લવ જેહાદ પર અંકુશ લાવવા માટે મહારાષ્ટ્ર પ્રધાનમંડળે ધર્માંતરણ વિરોધી કાયદાને મંજૂરી આપી દીધી છે. હાલ ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં આ ખરડો રજૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ અમલમાં હોય એવા આ પ્રકારના કાયદા કરતાં મહારાષ્ટ્રનો ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2026 વધુ કડક હોવાનો દાવો ભાજપના પ્રધાન નિતેશ રાણેએ કર્યો છે. બળજબરીથી કરાવાતાં ધર્મપરિવર્તનને રોકવા માટે મહારાષ્ટ્રની કૅબિનેટે મંજૂર કરેલા ખરડામાં સાત વર્ષ સુધીની સજા ઉપરાંત પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. આ પહેલાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે, અમારી સરકાર બે જુદા-જુદા ધર્મના લોકો વચ્ચેનાં લગ્નોની વિરુદ્ધ નથી, પણ બળજબરી, પોતાની ઓળખ છુપાવી, પ્રલોભન અથવા છેતરાપિંડી દ્વારા કરાતાં ધર્મપરિવર્તન સામે કાયદાકીય હસ્તક્ષેપ આવશ્યક છે. નવા કાયદા મુજબ, પોતાનો ધર્મ બદલવા માગતી વ્યક્તિએ નિયત કરેલી સત્તાને 60 દિવસની નોટિસ આપી તેમની મંજૂરી મેળવવાની રહેશે. એટલું જ નહીં, કોઈ વ્યક્તિએ ધર્મપરિવર્તન કર્યું હોય તો એ બાબતની નોંધણી પચીસ દિવસની અંદર કરાવવાની રહેશે અન્યથા આવું ધર્માંતરણ રદબાતલ ગણાશે. દેશનાં વિવિધ રાજ્યોમાં ચોક્કસ ધર્મના યુવાનો દ્વારા હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, પોતાની ખોટી ઓળખ આપી તથા લાલચ આપી કે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાનું વ્યવસ્થિત કાવતરું ચાલતું હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આના પગલે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, હરિયાણા અને ગુજરાત એમ કુલ નવ રાજ્યોમાં આવાં ધર્મપરિવર્તન વિરોધી કાયદા અમલમાં મુકાયા છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં નોંધાવેલી એફિડેવિટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, બંધારણ ધાર્મિક સ્વાતંત્ર્ય આપે છે, પણ તેમાં ધર્મપરિવર્તનના હકનો સમાવેશ થતો નથી, આથી આ દિશામાં થતા પ્રયાસોને રોકવા માટે કાયદો જરૂરી છે.
આ પ્રકારનો કાયદો સમયની માગ છે અને લવ
જેહાદ જેવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ કાયદા જેટલું જ મહત્ત્વ દીકરીઓમાં જાગરૂકતા
લાવવાની બાબતને પણ અપાવું જોઈએ. લવ જેહાદ સામે જેહાદ જગાડવાની દિશામાં લેવાયેલું આ
પગલું અનેક યુવતીઓનાં જીવન બરબાદ થતાં અટકાવશે.