31મી માર્ચે નાણાકીય વર્ષનો અંત આવે છે, પણ આ દિવસથી બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)માં મહિલારાજનો આરંભ થયો છે. 1995 બૅચનાં કાબેલ અને વહીવટી તંત્ર પર સારી પકડ ધરાવતાં તથા મેટ્રો વુમન તરીકે જાણીતાં આઇએએસ અધિકારી અશ્વિની ભિડેએ બીએમસી કમિશનરનો હોદ્દો સંભાળવા સાથે તેઓ બીએમસીનાં 160 વર્ષના ઇતિહાસમાં આ પદ પર આવેલાં પ્રથમ મહિલા બન્યાં છે. યોગાનુયોગ એવો છે કે, હાલ બીએમસીના મોટા ભાગનાં મહત્ત્વનાં પદો પર મહિલાઓ છે. મેયર ભાજપનાં નગરસેવિકા રિતુ તાવડે, વિરોધ પક્ષનાં નેતા તરીકે શિવસેના (યુબીટી)નાં કિશોરી પેડણેકર છે, તો ઈપ્રુવમેન્ટ કમિટી અને શિક્ષણ સમિતિનાં વડા તરીકે અનુક્રમે સંધ્યા દોશી અને જયશ્રી શિરવાડકર છે. વળી, મ્યુનિસિપલ સેક્રેટરીની પૉસ્ટ પર પણ મંજિરી દેશપાંડે નામનાં મહિલા જ છે. મુંબઈગરા માટે તો ટ્રિપલ એન્જિન સરકાર છે, કેમ કે કેન્દ્ર, રાજ્ય અને શહેરમાં ભાજપનું રાજ છે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન પદે પહેલવહેલાં મહિલા એનસીપીનાં સુનેત્રા પવાર છે. મુંબઈની મૂળભૂત સુવિધાઓના વિકાસમાં અશ્વિની ભિડેના યોગદાનની યાદી લાંબી છે અને અટકી પડેલાં કામને વેગ અપાવવામાં તેમની હથોટી સાથે રાજકીય તથા વહીવટી તંત્ર સંબંધી પડકારોમાંથી માર્ગ કાઢવાની તેમની કુનેહ જાણીતી છે. આથી, કમિશનર પદે તેમના આવવાથી મુંબઈગરાની અપેક્ષાઓ વધવાનું સહજ છે.
મુખ્ય પ્રધાન
દેવેન્દ્ર ફડણવીસની નિકટ ગણાતાં અશ્વિની ભિડે તેમના નો-નૉનસેન્સ અભિગમ માટે જાણીતાં
છે, દેખીતી રીતે જ પાલિકાના કમિશનર જેવા પદ માટે વરિષ્ઠ આઇએએસ અધિકારીઓ વચ્ચે સ્પર્ધા
હોવાની. ચર્ચા છે કે, આ પદ માટે અસીમ ગુપ્તા, સંજય મુખરજી, માલિંદ મ્હૈસકર અને વી.
રાધા જેવાં નામ ચર્ચામાં હતાં, પણ કામ કરવાની રીત અને અનુભવના આધારે ભિડેની પસંદગી
થઈ છે. સ્થાપના વખતે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (એમએમઆરસી) પાસે જમીન જ નહોતી અને
મેટ્રો-3નો આખો પ્રોજેક્ટ અંડર-ગ્રાઉન્ડ હોવાથી તેમાં વિવિધ મોરચે પડકારો આવ્યા હતા.
વળી, મેટ્રાના કામ માટે એકથી વધુ સરકારી (કેન્દ્ર અને રાજ્યની) એજન્સીઓ-ખાતાં વચ્ચે
સમન્વય સાધવાનો પડકાર હતો, આના ઉપાય તરીકે ભિડેએ નિયમ-આધારિત નહીં પણ સમસ્યાના ઉકેલ
પર ભાર આપતી કામગીરી હાથ ધરી અને પરિણામ આપણી સામે છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ
અૉથોરિટીમાં (એમએમઆરડીએ) તેમની નિમણૂક પહેલાંની અનિશ્ચિતતા અને પછી પ્રોજેક્ટ્સમાં
આવેલી ઝડપમાં તેમની કુનેહનાં દર્શન થયાં હતાં. તો, આજે શક્ય બનેલા કૉસ્ટલ રોડનો વિચાર
ભલે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણનો હતો, પણ તે સાકાર થયો એમાં અશ્વિની ભિડેનું યોગદાન
સૌથી વધુ છે. આવાં સક્ષમ વહીવટી અધિકારી પાલિકાનાં કમિશનર પદે આવ્યાં છે અને ભૂતકાળમાં
તેમણે પાલિકાના સહાયક કમિશનર તરીકે ફરજ બજાવી હોવાથી તેઓ બીએમસીના કારભારથી પણ પરિચિત
છે, એ જોતાં મુંબઈગરા આશા રાખી શકે કે મુંબઈના રસ્તા, ફૂટપાથ, પાણીપુરવઠો, અતિક્રમણ
તથા ઝૂંપડપટ્ટી અને સ્વચ્છતા જેવી સમસ્યાઓ ઉકેલાશે. રાજકારણને કોરાણે રાખી અથવા તેના
દબાણ હેઠળ આવ્યા વિના કામ કરવા પંકાયેલાં અશ્વિની ભિડેને નવી ઈનિંગ્સ માટે શુભેચ્છા
અને સ્ત્રીશક્તિનું ગઢ બની ગયેલું બીએમસી સામાન્ય મુંબઈગરાનું જીવન સુલભ બનાવશે એવી
અપેક્ષા.