• સોમવાર, 27 એપ્રિલ, 2026

આંદોલનો, ખૂટતી ધીરજ અને હતાશા

આંદોલનો, દેખાવો અને વિરોધ પ્રદર્શન તંદુરસ્ત લોકતંત્રનો અવિભાજ્ય હિસ્સો ગણાય છે, પણ તેના કારણે કલાકોના કલાકો ટ્રાફિકમાં અટવાઈ જવાને કારણે સાવ નિરૂપાય બની જતાં સામાન્ય માણસની વ્યથાનો વિચાર કોઈ કરતું નથી. હાલમાં જ વરલી વિસ્તારમાં ભદ્ર વર્ગની એક મહિલાએ ભાજપના વિરોધ મોરચામાં રાજ્યના જલસંપદા અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ખાતાના પ્રધાન ગિરીશ મહાજન તથા અન્યોને અપશબ્દો ઉપરાંત અહીંથી ચાલતા થાવ એવા શબ્દોમાં પોતાનો રોષ પ્રગટ કર્યો, આ બાબત સોશિયલ મીડિયા તથા પ્રસાર માધ્યમોમાં ચર્ચાનો વિષય બની છે. થયું એવું કે, સંસદમાં વિપક્ષોએ પસાર થવા ન દીધેલા મહિલા આરક્ષણ ખરડાના વિરોધમાં ભાજપે મોરચો કાઢયો હતો. દીકરાને શાળામાંથી લેવા જઈ રહેલી અને મોરચાને કારણે ટ્રાફિકમાં અટવાઈ ગયેલી આ મહિલાએ ગિરીશ મહાજનને કહ્યું કે, તમે બાજુના મેદાનમાં મોરચો કેમ નથી યોજતા. અસ્ખલિત અંગ્રેજી બોલતી આ મહિલાની બોલવાની રીત એવી હતી કે ઘણાને લાગ્યું કે, આ તો આપણી વ્યથાને વાચા આપી રહી છે, તો કેટલાક લોકોએ તેને અભદ્ર અને બેશિસ્ત ગણાવવા સાથે તેના માટે હલકા શબ્દોનો પ્રયોગ કર્યો. આ મહિલાએ તો પોલીસ અધિકારીઓને પણ બરાબર ખખડાવ્યા. અહીં, મુદ્દો એ છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સત્તા છે અને વિરોધ પક્ષોએ સંસદમાં એક ખરડો પસાર થવા ન દીધો, તો એના વિરોધમાં સત્તાધારી પક્ષ મોરચો યોજી સાબિત શું કરવા માગે છે? 

રાજ્યની મહાયુતિ સરકારે મુંબઈગરાને તકલીફ થાય નહીં એ માટે નાસિકથી પગપાળા આવેલી આદિવાસીઓની લૉન્ગ માર્ચ તથા મરાઠા આરક્ષણ માટેની રૅલીઓને શહેરની સીમાથી બહાર પ્રદર્શન કરવા માટે વિનંતી કરતું વ્યવહારુ પગલું લીધું હતું. તો, પોતાના મંત્રીમંડળના સાથીઓને તેઓ આવી હિદાયત ન આપી શક્યા હોત? સામાન્ય નાગરિકને કોઈપણ રીતે તકલીફ ન થાય એ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો માર્ગ શોધવો સમયની માગ છે, સામાન્ય માણસના ધીરજની કસોટી ચોમેરથી થઈ રહી છે, આવામાં તેમાં આંદોલનોને કારણે વધુનો ઉમેરો ન થાય એ જોવાની જવાબદારી પણ છેવટે તો સરકારની જ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ