ભારતમાં આર્થિક વિકાસની સાથે બૅન્કિંગ ક્ષેત્રમાં પણ સતત વિકાસ થઈ રહ્યો છે. આર્થિક વહેવારો માટે ચાવીરૂપ બૅન્કો છેતરપિંડી અને ગોટાળાની સામે વામણી સાબિત થઈ રહી હોવાના કિસ્સા સતત સામે આવતા રહ્યા છે. હવે ચંડીગઢની એક બૅન્કની શાખામાં 590 કરોડ રૂપિયાનો ગોટાળો દેશની બૅન્કિંગ વ્યવસ્થા સામે ફરી એક વખત જવાબદારી અને દેખરેખના અભાવની નબળાઈ સામે આણી છે. ભારતના અર્થતંત્રને ભૂતકાળમાં જે આર્થિક કૌભાંડોએ ધ્રુજાવ્યું છે, તેમાં બૅન્કિંગ ક્ષેત્રની ઊણપ પાયામાં હોવાનું સામે આવી ચૂક્યું છે, પણ ભૂતકાળના આવા કડવા અને ચિંતાજનક અનુભવમાંથી બોધપાઠ લેવાયો ન હોવાની હકીકત આ તાજા ગોટાળાએ સામે આણી છે.
બન્યું એવું છે કે, આઇડીએફસી ફર્સ્ટ બૅન્કની ચંડીગઢ
શાખામાં અમુક કર્મચારીઓને હરિયાણા સરકારની સાથે જોડાયેલા ખાતામાં મંજૂરી વગર લેવડ-દેવડ
કરી, જેમાં 590 કરોડની હેરફેર થઈ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ફેબ્રુઆરી, 2026માં હરિયાણા સરકારની સંસ્થાઓને તેમના
આઇડીએફસી બૅન્કના ખાતામાં જમા-ઉધારની રકમનો મેળ પડતો ન હોવાની જાણ થતાં આ ગોટાળો સામે
આવ્યો હતો. હવે હાલત એ છે કે, આઇડીએફસી બૅન્કના શૅરના ભાવોમાં 20 ટકા જેટલો કડાકો બોલી
ગયો છે. મૂડીબજારમાં 14,438 કરોડ ધોવાઈ ગયા તે બતાવે છે કે, રોકાણકારોનો વિશ્વાસ આ
ગોટાળાને લીધે ડગમગી ગયો છે.
પ્રથમ નજરે આ ગોટાળો એક બૅન્કની એક શાખા પૂરતો મર્યાદિત
હોવાનો બચાવ કરાઈ રહ્યો છે, પણ વાસ્તવિક્તા એ છે કે, દેશના બૅન્કિંગ ક્ષેત્ર સામે સવાલ
ઊભા થઈ રહ્યા છે. આ બનાવે બતાવી આપ્યું છે કે, બૅન્કોમાં નિયમન માટેનાં કડક ધોરણો રાખવાથી
ગોટાળા અટકી જતા નથી. આ માટે તો સતત દેખરેખ અને નિયમોના કડક પાલનની અનિવાર્યતા સામે
આવી છે. રાજ્ય સરકારને સ્પર્શતા આ ગોટાળામાં
હરિયાણાના મુખ્ય પ્રધાને તમામ રકમ બૅન્ક પાસેથી વ્યાજ સહિત પરત લેવાની જાહેરાત કરીને
તેની વિવિધ સ્તરે તપાસના આદેશ પણ આપ્યા છે. તેમની આ જાહેરાત આવકારદાયક છે, પણ સવાલ
એ છે કે, બૅન્કિંગ ક્ષેત્ર આ ગોટાળાના પુનરાવર્તનને રોકવા માટે હવે શું કરશે? ખરેખર
તો બૅન્કોમાં આંતરિક દેખરેખ વ્યવસ્થાને વધુ ને વધુ એઆઈ સહિતની ટેક્નૉલૉજી આધારિત કરવાની
તાતી જરૂરત છે.