• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

વિવાદ નહીં, નિરાકરણ કરો

વિદ્યાર્થીઓની સમસ્યા

નવી દિલ્હીના જંતરમંતર ખાતે યુવાવર્ગ-મુખ્યત્વે વિદ્યાર્થીઓએ પરીક્ષાના પેપર `લીક'ના મામલે દેખાવો કરીને સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણક્ષેત્રમાં સુધારા કરવાનું વચન આપ્યું અને સુપ્રીમ કોર્ટે હિંસાચારની તપાસ માટે વિશેષ સમિતિની નિમણૂક કરી ત્યારથી વિદ્યાર્થી વિશ્વ ઉપર સૌનું ધ્યાન ખેંચાયું છે. હવે મુંબઈમાં આઈઆઈટીના એક વિદ્યાર્થીએ હૉસ્ટેલમાં પોતાની રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો તેનો વિવાદ શરૂ થયો છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે, પણ રાજકીય પક્ષો - જંતરમંતરનું અનુકરણ કરવા માટે વિવાદ અને દેખાવકારો સાથે જોડાયા છે તેથી વિવાદમાં રાજકીય અને જાતિવાદ-જોડવાને બદલે વિદ્યાર્થીઓની સમસ્યાના મૂળનું નિરાકરણ થાય તે દિશામાં પગલાં ભરવાં જોઈએ.

વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઈલ ફોન ઉપર - ચેટજીપીટીની મદદ લઈ રહ્યો હતો ત્યારે પ્રોફેસરે તેને પકડયો અને પરીક્ષા ખંડમાંથી બહાર જવા જણાવ્યું. વિદ્યાર્થીએ હૉસ્ટેલમાં જઈને આપઘાત કર્યો. પોલીસ તપાસ શરૂ થયા પછી આઈઆઈટીએ પરીક્ષામાં `ચોરી' કરવામાં આવી હોવાનું નિવેદન પાછું ખેંચી લીધું જેથી પોલીસ તપાસમાં તેની અસર પડે નહીં. સાથે સંબંધિત પ્રોફેસરને કામચલાઉ `ફરજમુક્ત' કરવામાં આવ્યા છે. સંજોગોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામસામે આવ્યા છે અને શાંતિપૂર્વક દેખાવો કર્યા છે પણ કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી - રિપબ્લિકન પાર્ટી તથા ડાબેરી વિદ્યાર્થી સંઘ પણ જોડાયા છે. જોકે, સમયસર પોલીસની હાજરી અને બન્ને પક્ષોએ સદ્ભાગ્યે જાળવેલા સંયમના પરિણામે જંતરમંતરનું પુનરાવર્તન થયું નથી.

હવે પોલીસ તપાસના અહેવાલની રાહ જોવી જોઈએ. પરીક્ષાના હૉલમાં સીસીટીવી કૅમેરામાં વિદ્યાર્થીની `હરકત' નોંધાઈ હોય તો શંકા રહેતી નથી પણ જાતિવાદની સતામણી થઈ હોવાનો આક્ષેપ વિદ્યાર્થીના પરિવારે કર્યો છે. પ્રશ્ન છે કે જો આવી સતામણી થઈ હોય તો તે ઘણા સમયથી ચાલતી હોઈ શકે પણ વિદ્યાર્થીએ ફરિયાદ કરી નથી. અને પરીક્ષા ચાલુ હોય ત્યારે સતામણી થઈ અને આત્મહત્યા થઈ?

પોલીસ તપાસનો અહેવાલ આવે તે પછી પણ આઈઆઈટી દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ. છેલ્લા નવ મહિના દરમિયાન ચાર વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યા છે. આમાંથી બે વિદ્યાર્થી જનરલ કૅટેગરીના હતા અને બે `અનામત' શ્રેણીના હતા. તેથી માત્ર જાતિવાદની સમસ્યા નહીં હોવાનું માની શકાય. આમ છતાં અનામત-આરક્ષણ હેઠળ આવેલા વિદ્યાર્થીઓ પ્રતિ કોઈ ભેદભાવ - દ્વેષભાવ કદી હોવો જોઈએ નહીં. દિશામાં પણ વિદ્યાર્થીઓને પૂરતું રક્ષણ અને શિક્ષણમાં પ્રોત્સાહન અપાય તે જોવાની ફેકલ્ટીની ફરજ છે.

રાજકીય નેતાઓ તો જાતિવાદને ઉશ્કેરીને રાજકીય રોટલા શેકવા તૈયાર હોય છે, પણ વિદ્યાર્થીઓ રાજકીય જાળ-વમળમાં ફસાય નહીં તે માટે જાગૃતિ જરૂરી છે