• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

સંચાર સાથી ઍપ : ચિંતા અને ચિંતન

નવા મોબાઈલ ફોન માટે સંચાર સાથી ઍપ ફરજિયાત નથી તથા આ ઍપ પોતાના ફોનમાં રાખવી કે ડિલિટ કરવી એ વપરાશકર્તાનો નિર્ણય રહેશે એ સ્પષ્ટતા કરી સરકારે પોતાનો આશય સ્પષ્ટ કરી દીધો છે, છતાં પ્રાઇવસીના ભંગનો મુદ્દો અને જાસૂસીની શંકા લટકતી તલવારની જેમ ઝળૂંબી રહી છે. સરકાર પર વિરોધ પક્ષ ટીકાનો વરસાદ વરસાવી રહ્યા છે, પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારી દરેક વ્યક્તિ જાણતા કે અજાણતા વત્તા ઓછા અંશે પોતાની પ્રાઇવસી સાથે બાંધછોડ કરી જ રહી છે. દરેક નવા સ્માર્ટ ફોનમાં ગૂગલની ઢગલાબંધ સેવાઓ ઈન-િબલ્ટ કે પ્રી-લૉડેડ આવે છે અને વપરાશકર્તા પાસે આમાંની મોટા ભાગની ઍપને ડિલિટ કે નિક્રિય કરવાનો વિકલ્પ પણ નથી હોતો. અત્યારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે સંચાર સાથીનો હેતુ લોકોના ડેટા એકત્ર કરવાનો કે જાસૂસીનો નથી પણ ડિજિટલ છેતરાપિંડી અને સાયબર ક્રાઈમના વધતા વ્યાપ અને સ્માર્ટ ફોનના થતાં દુરુપયોગને ટાળવાનો-ખાળવાનો છે. છતાં આ પ્રકારે ઍપને ફરજિયાત કરવાનો આગ્રહ અયોગ્ય ગણાય.

ભારત સરકારના ટેલિકૉમ્યુનિકેશન ખાતાએ હાલમાં જ સાયબર સુરક્ષા સંબંધી બે આદેશો આપ્યા આમાંના સંચાર સાથી ઍપ બાબતે જેટલી બબાલ કે ચર્ચા થઈ છે, એટલી વાત ગયા અઠવાડિયે અપાયેલા આદેશની થઈ નથી. વૉટ્સઍપ, ટેલિગ્રામ જેવી મેસાજિંગ કે કૉમ્યુનિક્ઁશન ઍપ્સને તેમની સેવાઓનું સિમ-બાઈન્ડિંગ કરવાનો આદેશ અપાયો હતો. મોબાઈલમાં સિમ કાર્ડ હોય તો જ આ ઍપ કામ કરે એવો એનો અર્થ થાય. ટેલિકૉમ્યુનિકેશન કંપનીઓએ આ આદેશનું સ્વાગત કર્યું છે, પણ આ ઍપ્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, આ મુદ્દો ચર્ચાની એરણ પર આવે એ પહેલાં જ સંચાર સાથી ઍપ ફરજિયાત કરવાની વાત આવી અને હોબાળો શરૂ થયો.

સરકારનો આશય સાયબર ક્રાઈમ પર અંકુશ લાવવાનો છે અને લોકોની સુરક્ષાનો છે, જે સારી વાત છે. પણ ફોન કંપનીઓને આ ઍપ ફરજિયાત આપવાની કરાયેલી તાકીદને કારણે વિરોધ પક્ષને સરકાર પર માછલાં ધોવાની તક મળી ગઈ છે. જાન્યુઆરી, 2025માં લૉન્ચ થયેલી આ ઍપને પચાસ લાખથી વધુ વાર ડાઉનલૉડ કરાઈ છે અને ચોરાયેલા સાત લાખથી વધુ ફોનની ભાળ તેના દ્વારા મળવા ઉપરાંત 37 લાખ જેટલા ચોરાયેલા-ખોવાયેલા ફોનને બ્લૉક કરવામાં મદદ મળી છે. જોકે, લોકો જાતે જ તેને ઉપયોગી ગણી તેના ઉપયોગ માટે આગળ આવે એ દિશામાં અત્યાર સુધી કરાયેલા પ્રયાસોને જાળવી રખાયા હોત તો બિનજરૂરી વિવાદ-ખળભળાટ ટાળી શકાયો હોત.