સંસદનું શીતકાલીન - શિયાળુ સત્ર ધાંધલ ધમાલથી જ શરૂ થવાની ધારણા હતી તે સાચી પડી છે પણ વિપક્ષો સંસદીય કાર્યવાહીમાં સહકાર આપીને સત્રને સફળ બનાવે તેવી અપેક્ષા - આશા રાખવી રહી. કૉંગ્રેસના `ઇન્ડિ' મોરચાના સભ્યોએ રાહુલ ગાંધીનો વોટ ચોરીનો મુદ્દો મતદાર યાદીના વિવાદમાં જોડી દીધો છે પણ તૃણમૂલ કૉંગ્રેસે મુખ્ય મુદ્દો બૂથ અૉફિસરો ઉપર કામના દબાણ અને આત્મહત્યાનો બનાવ્યો છે.
સંસદમાં આ વિવાદ ચાલે છે ત્યારે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને સુપ્રત કરેલા સોગંદનામામાં
સ્પષ્ટ જણાવાયું છે કે મતદાતાઓની યાદીની ઘનિષ્ઠ ચકાસણી બાબત વ્યક્ત થતી શંકાઓ પાયાવિનાની
છે અને નિર્મૂળ છે. પંચે જણાવ્યું છે કે બિહારમાં મતદાર યાદીની ચકાસણીને મળેલી સફળતાથી
આ પ્રક્રિયાનો વિરોધીઓને જવાબ મળી ગયો છે. આવી ફેરતપાસ માટે પૂરતો સમય અપાયો નથી અને
ઉતાવળે થઈ રહી છે એવી ટીકા પણ અસ્થાને, ભૂલભરેલી હોવાનું સાબિત થયું છે.
તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની ફેરતપાસને પડકારતી અરજીના જવાબમાં
ચૂંટણી પંચે આ સોગંદનામું પેશ કરીને તમામ આશંકાઓ અને આક્ષેપોને રદિયો આપ્યો છે. બિહારમાં
અશિક્ષિત લોકો મોટી સંખ્યામાં હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો. ઘણા જિલ્લાઓમાં પૂર આવ્યાં
હોવાથી મતદાર યાદી તપાસવામાં ઘણાં મતદારોનાં નામ નીકળી જશે - એવી શંકા પણ નિર્મૂળ
- સાબિત થઈ છે.
પંચે કહ્યું છે કે અરજદારોએ જાણીબૂઝીને ખોટા આંકડા આપ્યા છે અને ગેરમાર્ગે દોરવાનો
પ્રયાસ કર્યો છે. હકીકતમાં પ્રથમ વખત મતદાર બનતા યુવા વર્ગનો સમાવેશ 7.42 કરોડ મતદારોમાં
થયો છે. આ પહેલાંની યાદીમાં મૃત જાહેર થયા હોય અથવા સ્થળાંતર કર્યું હોય એવા મતદારોનાં
નામ ઉમેરવામાં આવ્યાં છે અને મુખ્ય વાત તો એ છે કે યાદી જાહેર થયા પછી કોઈ વ્યક્તિએ
ગરબડની ફરિયાદ કરી નથી. આથી ફેરતપાસ વાજબી, નિષ્પક્ષ હોવાનું પુરવાર થાય છે.
પંચે એમ પણ જણાવ્યું છે કે મતાધિકાર ચકાસવા માટે નાગરિકત્વ પણ તપાસવાની સત્તા પંચને છે. વિદેશીઓ તથા ગેરકાયદે વસાહતીઓની માહિતી આપવાની ફરજ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન અૉફિસરની હોય છે. પશ્ચિમ બંગાળનાં સંસદસભ્ય ડોલા સેનની અરજીમાં જણાવાયું હતું કે રાજ્યમાં મતદારોની યાદીમાં 45 ટકા એવાં નામ છે જેઓ 2002ની યાદીમાં ન હતાં. આ ખોટા આંકડા જાણીબૂઝીને અપાયા હોવાનું પંચે જણાવ્યું છે. આવી જ રીતે મુસ્લિમોને ધર્મના આધારે યાદીમાં રખાયા નહીં હોવાના આક્ષેપને પણ રદિયો અપાયો છે.
પંચના આ સોગંદનામાને આધારે સંસદમાં સરકાર વિપક્ષના આક્ષેપોનો જવાબ આપશે, સરકાર
આ વિષયની ચર્ચા માટે તૈયાર છે પણ વિપક્ષ શરત મૂકી શકે નહીં કે અત્યારે જ ચર્ચા શરૂ
કરો. સંસદની કાર્યવાહીનું સમયપત્રક વિપક્ષી નેતાઓ સાથે મળીને તૈયાર થાય છે. વંદે માતરમનાં
150 વર્ષ ઊજવવાનું નક્કી થયું છે તેમાં અવરોધ - વિઘ્ન નાખવાનો વિપક્ષી મોરચાનો પ્રયાસ
છે અને સરકાર આ બાબત નમતું જોખવા તૈયાર નથી.