• રવિવાર, 01 માર્ચ, 2026

ન્યાયતંત્રની ગરિમા અને જવાબદારીનો અભાવ

નેશનલ કાઉન્સિલ ફૉર ઍજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રાનિંગ એટલે કે એનસીઈઆરટીના આઠમા ધોરણના સમાજ વિજ્ઞાનના પાઠÎપુસ્તકમાં ‘આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકાનામના પાઠમાં ન્યાયાલયીન ભ્રષ્ટાચારના ઉલ્લેખને લઈને સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કાઉન્સિલનો કાન આમળ્યો છે. શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ખેદ વ્યક્ત કર્યો છે, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગીભર્યા સ્વરમાં કૅબિનેટની બેઠકમાં સવાલ કર્યો કે, આપણે આ શું શીખવી રહ્યા છીએ? તંત્રનાં અન્ય તમામ પાસાં અને પાંખોને બંધારણીય નૈતિકતા પ્રત્યે વફાદાર રાખવાનું કામ ન્યાયતંત્રનું છે, આથી તેમાં ભ્રષ્ટાચાર ખદબદતો હોય એ બાબત ગંભીર ગણાય. વળી, અદાલતોમાં કેસોનો ભરાવો તથા ન્યાય મેળવવામાં થતો અક્ષમ્ય વિલંબ પણ ચિંતાનો વિષય તો ખરો. સર્વોચ્ચ અદાલત સમયાંતરે છેલ્લી બે બાબતો વિશે પણ ચિંતા અને ખેદ વ્યક્ત કરતી રહે છે, આથી પાઠÎપુસ્તકમાં થયેલા ઉલ્લેખ અંગે મુખ્ય ન્યાયાધીશની ખફગી યોગ્ય જ છે. બાળકોનાં કૂમળાં મનમાં ન્યાયતંત્રની ખરડાયેલી છબિ ઊભી કરવા પાછળ વ્યવસ્થિત કાવતરું હોવાનું સુપ્રીમ કોર્ટનું માનવું છે અને માત્ર ન્યાયતંત્ર સામે જ કેમ આંગળી ચીંધવામાં આવી રહી છે, એવો પ્રશ્ન પણ ચીફ જસ્ટિસે પૂછÎો છે.

સમાજ અને જાહેર જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારનો ભારિંગ ફૂંફાડા મારે છે ત્યારે ન્યાયતંત્ર એમાંથી મુક્ત કે પવિત્ર છે, એ માની લેવું એ અંધશ્રદ્ધાથી જરાય ઓછું ન ગણાય. આઠમા ધોરણના સમાજ વિજ્ઞાનના પાઠÎપુસ્તકના એ પાઠમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ગવઈના વિધાનને ટાંકવામાં આવ્યું છે, જેમાં તેઓ કહે છે, દુઃખદપણે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને દુરાચારનાં એવાં ઉદાહરણો સપાટી પર આવ્યાં છે... જેના કારણે તંત્રની એકંદર સત્યનિષ્ઠામાં વિશ્વાસનું ધોવાણ થવાની શક્યતા ઊભી થઈ છે... એમ તો 2002માં પૂર્વ ચીફ જસ્ટિસ એસ. પી. ભરૂચાએ કોલકાતામાં આપેલા ભાષણમાં કહ્યું હતું કે, મુઠ્ઠીભર લોકોને કારણે આખા તંત્રને બદનામ શા માટે કરવામાં આવે છે. તો, 2010માં એક મામલાની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે ઉત્તર પ્રદેશની ઉચ્ચ અદાલતમાં સમાથિંગ ઈઝ રૉટન એટલે કે કંઈક સડેલું છે, એવી ટિપ્પણી કરી હતી. હાલમાં જ જસ્ટિસ વર્માના ઘરમાં ગયા વર્ષે લાગેલી આગ પછી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી, જેની તપાસ સંસદીય સમિતિ કરી રહી છે. વળી, ન્યાયતંત્રમાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, એ તો અદાલતનાં પગથિયાં ચડÎાં હોય એ લોકો સુપેરે જાણે છે. વાત આટલેથી નથી અટકતી, ભ્રષ્ટાચાર એટલે નાણાં કે ચીજવસ્તુ લેવી એટલા પૂરતો સીમિત વ્યવહાર નથી. ચીફ જસ્ટિસ પદેથી નિવૃત્ત થયા બાદ સરકારી પદ સ્વીકારવું કે જજ તરીકે રાજીનામું આપી રાજકીય પક્ષની ટિકિટ પર ચૂંટણીના મેદાનમાં ઊતરવું આ નૈતિક ભ્રષ્ટાચાર જ થયો. આમ છતાં, આઠમા ધોરણના પાઠÎપુસ્તકમાં ન્યાયતંત્રમાંના ભ્રષ્ટાચારનો પાઠનો સમાવેશ પણ એનસીઈઆરટી જેવી સંસ્થામાં કેવી પોલંપોલ ચાલે છે, એની નિશાની છે. વળી, આ ઇરાદાપૂર્વક થયું હોય તો એ પણ ચિંતાનો વિષય છે, કેમ કે ગલીના નાકે, પાનના ગલ્લે કે સોશિયલ મીડિયા પર થતી ચર્ચા એક વસ્તુ છે અને પાઠÎપુસ્તકોમાં આવી બાબતોનું આવવું ગંભીર અને અક્ષમ્ય બાબત ગણાય. જોકે, જવાબદારીના દાયરામાંથી કોઈ બહાર ન હોઈ શકે અને એમાં ન્યાયતંત્રનો પણ સમાવેશ થાય છે.    

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ