• શુક્રવાર, 01 મે, 2026

એઆઈ નીતિ : આવકારદાયક પહેલ

મહારાષ્ટ્ર કૅબિનેટે 1.5 લાખ નોકરીઓનું સર્જન કરનાર અને રૂા. 10,000 કરોડનું મૂડીરોકાણ ખેંચી લાવનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિયન્સ (એઆઈ) નીતિની જાહેરાત કરી છે. આ નીતિનું ધ્યેય છ એઆઈ સેન્ટર્સ અૉફ એક્સલન્સ, પાંચ એઆઈ ઇનોવેટિવ શહેર તથા પાંચ હજાર સ્ટાર્ટ-અપ્સ તથા નાના વ્યવસાયોનું સર્જન કરવાનો છે. સંશોધન, નાવીન્ય તથા જવાબદારીયુક્ત શાસનના રાષ્ટ્રીય એઆઈ મિશન સાથે સંરેખિત આ નીતિ હાલ મહારાષ્ટ્રના છ લાખ કરોડના મૂલ્યના ડિજિટલ અર્થતંત્રને વેગ આપવા માટે છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી આ એક આવકારદાયક પગલું છે, કેમ કે ટેક્નૉલૉજી સંબંધિત ક્ષેત્રમાં આગળ વધવા માટે વહેલી શરૂઆતનો લાભ લાંબા ગાળા સુધી મળતો હોય છે. જોકે, સરકારે એ તકેદારી રાખવાની રહેશે કે આ બાબત માત્ર જાહેરાત સુધી ન રહેતા તેમાં નક્કર કામ થાય. આગામી ટેક્નૉલૉજી ક્રાંતિનું નેતૃત્વ ભારત કરવાનું છે અને મહારાષ્ટ્ર તેમાં પહેલ કરવા માગે છે, એ આ નીતિથી સ્પષ્ટ થાય છે.

આ યોજના અંતર્ગત માળખાકીય સુવિધાઓ માટે ફાળવણી ઉપરાંત રૂા. 500 કરોડનું એઆઈ સ્ટાર્ટ-અપ્સ વૅન્ચર ફંડ પણ શરૂ કરાયું છે, એ નોંધનીય બાબત છે, જે અંતર્ગત વ્યક્તિગત સ્ટાર્ટ-અપ્સને રૂપિયા એક કરોડ સુધીની મદદ તથા મહિલાના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટ-અપ્સને રૂપિયા અઢી કરોડ સુધીની સહાયની જોગવાઈ ઉપરાંત વધુ પચીસ ટકા મદદ પણ અપાશે, કેમ કે એઆઈના વિકાસમાં માત્ર માળખાકીય સુવિધાઓથી કામ થવાનું નથી, આથી આ નીતિ પાછળ ઊંડો વિચાર કરાયાનું પણ સ્પષ્ટ છે. આ ઉપરાંત, એઆઈ સંચાલિત ઉદ્યોગો માટે મૂડી સબસિડી, ઇલેક્ટ્રિસિટી ટેરિફ સબસિડી તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ અને પેટન્ટ ફાઈલિંગના ખર્ચનું પૂરું વળતર જેવી બાબતોના સમાવેશની આ ઉદ્યોગના લોકોએ સરાહના કરી છે. વળી, સરકાર આ નીતિ દ્વારા ખાસ તો કૃષિ, સ્વાસ્થ્ય સંભાળ, શિક્ષણમાં એઆઈનો ઉપયોગ કરવા માગે છે. ખેડૂતોને હવામાનની આગાહી, પાક વિશેની માહિતી તથા અન્ય પરિસ્થિતિઓ અંગે વાકેફ કરાવવામાં આવશે. એઆઈ કૌશલ્યનું પ્રશિક્ષણ બે લાખથી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે.

આ મોરચે વહેલી શરૂઆત કરી રાજ્ય સરકારે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે, પણ બધો મદાર અમલીકરણ પર છે. આશા રાખીએ વહેલી શરૂઆતનો અને મક્કમ અમલીકરણનો લાભ મહારાષ્ટ્રને મળે.

ઇ-પેપરના નવા શુલ્ક