• શનિવાર, 02 માર્ચ, 2024

પૂર્વોત્તર ભારતમાં હિમવર્ષા : મધ્યપ્રદેશ, તામિલનાડુમાં અૉરેન્જ ઍલર્ટ

નવી દિલ્હી, તા. 30 : દેશના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડકનું પ્રમાણ વધ્યું?છે, જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે સવારથી જ બરફ પડવાના કારણે ગુલમર્ગમાં ન્યુનતમ તાપમાન માઇનસ એક ડિગ્રીએ પહોંચ્યું હતું, તો તામિલનાડુમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડતાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે મધ્યપ્રદેશના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, કેરલ અને તામિલનાડુ સહિત અનેક રાજ્યમાં વરસાદ અંગે ચેતવણી જાહેર કરાઇ છે. ચેન્નાઇ, તિરુવલ્લુર સહિત પાંચ જિલ્લામાં વરસાદના લીધે શાળાઓ બંધ કરાઇ છે, તો શહેરમાં એનડીઆર એફની ટીમોને પણ તૈનાત રખાઇ છે. મધ્યપ્રદેશમાં ભોપાલ, ઉજ્જૈન સહિત અનેક શહેરોમાં વરસાદ પડતાં ઇન્દોર એરપોર્ટ પર ધૂમ્મસ છવાતાં અનેક વિમાનોને અમદાવાદ ડાયવર્ટ કરાયા હતા. ગ્રેટર ચેન્નઇ કોર્પોરેશનના કમિશનર ડો. જે. રાધાકૃષ્ણને કહ્યું કે, તામિલનાડુની સ્થિતિ પર મુખ્યમંત્રીની નજર છે. ચેન્નઇમાં 15 આઇએએસ અધિકારી અને 16 હજાર કર્મીઓને પણ તૈનાત કરાયા છે. ચેન્નઇ આસપાસના જિલ્લાઓમાં બીજી અને ત્રીજી ડિસેમ્બરના ભારે વરસાદની સંભાવનાને લઇ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

ખાનગી હવામાન એજન્સી મુજબ, એક ડિસેમ્બરના તામિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ધીમી ધારે વરસાદ પડી શકે છે, તો જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદ ઉપરાંત હિમવર્ષા થવાની સંભાવનાને પણ વ્યક્ત કરાઇ હતી. તે સિવાય ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા દર્શાવાઇ હતી.

Budget 2024 LIVE
હેડલાઇન્સ