• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

બજેટ બનાવનારાઓએ ધરતી પર આવવું જોઈએ : વિજય લોહિયા  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 24  : ભારત મર્ચન્ટ્સ ચૅમ્બરના અધ્યક્ષ વિજય લોહિયાએ જણાવ્યું હતું કે તૈયાર કરનારાઓએ પોતાની જૂની ઘરેડમાંથી બહાર નીકળીને વાસ્તવિકતાની જમીન પર આવવું પડશે અને એ જ રીતે બજેટ બનાવવું પડશે. દર વર્ષે મધ્યમ વર્ગ આવકવેરાની સીમા વધારવાની માગણી કરે છે પરંતુ એમાં વધારો કરાતો નથી. સરકારે આવકવેરાની છૂટની સીમા વધારીને મોંઘવારીના દર સાથે જોડી દેવી જોઈએ, જેટલો મોંઘવારીનો દર હોય એટલી છૂટ આપવી જોઈએ. એ જ રીતે 80-ડીમાં મળનારી મેડિક્લેમ છૂટ માટે દેશની તમામ હૉસ્પિટલમાં સારવારના દરમાં વધારો થાય ત્યારે છૂટમાં પણ વધારો આપવો જોઈએ. સરકાર જે રીતે દવાઓના ભાવ નક્કી કરવામાં હસ્તક્ષેપ કરે છે એ જ રીતે ખાનગી હૉસ્પિટલમાં બૅડના દર અને સારવારની મહત્તમ સીમા નક્કી કરી શકે છે. એ માટે મૅડિક્લેમ કંપનીઓની  મદદ લઈ શકાય. એમણે પણ તમામ નાની-મોટી હૉસ્પિટલો સાથે એગ્રીમેન્ટ કરી જ રાખ્યાં છે. મોટા મોટા નેતાઓ, અધિકારીઓ અને ધનવાનોએ ખેડૂત હોવાનું સર્ટિફિકેટ લઈ રાખ્યું છે. આપણે જોયું છે કે ઘણા નેતાઓએ પોતાના ઘરની બાલ્કનીમાં પાક ઉગાડીને આવકવેરામાં છૂટનો લાભ ઉઠાવ્યો છે. ખેડૂતોની આડશમાં ભ્રષ્ટ લોકો મોટી આવક ટૅક્સ ફ્રી કરવાનો ફાયદો ઉઠાવે છે. આથી હવે ખેતી ક્ષેત્રે એક સીમા કરતાં વધુની આવકને ટૅક્સ બ્રેકેટમાં લાવવાનો સમય આવી ગયો છે. એથી નાના ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. ખોટા લોકો વ્યવસ્થાનો લાભ ન ઉઠાવે એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. નાણાવિભાગે આવી ફાઈલો પર નજર રાખીને તમામ વિગતો દેશ સામે રજૂ કરવી જોઈએ. સરકાર કોઈપણ રીતે ખોટો લાભ લેનારા લોકો પર લગામ કસશે તો ટૅક્સ કલેક્શનમાં વધારો થશે અને સરકાર મધ્યમ વર્ગને એ રીતે વધુ રાહત આપી શકશે. આજની સરકાર જે રીતે ગરીબ વર્ગનું ધ્યાન રાખી રહી છે એ રીતે એણે મધ્યમ વર્ગનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દેશના નાગરિકોના બચત પ્રત્યેના વલણને કારણે કોરોના મહામારી છતાં કોઈ આર્થિક સંકટ આવ્યું નહીં. સરકારે એ પરથી પાઠ ભણીને નાગરિકોને બચત પ્રત્યે પ્રોત્સાહિત કરવાનું બહુ જરૂરી છે.