• ગુરુવાર, 18 જુલાઈ, 2024

બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં : સ્ટાર્મરનો રાહ આસાન નથી

બ્રિટનમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું છે. રૂઢિચુસ્ત પક્ષ-કન્ઝર્વેટિવ પાર્ટીએ લાંબી મુદ્દત સત્તા ભોગવ્યા બાદ દેશની જનતાએ તેની નીતિ-રીતિ નામંજૂર કરીને લેબર પાર્ટીને જંગી બહુમતી સાથે વિજયી બનાવી છે. કૈર સ્ટાર્મર ઋષિ સુનકના સ્થાને વડા પ્રધાન બન્યા છે. આ સત્તા પરિવર્તનને બ્રિટિશ જનતા અને રાજકીય વિશ્લેષકો યુગ પરિવર્તન તરીકે જોઇ રહ્યા છે. 2022માં બ્રિટનમાં અસ્થિર રાજનીતિના દોર વચ્ચે ભારતીય મૂળના ઋષિ સુનકે વડા પ્રધાનપદ ધારણ કર્યું હતું. કન્ઝર્વેટિવ સંસદીય પક્ષમાં તેમણે હરીફ પેનીને હાર આપીને ઇતિહાસ રચ્યો હતો. સુનક એવા સમયે વડા પ્રધાન બન્યા હતા, જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા નાજૂક દોરમાંથી પસાર થઇ રહી હતી. મોંઘવારી આસમાનને આંબી રહી હતી. આ સ્થિતિને કારણે જ તેમના પુરોગામી લિઝ ટ્રસે માત્ર 40 દિવસમાં જ સત્તા છોડી દીધી હતી.

એ પહેલાં બોરિસ જોનસન વડા પ્રધાનપદે હતા. કોવિડકાળમાં પાર્ટીગેટ કૌભાંડને પગલે બોરિસે પદત્યાગ કરવો પડયો હતો. સુનકે કઠિન સમયમાં સત્તા હસ્તગત કરી, તેમણે નિષ્ઠાપૂર્વક અર્થતંત્રની ગાડી પાટે ચડાવી, મોંઘવારી પર નિયંત્રણ મૂકવામાં સફળતા મેળવી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હતું. કન્ઝર્વેટિવ કે ટોની સરકાર પર લાગેલા ભ્રષ્ટાચાર-ગેરરીતિના આક્ષેપો જનતાનાં મન પર અસર કરી ચૂક્યા હતા. વળી, બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાની સમસ્યા અને પ્રવાસી સમસ્યા સુનક સરકાર યોગ્ય રીતે સુલઝાવી ન શકી. સાથોસાથ 14 વર્ષ જૂના શાસનવિરોધી પરિબળોનો પણ સામનો કરવો પડયો. એક વાત એવી પણ છે કે, હિન્દુત્વ પ્રતિ સુનકના સ્પષ્ટ ઝુકાવને લીધે પણ તેમને થોડું નુકસાન થયું હોઇ શકે.

સરવાળે કન્ઝર્વેટિવ પક્ષને 200 વર્ષની કારમી શિકસ્ત ખાવી પડી. લેબર પાર્ટીનું ક્લેવર બદલવાનું બીડું ઝડપનાર કૈર સ્ટોર્મરને પ્રચંડ જનાદેશનો અર્થ સ્પષ્ટ છે કે, બ્રિટિશ જનતા કન્ઝર્વેટિવ પાર્ટીના શાસનથી નારાજ થઇ ચૂકી હતી અને હવે બદલાવ ઇચ્છે છે. સુશાસન, પરિણામલક્ષી કામગીરીની નવી સરકાર પાસે અપેક્ષા છે. સ્ટાર્મર લેબર પાર્ટીના મધ્યમમાર્ગી નેતા છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમણે પોતાના નેતૃત્વના મૂળ સિદ્ધાંતોના રૂપમાં સ્થિરતા, વ્યવહારિકતા અને ગઠબંધનોના પુનર્નિર્માણ પર ભાર મૂક્યો હતો. વિદેશ સંબંધો પ્રત્યેના તેમના વ્યવહારુ દૃષ્ટિકોણને જોતાં તેઓ ભારત સાથે વધુ સ્થિર અને રચનાત્મક સંબંધો પર ભાર મૂકે એવી શક્યતા છે.