• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

વિશ્વ વિજેતા કપ્તાન બનવા રોહિત શર્મા ઉત્સુક

કપિલ જેવું મિશન, ગાંગુલી જેવા તેવર અને ધોની જેવી રણનીતિ 

નવી દિલ્હી, તા.17 : વિશ્વ કપમાં પોતાની બેખોફ અને નિ:સ્વાર્થ બેટિંગથી હરીફ ટીમના બોલરો પર દબાણ બનાવીને ટીમને શાનદાર શરૂઆત અપાવનાર ભારતીય કપ્તાન રોહિત શર્મા હવે વિશ્વ કપ ટ્રોફી ચૂમવાથી ફકત એક જીત દૂર છે. 

આ સાથે જ તે કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોની બાદ વિશ્વ કપ ટ્રોફી જીતનારો ત્રીજો ભારતીય કેપ્ટન બની જશે. વર્તમાન વિશ્વ કપમાં રોહિત ઓછામાં ઓછો પાંચ વખત સદી પૂરી કરી શકયો નથી પરંતુ પોતાની આક્રમક અને સાહસિક બેટિંગથી દેશના કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે. દરેક મેચમાં કપ્તાન રોહિતે વ્યકિગત હિત બાજુમાં રાખીને જોખમ ઉઠાવીને વિસ્ફોટક બેટિંગ કરી છે.

રોહિત શર્માની કપ્તાનીમાં સૌરવ ગાંગુલી જેવો તેવર નજરે પડે છે. તેની રણનીતિ મહેન્દ્રસિંહ ધોની જેવી સ્પષ્ટ છે. જયારે તેનું મિશન કપિલ દેવ જેવું વિશ્વ વિજેતા બનવાનું છે. આથી જ તો તે સારી રીતે જાણે છે કે ભારતમાં આપને એક ખરાબ મેચ હિરોમાંથી વિલન બનાવી દ્યે છે. કપ્તાન શર્મા કરોડો દેશવાસીઓને વિશ્વ કપ ટ્રોફી ભેટમાં આપવા બેતાબ છે.

 ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર નાસિર હુસેને રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો અસલી હિરો ગણાવ્યો છે.

રોહિત શર્મા 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર ફાઈનલના દિવસે 36 વર્ષ અને 203 દિવસનો હશે. આ તેનો આખરી વન ડે વિશ્વ કપ માનવામાં આવે છે. કારણ કે હવે પછીનો વિશ્વ કપ 2027માં રમાશે અને ત્યારે તેની વય 40 ઉપરની હશે. રોહિતની 16 વર્ષની ઉતાર-ચઢાવભરી કેરિયરમાં 19 નવેમ્બરનો દિવસ માઇલસ્ટોન બની રહેશે. 

રોહિત શર્મા ધોનીની આગેવાનીમાં 2007ની ટી-20 વિશ્વ વિજેતા ટીમનો સદસ્ય હતો, પણ 2011ની વિશ્વ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો તે ન હતો. હવે તેની પાસે 2023નો વિશ્વ કપ જીતવાનો શાનદાર મોકો છે  કારણ કે તેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વર્તમાન વિશ્વ કપમાં સળંગ 10 જીત સાથે ફાઇનલમાં પ્રવેશી છે અને હવે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં હાર આપવા તૈયાર છે.