• શુક્રવાર, 22 મે, 2026

તૃણમૂલની પીછેહઠનું રાજકીય ગણિત

પશ્ચિમ બંગાળની ફાલટા બેઠક પર ફેરમતદાનના બે દિવસ પહેલાં તૃણમૂલ કૉંગ્રેસના સ્થાનિક ઉમેદવાર જહાંગીર ખાનની પીછેહઠ ઘણું બધું કહી જાય છે. ચૂંટણી પૂર્વે ચૂંટણી નિરીક્ષકની સિંઘમ તરીકેની ઈમેજ સામે દક્ષિણ ભારતીય ફિલ્મ પુષ્પાનો સંવાદ પુષ્પા ઝૂકેગા નહીં... કહેનાર સ્થાનિક બાહુબલિ જહાંગીર ખાન ફેરમતદાનના ગણતરીના કલાકો પહેલાં મેદાન છોડી ગયો છે. ખાસ તો તૃણમૂલના મુખ્ય સચિવ અને મમતા બેનરજીના ભત્રીજા અભિષેકના ગઢ ગણાતા દક્ષિણ 24 પરગણામાં આવું થવાને લીધે પક્ષને વિધાનસભા ચૂંટણીમાં પરાજય પછી વધુ એક ઝટકો છે. જોકે, એકાએક નરમ પડેલા તૃણમૂલના રૂખના કારણે અને આ પગલું ગણતરીપૂર્વકની રમત હોવાની ચર્ચા પણ ચાલી છે.

ફાલટા 2011થી ટીએમસીનો ગઢ છે અને 29મી એપ્રિલે મતદાનના દિવસે ભાજપે દાવો કર્યો હતો કે, અહીંનાં અનેક બૂથમાં ઈવીએમ મશીન પર ભાજપનાં ચિહ્નને ટેપથી ઢાંકી દેવાયો છે અથવા શાહીથી વિદ્રુપ કરી દેવાયો છે. આ આક્ષેપોને પગલે ચૂંટણી પંચે ફેરમતદાનનો આદેશ આપ્યો હતો. આથી, આ બેઠક પર 21મી મેએ યોજાનારા મતદાન પૂર્વે ટીએમસી પૂરેપૂરું જોર લગાડશે. જોકે, ટીએમસીએ આ બેઠકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવાને બદલે જહાંગીરને ઉમેદવારી પાછી ખેંચી લેવાની સલાહ આપી હોવી જોઈએ, કેમ કે ચૂંટણી પ્રચાર માટે ન તો મમતાદીદી અહીં આવ્યાં કે ન અભિષેક બેનરજી, જે આ ક્ષેત્રના સાંસદ છે. વળી, જહાંગીર અભિષેકની નિકટ ગણાય છે. એવી ચર્ચા છે કે, હાલની પરિસ્થિતિમાં જહાંગીરનું અહીં જીતવું શક્ય નથી, આથી તેને મેદાન છોડવા કહેવાયું. આથી જહાંગીર ખાને જાહેરાત કરી છે કે, મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ ફાલટા માટે વિશેષ પૅકેજની જાહેરાત કરી છે, આથી હું ફાલટાના હિતમાં ઉમેદવારી પાછી ખેંચું છું. ચૂંટણી પૂર્વે જહાંગીર અને 24 પરગણાના ચૂંટણી નિરીક્ષક એવા ઉત્તર પ્રદેશના આઈપીએસ અધિકારી અજય પાલ શર્મા વચ્ચે સંઘર્ષ થયો હતો. 2011 બૅચના તથા પ્રયાગરાજના વધારાના પોલીસ કમિશનર અજય પાલ શર્મા ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે વિખ્યાત છે. જહાંગીર ખાન બાહુબલિની ઈમેજ ધરાવે છે અને ચૂંટણી પહેલાં અજય શર્માએ ચેતવણી આપી હતી કે, ચૂંટણીમાં કોઈ ઘાલમેલ કરવાનો વિચાર પણ ન કરતાં. જેના પગલે જહાંગીરે ઝૂકેગા નહીં... એવી ટિપ્પણી કરી હતી. ચૂંટણી પછી જહાંગીર ખાનના નિકટના માણસોની ધરપકડ તથા એકંદરે પરિણામ પછી ટીએમસીના કાર્યકર્તાઓ તથા તેમની દાદાગીરી પર આવેલા અંકુશના કારણે પણ કદાચ જહાંગીરે ઉમેદવારી પાછી ખેંચી હોય. રાજકીય વ્યૂહરચના હોય તો પણ ટીએમસીએ ભરેલા પારોઠનાં પગલાં બંગાળના રાજકારણ માટે સારી નિશાની ગણી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક