• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ભાષાનું ભૂર અને ફરજિયાતપણાનો સૂર

પહેલી મેથી મહારાષ્ટ્રના તમામ પરવાનાધારક રિક્ષા અને ટૅક્સી ચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જે રિક્ષા-ટૅક્સી ચાલકો મરાઠી બોલતા, લખતા કે વાંચતા નહીં આવડતું હોય તેનું લાઇસન્સ ખેંચી લેવાશે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યભરમાં આ નિયમ લાગુ કરવા માટે મોટા પાયે ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે રાજ્યમાં વ્યક્તિ રહેતી હોય ત્યાંની ભાષા તેને આવડવી જોઈએ અને એ વિશે આગ્રહ રાખવામાં આવે એમાં કશું જ અયોગ્ય નથી, પણ ભાષા મુદ્દે રાજકારણ અને દુરાગ્રહ ઘર્ષણનું કારણ બનતા હોવાના કિસ્સા અવારનવાર બનતા રહે છે. 

ભારતીય રાજ્યોની રચના જ ભાષાના આધારે થઈ હોવાથી, દરેક રાજ્યને પોતાની ઓળખ સમી ભાષા માટે પ્રેમ-લાગણી-ખેંચાણ છે, પણ લગભગ બધાં જ રાજ્યોના રાજકારણીઓ આ મુદ્દાને અસ્મિતા સાથે જોડી લોકલાગણીને પંપાળવા કે ઉશ્કેરવા માટે ઉપયોગ કરે છે. દરેક રાજ્યમાં રસ્તા પરના સાઈન બોર્ડથી લઈને સરકારી દસ્તાવેજો-પ્રક્રિયામાં રાજ્યભાષાનો ઉપયોગ કરાય છે, પણ મહારાષ્ટ્રએ આનાથી એક ડગલું આગળ વધી રિક્ષા અને ટૅક્સી ચાલકો માટે મરાઠી ભાષા બોલવા, વાંચવા અને લખવાનું ફરજિયાત કર્યું છે. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું કહેવું છે કે, આ જોગવાઈ નવી નથી. મહારાષ્ટ્ર મોટર વેહિકલ રૂલ્સ, 1989ના નિયમ 24 મુજબ ડ્રાઈવરને લાઇસન્સ અને પબ્લિક સર્વિસ વાહનો ચલાવવાનો બિલ્લો મળે એ પહેલાં તેને મરાઠીનું તથા સ્થાનિક રૂટ્સનું કામકાજી જ્ઞાન હોવું જરૂરી છે. આ નવો નિયમ નથી, પહેલેથી જ જે નિયમ છે, તેના અમલીકરણને સુદૃઢ બનાવવા માટે અત્યારની કવાયત હાથ ધરાઈ રહી છે. યાદ રહે, 2017માં બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારનો આવો જ એક આદેશ રદ કર્યો હતો, જેમાં રિક્ષાની પરમિટ મેળવવા માટે મરાઠી બોલવાનું ફરજિયાત કરાયું હતું. એ વખતે અદાલતે ધ્યાન દોર્યું હતું કે, આ નિયમ પબ્લિક સર્વિસ વાહનોને લાગુ પડે છે અને રિક્ષા મોટર કૅબ શ્રેણીમાં આવે છે, આથી આ નિયમના દાયરામાં તે આવતી નથી. 

સૌથી મોટો ભય એ છે કે, આ નિયમની ઓથમાં મરાઠી અસ્મિતાના નામે કેટલાક ક્ષેત્રીય પક્ષો પરપ્રાંતીય લોકોની કનડગત નવેસરથી શરૂ કરશે. ભૂતકાળમાં શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બહારથી આવેલા પરીક્ષાર્થીઓ તથા લોકોની મરાઠી નહીં બોલવા બદલ મારઝૂડ કરી હોવાના કિસ્સા છે. પરિવહન ખાતું ઇચ્છતું હોય કે રિક્ષા-ટૅક્સી ચાલકો મરાઠી બોલે, લખે અને વાંચે તો આરટીઓએ શિક્ષણ-પ્રશિક્ષણ અભિયાનો ચલાવવા જોઈએ. માત્ર સખતાઈ કરવાથી તો નફરત ફેલાશે અને ભાષા લોકોને જોડવાનું કામ કરવાને બદલે એકમેકથી દૂર લઈ જવામાં નિમિત્ત બનશે.