પાકિસ્તાને ભારત, અન્ય દેશો સાથે ફરી છેતરપિંડી કરી છે. આંતરરાષ્ટ્રીય સંગઠન `એફએટીએફ' (ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ)ની બેઠક આવતા મહિને મળી રહી છે તે વેળાએ આતંકવાદી મસૂદ અઝહર ઉપર ઇનામી રકમ 50 લાખથી વધારીને 70 લાખ કરી નખાઈ છે. આતંકી પ્રવૃત્તિઓને આર્થિક પ્રોત્સાહન ઉપર નિયંત્રણ મુક્તિ સંસ્થા `એફએટીએફ' અને વિશ્વની આંખમાં ધૂળ નાખવા સમાન આ જાહેરાત છે. થોડા સમય પૂર્વે પાકિસ્તાને આદત અનુસાર એવું બહાનું કાઢ્યું હતું કે જૈશ-એ-મહંમદનો આગેવાન મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયો છે. હવે જ્યારે આ બેઠક યોજાઈ રહી છે ત્યારે ઈનામની રકમ વધી છે. જોકે, ભારત અને અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ પાસે તો અગાઉથી એ માહિતી છે જ કે મસૂદ પાકિસ્તાનમાં છે.
આતંકવાદીઓની
નવી યાદી પાકિસ્તાને જાહેર કરી છે તેમાં એવાં ઘણાં નામ છે, જેઓ ભારતમાં થયેલા ઘાતક
હુમલા માટે જવાબદાર છે. ઘણા આતંકવાદીઓના ફોટો તેણે છુપાવ્યા છે અને ફોટો દૂર કરી દીધા
છે, આતંકી સંગઠન સાથે તેમનો સંબંધ પણ છુપાવી રાખ્યો છે. આતંકવાદી પ્રવૃત્તિને પાકિસ્તાન
પોષે છે, એટલું જ નહીં મોટા આતંકવાદીઓનું તે ઉદ્ગમ સ્થાન અને આંતરરાષ્ટ્રીય સ્તરના
માફિયા-આતંકીઓનું આશ્રયસ્થાન છે તે પણ નવી વાત નથી. પુલવામા, ઊરી કે પહેલગામ હુમલા
સહિતની ઘટનાઓ એ વાતની સાક્ષી છે કે પાકિસ્તાન પ્રત્યક્ષ લડાઈ લડી શકતું ન હોવાથી ઊંબાડિયાંથી
લઈને અગનખેલ સુધીનું બધું કર્યા કરે છે છતાં ક્યારેય સ્વીકારતું નથી કે અમે આવી કુવૃત્તિ
ધરાવીએ છીએ.
અત્યારે
જે છેતરપિંડી પાકિસ્તાને કરી છે તેની જાણ આમ તો `એફએટીએફ'ને થઈ જ ગઈ હોવી જોઈએ. જો
તે પોતાની કઠોરતાનો પરિચય ન આપે તો આતંક સામે લડવા માટે સક્ષમ નહીં બની શકે. 2022માં
`એફએટીએફ'એ પાકિસ્તાનને પોતાના `ગ્રે લિસ્ટ'માંથી દૂર કર્યું હતું. તેને લાગ્યું હતું
કે તે પોતાને ત્યાંથી આતંકી ઢાંચાને ખતમ કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન તેની હરકતો-કરતૂતોમાંથી
બહાર નીકળ્યું નહીં. લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મહંમદ જેવાં સંગઠનો પાકિસ્તાનમાં પહેલેથી
જ સક્રિય છે, એટલું નહીં તેને ત્યાં પોષણ અને પ્રોત્સાહન બન્ને મળે છે. તેમને પાળવા
માટે પાકિસ્તાન ફંડ ઊભું કરે છે, આતંકીઓની ભરતી કરે છે. આવા વિઘાતક સંગઠનોની સક્રિયતા
ખતમ થવાનું નામ એટલે નથી લેતી કારણ કે પાકિસ્તાને આતંકી સંગઠનોને પોતાની સુરક્ષાનીતિનો
હિસ્સો બનાવી લીધા છે.
મસૂદ
પરનું ઈનામ વધારવાના પાકિસ્તાનનાં પગલાંને ભારતે વધુ એક છળ ગણાવ્યું છે. અૉક્ટોબરમાં
`એફએટીએફ'ની બેઠક હોવાથી જ આ નિર્ણય લેવાયો હોવાનું વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું
છે. `એફએટીએફ' આ બધું ન જાણતું હોય તેવું નથી તેમ છતાં શા માટે આંખ આડા કાન થઈ રહ્યા
છે તે સવાલનો એક જવાબ એ પણ છે કે આ સંગઠનમાં જોડાયેલા કેટલાક દેશો પાકિસ્તાનના હિતેચ્છુ
છે, જેમાં એક તો છે અમેરિકા. પાકિસ્તાનમાં ઉછરી રહેલો આતંકવાદ વૈશ્વિક જેહાદને ખાતર-પાણી
આપે છે. `એફએટીએફ' વધારે જાગૃત થાય અને પાકિસ્તાનને નિયંત્રણમાં લે તે જરૂરી છે.