• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

કાર્યકાળ ત્રીજો, વર્ષ પહેલું

દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્રમાંની મહાયુતિ સરકારની સ્થિરતા, પારદર્શિતા અને પરિણામ-આધારિત કામગીરીનું એક વર્ષ પૂરું થયું. ઐતિહાસિક જનમત સાથે સત્તામાં આવેલી મહાયુતિ સરકારને આ એક વર્ષમાં બાહ્ય પડકારો કરતાં યુતિમાંના સાથી પક્ષો સાથે સમન્વય, સામંજસ્ય અને સહકાર સાધવામાં વધારે જહેમત પડી છતાં માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સને વેગ મળ્યો, આર્થિક રીતે હાથ તંગ હોવા છતાં લાડકી બહિણ જેવી લોકપ્રિય યોજનાને આધાર આપી અન્ય કેટલીકનો છેદઉડાડવા અને મંત્રાલયોની ફાળવણીને લઈને થયેલા વિવાદોને થાળે પાડવામાં ખાસ્સી જહેમત ઉપાડવી પડી. આ સરકાર પર ફડણવીસ અને ભાજપની છાપ છે. જોકે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં યુતિના સાથી પક્ષોમાં નેતા-કાર્યકર્તાઓને એકમેકના પક્ષમાં ખેંચવાના ખેલને કારણે સંબંધોમાં તાણ આવી છે અને યુતિધર્મની દુહાઈઓ પક્ષો આપી રહ્યા છે. 

મુખ્ય પ્રધાન તરીકેની ત્રીજી ટર્મના પહેલા વર્ષમાં ફડણવીસે મગજને આઇસ ફૅક્ટરી, જીભને શુગર ફૅક્ટરી સાથે જ લોખંડી હાથે કામ લીધું છે. પહેલા ટર્મની જેમ જ મહત્ત્વના માળખાકીય પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખવા માટે વૉર રૂમ ફરી શરૂ કર્યું. સીએમનું પદ ગયા પછી શિવસેનાના એકનાથ શિંદેની નારાજગી વચ્ચે પણ ફડણવીસે ખાતાં ફાળવણીમાં ધાર્યું કર્યું. શિંદેના નગર વિકાસ ખાતા સહિતનાં મંત્રાલયોની યોજનાઓ અને પ્રકલ્પો માટે પોતાની મંજૂરી ફરજિયાત કરી. શિંદેના કાર્યકાળમાં અપાયેલા રૂા. ત્રણ હજાર કરોડના કૉન્ટ્રાક્ટ રદ કર્યા. સીએમ બન્યા પછી સૌપ્રથમ 100 દિવસનો કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં દરેક ખાતાને સેવાઓની ડિલિવરી સુધારવાનાં પગલાં લેવા તથા ચાલી રહેલી યોજનાઓ બાબતે ચોક્કસ લક્ષ્યાંકો આપ્યા. 

માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સની ગાડી પાટે ચડાવવા સાથે ફડણવીસે ગૃહ ખાતું પોતાના હસ્તક રાખ્યું અને કાયદોવ્યવસ્થાની સ્થિતિ સુધારવા સાથે નક્સલવાદથી ગ્રસ્ત ગડચિરોલીમાં હાથ ધરેલી કામગીરી રંગ લાવી, વરિષ્ઠ માઓવાદી નેતા સોનુ ભૂપતિએ શરણાગતિ સ્વીકારી. ફડણવીસ સામે મોટો પડકાર જોકે આર્થિક મોરચે છે. દર મહિને લાડકી બહિણ યોજના માટે મોટા પ્રમાણમાં નાણાં ફાળવવા પડે છે. ચૂંટણી પહેલાં આ રકમ રૂા. 1500થી વધારીને રૂા. 2100 કરવાનું વચન પાળવાનું છે. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાનો બોજ પણ છે. આ બધા વચ્ચે ગઠબંધન ટકાવવાનો અને કદાચ એમાં કંઈ ખાટું-મોળું થાય તો નવા સાથી પક્ષને જોડવામાં કે કોઈને તોડવામાં તો ફડણવીસની હથોટી છે જ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ