• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

આનાથી મુંબઈ શાંઘાઈ બની જશે?

આખરે દેશની સૌથી તવંગર પાલિકા પર ત્રણ વર્ષ 11 મહિનાના રાજ્ય સરકારે નિયુક્ત કરેલા વહીવટકર્તાના શાસનનો અંત આવ્યો અને બીએમસીના 78મા મેયર તરીકે ભાજપનાં રીતુ તાવડેએ કાર્યભાર સંભાળ્યો. આ સાથે જ બીએમસી પર શિવસેનાના પચીસ વર્ષના વર્ચસનો પણ અંત આવ્યો છે. નવા મેયરે શહેરના રસ્તાઓ પરથી બાંગ્લાદેશી ફેરિયાઓને હટાવવાને પોતાની પ્રાથમિકતા ગણાવવા સાથે પાણીના બિલમાં દર વર્ષે થતો નિયમિત આઠ ટકાનો વધારો અટકાવવા માટેનો પ્રસ્તાવ લાવવાનું વચન આપ્યું હતું. આ સાથે જ વિકસિત મુંબઈ, સુરક્ષિત મુંબઈના સૂત્ર સાથે તાવડેએ મૂળભૂત સુવિધાઓ તથા સ્વાસ્થ્ય સેવાઓને સુદૃઢ કરવાની વાત ઉચ્ચારી છે. અનેક નીતિગત પહેલો છતાં કેટલાંય વર્ષોથી પાલિકા અને ભ્રષ્ટાચાર એકમેકના પર્યાય બની ગયા છે, આ ઈમેજ તોડવાની તથા રસ્તા પરના ખાડા તથા ડમ્પિગ યાર્ડ જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવો એ સમયની જરૂરિયાત છે. મૂળભૂત સુવિધાઓમાં સુધારો થતો નથી અને મુંબઈને શાંઘાઈ બનાવવાનો ચાંદ હથેળીમાં દેખાડવામાં આવે છે. 

બીએમસી ચૂંટણીમાં 89 નગરસેવકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો છે અને શિવસેના તથા એનસીપીએ જેવા મિત્ર પક્ષો સાથે મહાયુતિનું સંખ્યાબળ 121 છે. આમ છતાં, શિવસેના (યુબીટી), કૉન્ગ્રેસ, મનસે, સપા, એઆઈએમઆઈએમ જેવા પક્ષોને કારણે વિરોધી પક્ષ મજબૂત તથા વાચાળ છે, આથી આવનારા દિવસોમાં ભાજપે અનેક વિરોધોનો સામનો કરવાનો આવશે. શિવસેનાના કાર્યકાળ દરમિયાન બીએમસીમાં વિકસેલા કટકી અને કમિશન કલ્ચરને ભાજપના નેતાઓએ મુદ્દો બનાવ્યો હતો, હવે ભાજપના હાથમાં મુંબઈની ધુરા છે ત્યારે વહીવટમાં ઝડપ, નિષ્પક્ષતા અને પારદર્શિતાની આશા મુંબઈગરાને છે. ભાજપને મેયરનું પદ મળ્યું છે, પણ આ હોદ્દો માત્ર શોભા પૂરતો નથી એ પોતાનાં કાર્યો દ્વારા દેખાડી આપવાની જવાબદારી રિતુ તાવડે પર રહેશે. કેન્દ્રમાં રાજ્યમાં અને હવે તો મુંબઈમાં પણ ભાજપ સત્તા સ્થાને હોવાથી ટ્રિપલ ઍન્જિન પાસેથી મુંબઈગરાની અપેક્ષાઓ દેખીતી રીતે જ વધુ હશે. આવામાં, બાંગ્લાદેશી ફેરિયાઓને હટાવવાની પ્રાથમિકતા આવકારદાયક હોવા છતાં પૂરતી નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાલિકા ચૂંટણીઓમાં મળેલા વિજય બાદ પક્ષના કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું કે, આપણી જવાબદારી હવે વધી છે અને પાલિકાના ભ્રષ્ટાચાર મુકત વહીવટની તકેદારી આપણે રાખવાની છે. મુંબઈ શાંઘાઈ ન બને તો કંઈ નહીં જીવવાલાયક બને, મુંબઈગરાને બસ એટલું જ જોઈએ છે.