યું છે. કેન્દ્ર સરકાર બંગાળ વિરોધી છે, કેમ કે બે વાર પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર થયો છે અને મેં જાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે પત્ર લખ્યો હોવા છતાં આ દિશામાં કશું જ આગળ વધ્યું નથી.
ભારતમાં બીજું કંઈ બદલાય ન બદલાય, સત્તામાં નવી સરકાર
આવે એટલે સૌથી પહેલા નામ બદલવાનો દાવ શરૂ થતો હોય છે. સ્વતંત્રતા બાદ અનેક રાજ્યોનાં
નામ બદલાયાં છે અને વિવિધ રાજ્યોમાં શહેરો, ગામો અને સ્થળોનાં નામમાં પરિવર્તન થયાં
છે. જોકે, નામ બદલવાની આ રમત અને મમતને કારણે સરકારી રેકૉર્ડમાં ફેરફાર કરવા માટે કરોડો
રૂપિયા ખર્ચાતા હોય છે. કોઈ વ્યક્તિ પોતાનું નામ બદલવા માગતી હોય તો એની પ્રક્રિયા
પણ ખાસ્સી લાંબીલચક છે, તો રાજ્યનું નામ બદલા માટેની પ્રક્રિયા પણ જટિલ હોવાની જ. મલયાલમમાં
રાજ્યનું નામ કેરલમ્ જ છે, પણ બંધારણના આઠમા અનુચ્છેદમાં આ નામ કેરળ હોવાથી અને પહેલી
નવેમ્બર, 1956ના રોજ ભાષાના આધારે રાજ્યોની આંકણી કરાઈ હોવાથી મલયાલમ ભાષામાં રાજ્યનું
નામ છે, એ જ નામ સત્તાવારપણે પણ હોવું જોઈએ. જોકે, કેન્દ્રની કૅબિનેટે મંજૂરી આપી હોવા
છતાં કેરળનું કેરલમ્ થવામાં વાર લાગશે, કેમ કે રાજ્યનું નામ બદલવા માટેનો ખરડો રાષ્ટ્રપતિ
ભલામણ કરે એ પછી જ સંસદમાં તેને રજૂ કરી શકાય છે. ગૃહ ખાતું અને કાયદા મંત્રાલયે કેરળ
વિધાનસભાના પ્રસ્તાવનો અભ્યાસ કરી આ પગલાને લીલી ઝંડી આપી હતી.