પહેલી મેથી રાજ્યની તમામ રેસ્ટોરાં, કેટરર, હૉટેલ અને ફાસ્ટફૂડ ફેરિયાઓએ પોતે ખાદ્ય પદાર્થમાં કયા પનીર અને ચીઝનો ઉપયોગ કરે છે, એ બોર્ડ દ્વારા, બિલ પર અને મેનુમાં દર્શાવવાનું ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા ફરજિયાત કરાયું છે. એનાલૉગ ચીઝ અને પનીરનો ઉપયોગ રાજ્યમાં બેફામપણે થતો હોવાને કારણે આ પગલું લેવાયું છે. એટલું જ નહીં, એનાલૉગ ચીઝ અને પનીરના પરવાનાધારક ઉત્પાદકો અને વિતરકોએ પણ માલના પૅકેટ પર અંદર શું છે, એ સ્પષ્ટ લખવું પડશે. આમ તો એનાલૉગ પનીર છેલ્લા થોડા સમયથી બેફામ વેચાય છે, તે ઝેર ભલે નથી, પણ તે પનીર પણ નથી જ, કેમ કે તેમાં વેજિટેબલ ફેટ્સ, સ્ટાર્ચ અને ઈમલ્સિફાયર તથા અન્ય રસાયણો હોય છે. પનીર પૂર્ણપણે દૂધમાંથી બને છે. વળી, ગરમ કરવાથી પનીરના ગુણધર્મો બદલાતા નથી કે તે ઉકળી જતું નથી, પણ એનાલૉગ પનીરમાં તેલ હોવાથી તે ઉકળે છે. એફએસએસએઆઈનાં ધોરણો મુજબ આવું પનીર અને ચીઝ એનાલૉગ તરીકે વર્ગીકૃત છે. અસલી પનીરમાં પ્રોટીન, કૅલ્શિયમ, ચરબી તથા અન્ય પોષક તત્ત્વો હોય છે, જ્યારે ચીઝ એનાલૉગમાં દેખીતી રીતે જ તેલ અને અન્ય ઉચ્ચ પ્રમાણમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે. લોકો શું ખાઈ રહ્યા છે, એની તેમને ખબર હોવી જોઈએ, એવો આ નવા નિયમ પાછળ એફડીએનો આશય છે.
મુંબઈની વાત કરીએ તો બહારના ભોજનમાં એનાલૉગ પનીરનો
બેફામ ઉપયોગ થાય છે. વળી, આ પ્રકાર પનીર સસ્તું અને આસાનીથી ઉપલબ્ધ હોવાથી રસ્તા પરના
સ્ટોલ્સ, નાના ધંધાદારીઓ, કેટલાક કેટરર્સ અને ઘરમાં ભોજન બનાવી પહોંચાડનારાઓ તેનો છૂટથી
ઉપયોગ કરે છે. સાચા પનીર કરતાં આ વરાયટી ત્રીસથી પચાસ ટકા જેટલી સસ્તી હોવાથી પણ તેનું
ચલણ વધુ છે. આવામાં, એફડીએનું આ પગલું સ્તુત્ય છે, જેથી લોકો પોતે શું ખાઈ રહ્યા છે,
એ તો જાણી શકશે અને એવું ખાવાનું ટાળી પણ શકશે. જોકે, જરૂર છે આવા ખાદ્ય પદાર્થો પર
સંપૂર્ણ પ્રતિબંધની, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત બંધ થાય.