ઈરાન ઉપરનું ઇઝરાયલ અને અમેરિકાનું આક્રમણ ક્યાં સુધી ચાલશે? લડાઈ ક્યારે બંધ થશે? શરૂઆતમાં આ પ્રશ્નનો જવાબ હતો- બે ચાર દિવસમાં! પણ હવે એમ લાગે છે કે લડાઈ લાંબી ચાલશે. છેલ્લા અહેવાલ મુજબ ઈરાન વાટાઘાટની શરતો અંગે ચર્ચા કરવા તૈયાર છે. પણ વાત આગળ વધે છે કે નહીં તે જોવાનું છે. હકીકતમાં ઈરાન તો લડાઈ લંબાવવા માગે છે! વિયેતનામમાં જે રીતે અમેરિકાએ થાકીને, માર ખાઈને પીછેહઠ કરી તેવું જ ઈરાનમાં થશે એમ ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માને છે. ટ્રમ્પે આક્રમણ કરવાનો નિર્ણય લીધો તે પહેલાં જ લશ્કરી નિષ્ણાતોએ એમને ચેતવ્યા હતા કે આસાન નથી. અમેરિકાને આ લડાઈ ભારે પડી શકે એમ છે. ટ્રમ્પ સાહેબનું ગુમાન કાંઈ ઓર જ હતું તેમાં ઇઝરાયલ અને સાઉદી અરબે વધુ ચાનક ચડાવી. હવે ટ્રમ્પ કહે છે ખોમૈની મને પકડે તે પહેલાં મેં એને પતાવી દીધો! પણ લડાઈ `પતાવી' શકાશે?
ઇઝરાયલ અને અમેરિકાના ઍરફોર્સની શક્તિ
અજોડ છે. ચીનનાં શસ્ત્રો પણ પાછાં પડે છે અને તેથી લડાઈમાં ઈરાનના પક્ષે જોડાવાની ઉતાવળ
ચીનને નથી. રશિયા અને ચીન બંનેએ આક્રમણને વખોડતાં નિવેદન ર્ક્યાં છે પણ વિશ્વના કોઈ
દેશ હજી માથું મારવા તૈયાર થયા નથી. ભારત - વડા પ્રધાન મોદીએ આરબ અમીરાત, કુવૈત, જોર્ડન
વગેરેનો સંપર્ક સાધીને સંવાદ અને સમજૂતીનો આગ્રહ ર્ક્યો છે પણ લડાઈમાં ઉતરેલા નેતાઓ
વાર્યા નહીં વરે, તો હાર્યા પાછા ફરશે? એક વાત નક્કી છે કે ઈરાન અમેરિકાને હરાવી શકે
નહીં. ઈરાન પણ જાણે છે છતાં લડે છે. હકીકતમાં ઈરાનનો વ્યૂહ લડાઈ લંબાવવાનો અને રણમેદાન
વ્યાપક વિસ્તૃત બનાવવાનો છે. પશ્ચિમ એશિયામાં જેટલા દેશોમાં અમેરિકાનાં લશ્કરી મથકો
છે - તેના ઉપર ઈરાને હુમલા જારી રાખ્યા છે. સાઉદી અરબના પાટનગર રિયાધમાં અમેરિકી એમ્બેસી
ઉપર હુમલો કરીને ભારે નુકસાન ર્ક્યું, છાપરાં પણ ઉડાવી દીધાં તે નાનીસૂની વાત નથી.
આખરે અમેરિકાએ એમ્બેસી બંધ કરી અને સમગ્ર પશ્ચિમ એશિયામાં અમેરિકન નાગરિકોને વિસ્તાર
છોડીને સલામતી શોધવા જણાવ્યું છે!
ઇઝરાયલમાં પણ ઈરાનની ડ્રોન સેનાએ ઘણું
નુકસાન ર્ક્યું છે. દુબઈ તો સલામત સ્વર્ગ ગણાય - તેના ઉપર પણ સફળ હુમલા થયા છે. ઈરાનનો
વ્યૂહ રણમેદાન વિસ્તૃત કરવાનો છે અને હજુ સુધી સફળ થયો છે. આ ઉપરાંત હોર્મુઝ ખાડી બંધ
કરવાથી વિશ્વના અર્થતંત્ર માટે આફત છે. ક્રૂડતેલ અને વ્યાપારનાં ટૅન્કરો સાથે વિશાળ
જહાજો અટવાઈ ગયાં છે. આપણી પાસે ક્રૂડતેલનો અનામત જથ્થો - સ્ટૉક છે પણ ક્યાં સુધી ચાલશે?
ક્રૂડતેલના ભાવ વધવા લાગ્યા છે. ભારત જ નહીં, દુનિયાના તમામ દેશો માટે આર્થિક કટોકટી
ઊભી થઈ શકે છે. તેલ સાથે અન્ય તમામ જીવન જરૂરી સામાનના ભાવ વધે તો સામાજિક અશાંતિ અને
રાજકીય અરાજકતા ઊભી થાય અને આ સ્થિતિ માટે આખરે તો જવાબદારી અમેરિકાની જ ગણાય.
અમેરિકા અને યુરોપમાં પણ લડાઈ વિરોધી દેખાવો
થઈ રહ્યા છે. માત્ર મુસ્લિમો નહીં, તમામ લોકો લડાઈનો વિરોધ કરે છે. આક્રમણ-લડાઈ જાહેર
કરવાની સત્તા માત્ર અમેરિકી સંસદ - કૉંગ્રેસને છે પણ ટ્રમ્પે તેને હાંસિયામાં ધકેલીને
અમેરિકાને લડાઈમાં ધકેલ્યું છે તેથી રાજકીય વિરોધ પણ વધ્યો છે.
ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમૈનીને `પતાવી' દીધા પણ એમનું લક્ષ્ય ઈરાનમાં શાસનતંત્ર બદલી નાખવાનું છે જે આસાન નથી. ખોમૈનીના સ્થાને યોગ્ય નેતા હોય તો પણ ઈરાન ઉપર અંકુશ રાખી શકે? બૉમ્બમારામાં ઈરાને જે સહન ર્ક્યું છે તે નજીકના ભવિષ્યમાં ભુલાશે નહીં અને નવી સરકાર - જેને પણ બેસાડાય - તેના માટે મોટો પડકાર હશે. આખરે આ લડાઈમાં જીતશે કોણ? ટ્રમ્પ તો કહેશે અમે કામ `પતાવી' દીધું કહીને ઘરભેગા થઈ જશે એમ ઈરાન માને છે! આખરે વિશ્વના અર્થતંત્રની હાર અને ખાનાખરાબી નિશ્ચિત છે તે વાત સ્વીકારવા કોણ તૈયાર થશે?