પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના કાલિયાચકમાં ચૂંટણી નિરીક્ષક-ન્યાયિક અધિકારીઓને જે રીતે નવ કલાક સુધી બંધક બનાવીને રાખવાની ઘટના પર સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કાઢેલી ઝાટકણી દેખાડે છે કે, કઈ રીતે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી કાયદો અને વ્યવસ્થા તથા બંધારણીય સંસ્થાઓ માટે આકરી કસોટીનો વિષય બની રહી છે. હિંસા અને બંગાળની ચૂંટણીઓનો સાથ બહુ જૂનો છે, પણ જે રીતે છેલ્લા થોડા સમયથી અહીં ઘટનાઓ બની રહી છે, એ જોતાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે લોકતાંત્રિક પ્રક્રિયા માટે જરાય સારી નથી. આગામી 23 અને 29મી એપ્રિલે મતદાન થવાનું છે, એ પહેલાં પરિસ્થિતિ કેટલી વણસશે એ કહેવું મુશ્કેલ છે. સાત ન્યાયિક અધિકારીઓને નવ કલાક ઘેરાવ કરવાના આ મામલાના સૂત્રધાર એવા વ્યવસાયે વકીલ અને અસદુદ્દીન ઓવૈસીના રાજકીય પક્ષ એઆઇએમઆઇએમના નેતા મોફાક્કેરૂલ ઇસ્લામની ધરપકડ કરી છે. મમતાદીદીએ આ બાબતને લઈને પણ રાજકારણ શરૂ કરી દીધું છે. તેમનું કહેવું છે કે, એઆઇએમઆઇએમના નેતા આ ઘટના પાછળ જવાબદાર છે, પણ તેમને ઉશ્કેરવાનું કામ કૉંગ્રેસ અને ભાજપે કર્યું છે. એક ચૂંટણી સભાને સંબોધતાં મમતા બેનરજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે, ઓવૈસીના પક્ષ પાસેથી ભાજપે ઇસ્લામને ઉછીનો લીધો છે અને આ બખેડો ઊભો કર્યો છે. ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)ને લઈને મતદારોમાં ગંભીર અસંતોષ છે અને મમતાદીદી તથા તેમના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસે સૌથી વધુ ગભરાટ ફેલાવવાનું અને આ પ્રક્રિયા વિશે દુપ્રચાર કરવાનું કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટે કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા માટે પશ્ચિમ બંગાળ સરકારને લપડાક લગાડતાં કહ્યું હતું કે, તમને લાગે કે, અમે નથી જાણતા આની પાછળ કોણ છે?
પશ્ચિમ બંગાળમાં બહુ લાંબા સમયથી વાતાવરણ તંગ છે અને
આ તંગદિલી ઘટાડવા માટે રાજ્ય સરકારે કોઈ પ્રયાસો નથી કર્યા, ઊલટાનું ચોક્કસ વર્ગને
ભડકાવવામાં સત્તાધારી પક્ષની ભૂમિકા આગળ પડતી રહી છે. બંગાળમાં એસઆઇઆર પહેલાં 7.6 કરોડ
મતદારો હતા, જેમાંથી દસેક ટકા નામ દૂર કરાયાં હતાં. અંતિમ યાદી મુજબ 60 લાખ જેટલાં
નામ તાર્કિક વિસંગતિઓ રૂપે તારવવામાં આવ્યાં છે, જેમાંથી 47 લાખનો નિકાલ આવી ગયો છે
અને રિજેક્શનનું પ્રમાણ મોટું હોવાથી, લોકોમાં અવિશ્વાસ હતો. આથી, એસઆઇઆર પ્રક્રિયામાં
ન્યાયિક અધિકારીઓને જોડવામાં આવ્યા. આવી પરિસ્થિતિમાં રાજકીય પક્ષોએ પક્ષાપક્ષીનું
રાજકારણ કોરાણે રાખી મતદારોમાં વિશ્વાસ જાગે એવો અભિગમ લઈ સંવેદનશીલતા દાખવવાને બદલે
આખા સંભ્રમ નિર્માણ કરવાના કરેલા પ્રયાસને સુપ્રીમ કોર્ટે બરાબરની લપડાક લગાડી છે.
ચૂંટણી પ્રક્રિયા પર જનતાને શંકા રહેશે, તો એમાં નુકસાન બધાનું છે.