• ગુરુવાર, 21 મે, 2026

રખડતાં શ્વાન પ્રશ્ને સર્વોચ્ચ અદાલત સખત

સર્વોચ્ચ અદાલતે મંગળવારે રખડતાં શ્વાન સંદર્ભે પોતાનું વલણ મક્કમ અને અફર રાખ્યું છે. ડૉગ લવર્સ કહેવાતા લોકોની તમામ અરજીઓ ફગાવીને અદાલતે પોતાની મરજી સર્વોપરી છે તેવું પ્રસ્થાપિત કર્યું છે. જીવદયાપ્રેમીઓ, શ્વાનપ્રેમીઓની લાગણી તેમના સ્થાને યોગ્ય હશે, પરંતુ સર્વોચ્ચ અદાલતની વાત આજે પણ એટલી જ વ્યવહારુ છે જેટલી 2025ના નવેમ્બર માસમાં લાગી હતી. શ્વાનપ્રેમીઓએ રખડતાં શ્વાનોને શેલ્ટર હાઉસ એટલે કે વિશેષ ગૃહમાં રાખવાનો વિરોધ કર્યો તો અદાલતે તેમની લાગણીને માન આપીને નિર્ણય બદલાવ્યો હતો અને એવું નક્કી થયું કે ખસીકરણ કરીને શ્વાનને તે સ્થળે જ છોડી દેવામાં આવે જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હોય. જોકે, અન્ય તમામ માગણી અદાલતે ગ્રાહ્ય રાખી નથી.

આ વિવાદ આમ તો ગત વર્ષથી ચાલે છે જ્યારે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, બગીચા, હૉસ્પિટલ, શાળા જેવાં સાર્વજનિક સ્થળોએ રઝળતાં-રખડતાં શ્વાન હોવા જોઈએ નહીં. રાજ્ય સરકારોને કોર્ટે આ સ્થિતિ સુધારવા તાકીદ કરી હતી. એક પણ સરકારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી નથી તેવું અદાલતે નોંધ્યું છે. રખડતાં શ્વાન અંગે સુપ્રીમ કોર્ટે એકાધિક વાર એવું કહ્યું છે કે બાળકો અને વડીલો રસ્તા ઉપર કે શેરીમાં ચાલ્યાં જતાં હોય ત્યારે શ્વાન તેમને કરડે છે. ગંભીર બીમારીઓ ફેલાવે છે. ટ્રાફિક સમસ્યા અને પર્યાવરણીય પ્રશ્નો પણ ઉદ્ભવે છે. રખડતાં શ્વાન અંગે 2025ના અૉગસ્ટ અને નવેમ્બરમાં સર્વોચ્ચ અદાલતે મહત્ત્વના ચુકાદા આપ્યા હતા.

આપણે ત્યાં બહુ મોટો વર્ગ છે જે માને છે કે રસ્તા, શેરી, શહેર ફક્ત માણસના નથી, તેના ઉપર પ્રાણીઓનો પણ અધિકાર છે. અબોલ જીવ જાય ક્યાં? પરંતુ આ શ્વાન કે ગાય જીવ છે તેમ માણસ પણ જીવ છે. ગાયની ઢીક કે શ્વાનના કરડવાથી માણસને ઈજા થાય તે તેમના મૃત્યુ સુધીની ઘટના બને છે. એક સર્વેક્ષણ મુજબ ભારતમાં દર ચૌદ સેકન્ડે એક વ્યક્તિને શ્વાન કરડે છે. 2024માં આખા દેશમાં 37 લાખ માણસોને શ્વાને બટકાં ભર્યાં હતાં. 2025ના પ્રથમ એક માસમાં આ સંખ્યા ચાર લાખને ઓળંગી ગઈ હતી. શ્વાન કરડવાના કિસ્સા સતત બનતા રહે છે. તેમાં પણ બાળકને તો તેઓ ફાડી ખાય છે.

સર્વોચ્ચ અદાલતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે જાહેર જગ્યાએ લોકોની સુરક્ષા જળવાય તે સરકારનું કર્તવ્ય છે. સ્વતંત્રતાપૂર્ણ જીવનના અધિકારમાં ભય વગર જીવવાની આ બાબતનો સમાવેશ કોર્ટની દૃષ્ટિએ થવો જોઈએ. જાહેર સ્થળે શ્વાન ભટકે નહીં તે માટે તેમને જ્યાં-ત્યાં ખોરાક પણ આપવો નહીં તેવું કહેવાયું છે અને તેમને દયામૃત્યુ આપી દેવા સુધીની વાત સર્વોચ્ચ અદાલતે કરી છે. શ્વાનપ્રેમીઓ, જીવદયાના સમર્થકોને આ નિર્ણય ન ગમે તે ખરું પરંતુ જો જીવ બચાવવા તે આપણી સંસ્કૃતિ છે તો નગર સંસ્કૃતિની પણ કેટલીક વ્યવસ્થા હોય. શ્વાન કે ગાય માટે દ્વેષ અથવા અમાનુષી વર્તનની કોઈ વાત નથી. પશુ-પ્રાણીને જીવવાનો અધિકાર છે જ પરંતુ શહેરી વ્યવસ્થામાં તે અડચણરૂપ ન થાય તે પણ જોવું જોઈએ તેવો સર્વોચ્ચ અદાલતનો દૃષ્ટિકોણ છે.   

ઇ-પેપરના નવા શુલ્ક