• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

વિઝા માટે વફાદારીના શપથ લેવા પડશે?

હોર્મુઝ ખાડીની નાકાબંધી ઉઠાવી લેવાની જાહેરાત ટ્રમ્પે કરી છે અને સ્પષ્ટતા પણ કરી છે કે ચીન અને સમગ્ર વિશ્વ હવે ખાડીનો ઉપયોગ કરી શકશે. ચીને હવે ઈરાનને શત્રો નહીં આપવાની ખાતરી આપી હોવાનું પણ ટ્રમ્પ કહે છે. અલબત્ત, આ વિષયમાં ચીનના પ્રત્યાઘાત વધુ ભરોસાપાત્ર હશે. કારણ કે ચીનના ઉપગ્રહ મારફત મળેલી માહિતીના આધારે ઈરાને અમેરિકી લશ્કરી મથકો ઉપર હુમલા કર્યા હોવાના અહેવાલોને ચીને રદિયો આપ્યો છે. ચીન પાસેથી અમેરિકી મથકોની માહિતી ઈરાનને 2024ની આખરમાં મળી હતી અને તેનો ઉપયોગ બે વર્ષ પછી થયાના દાવાની સચ્ચાઈ સામે શંકા વ્યક્ત થઈ રહી છે.

ટ્રમ્પના દાવા ગુલબાંગ જેવા હોય છે તે આખી દુનિયા જાણે છે. ટ્રમ્પે તાજેતરમાં બે દિવસ પહેલાં જ ચીનને ધમકી આપી હતી કે ઈરાનને શત્રપુરવઠો આપનાર દેશ ઉપર 50 ટકા ટેરિફ નાખવામાં આવશે. નાકાબંધીમાં ચીનનાં જહાજોને પણ પાછાં કાઢવામાં આવ્યાં હતાં અને હવે ઈરાન સાથે ચીનને પણ મહાત કર્યાની છાપ ઊભી કરવામાં આવી છે!

હવે વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વાન્સે વસાહતી વિઝા માટે અમેરિકાને વફાદારીની શરતની વાત કરી છે. વિઝા માટે લાખ્ખો ભારતીયો લાઈનમાં ઊભા છે અને અમેરિકાને ફરીથી ગ્રેટ-સમૃદ્ધ બનાવવા થનગની રહ્યા છે ત્યારે વફાદારીના શપથ લેવા પડશે?

અમેરિકા - ઇઝરાયલને શત્રો પૂરાં પાડે છે તે વાત જગજાહેર છે અને અમેરિકામાં વસેલા ઇઝરાયલી-યહૂદી નાગરિકો ખુલ્લેઆમ ઇઝરાયલ માટે પ્રચાર કરે છે, જનમત જગાવીને સરકાર ઉપર દબાણ લાવે છે. છતાં તેની સામે આંખ આડા કાન ધરીને અમેરિકા અન્ય દેશોના વસાહતીઓની વફાદારી અમેરિકા પ્રતિ હોવી જોઈએ એમ કહે છે. ઉપપ્રમુખ જે. ડી. વાન્સે મેક અમેરિકા ગ્રેટથી આગળ વધીને કહ્યું છે કે ઇં1ઇ વિઝા હેઠળ કાયમી વસવાટની પરવાનગી આપવા માટે વફાદારીની શરતનું કડક પાલન થશે.

અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે કાયદેસર ઇમિગ્રેશન ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ રહી છે તે સંદર્ભમાં પ્રશ્ન પુછાયો કે યહૂદીઓને - વફાદારીનો નિયમ - શરત લાગુ કેમ નથી અને તેઓ ઇઝરાયલનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રશ્નનો જવાબ ટાળીને વાન્સે કહ્યું કે વસાહતી વિઝાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે તેથી હવે નિયંત્રણની જરૂર છે.

હકીકતમાં પહેલી ટર્મની ચૂંટણીમાં ટ્રમ્પ ભારતીય વડા પ્રધાન મોદીનો હાથ પકડીને પ્રચાર કરવા નીકળ્યા હતા તે અમેરિકાના મતદારો અને ઉપપ્રમુખ વાન્સને યાદ તો હશે!