• શનિવાર, 25 એપ્રિલ, 2026

અભિનંદનના અધિકારી મતદારો

રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિરોધ પક્ષો ભારતના સંવિધાન, ન્યાયતંત્ર તથા શાસન તંત્રની ટીકા કરીને આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે મતદારોએ ભારતના લોકતંત્રમાં અતૂટ - અભૂતપૂર્વ વિશ્વાસ વ્યક્ત કરીને મતપેટીઓ ઉપર વોટનો વરસાદ વરસાવ્યો છે જાણે સુનામી આવી હોય! 

પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં મતદારોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવીને મતદાન કર્યું છે તેના આંકડાથી રાજકીય પક્ષો ખુશી વ્યક્ત કરી રહ્યા છે પણ સાચી ખુશી અને સંતોષ તો ચૂંટણી પંચને મળે છે. આભાર અને અભિનંદનના અધિકારી પંચ અને તેના કાર્યકરો છે. ચૂંટણી પહેલાં પંચે મતદાર યાદીઓની ચકાસણી શરૂ કરી ત્યારે વિપક્ષોએ પંચનાં માથાં ઉપર માછલાં ધોયાં હતાં. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો પત્રકારો સમક્ષ `બૉમ્બ' ધડાકા કરવાની જાહેરાત કરી હતી. મતદાર યાદીમાં સુધારાના નામે બગાડા - કાપકૂપ કરવાના આક્ષેપ થયા હતા પણ હવે મતદાનના આંકડા જોઈને નેતાઓ આભા થઈ ગયા છે!

બંગાળમાં લગભગ 27 લાખ નામ કપાયાં, યાદીમાંથી રદ થયાં છે. જૂની યાદીમાં 7.6 કરોડ નામ હતાં તે હવે ઘટીને 6.8 કરોડ થયાં છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીની `વોટ બૅન્ક' લૂંટાઈ ગઈ હોવા છતાં તેઓ કહે છે કે ચૂંટણી પંચની કાર્યવાહીના વિરોધમાં મતદારોએ ભારે મત આપ્યા છે. આ મતદાન પરિવર્તન માટે નહીં, પુનરાવર્તન માટે છે એમ તેઓ કહે છે!

તામિલનાડુમાં પણ 85 ટકા મતદાન થયું છે. 2021માં 73.6 ટકા મત પડયા હતા. આ વખતે 57 લાખ નામ કપાયાં પછી મતદારોની સંખ્યા 6.3 કરોડથી ઘટીને 5.7 કરોડ થઈ ગઈ છે. આમ છતાં મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડયા તે પંચની કાર્યવાહીની સફળતા દર્શાવે છે. પંચ ઉપરાંત બંને રાજ્યોના મતદારોને પણ સલામ કરવી ઘટે.

રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિરોધ પક્ષો ભારતના સંવિધાન, ન્યાયતંત્ર તથા શાસન તંત્રની ટીકા કરીને આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે મતદારોએ ભારતના લોકતંત્રમાં અતૂટ - અભૂતપૂર્વ વિશ્વાસ વ્યક્ત કરીને મતપેટીઓ ઉપર વોટનો વરસાદ વરસાવ્યો છે જાણે સુનામી આવી હોય! આટલું જબરદસ્ત મતદાન થવાની કલ્પના પંચે પણ કરી નહીં હોય. હવે મતદાનના બીજા તબક્કામાં પણ ભારે સંખ્યામાં મતદારો ઉમટી પડશે એવી આશા અને વિશ્વાસ વ્યક્ત કરી શકાય.

તામિલનાડુમાં પણ મતદારોએ જાણે બંગાળ પાસેથી પ્રેરણા મેળવી હોય કે પછી સ્પર્ધામાં ઉતર્યા હોય એવી છાપ પડી છે.

હિંસક ઘટનાઓ છતાં પંચે કાર્યવાહી સંતોષપૂર્વક પાર પાડી છે. કેટલાક વિસ્તારોમાં મોટરસાઇકલો ઉપર કામચલાઉ પ્રતિબંધ મુકાયો હોવાથી કોલકાતામાં હાઈ કોર્ટે પંચને ઠપકો આપ્યો છે અને વધુપડતી ટીકા કરી છે તે યોગ્ય નથી. `પંચે પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કર્યો છે અને જાણે ઇમર્જન્સી જાહેર કરી છે' એમ કહ્યું છે પણ જો નિયંત્રણ મુકાય નહીં તો હિંસાખોરી વ્યાપક અને બેફામ થઈ હોત - નામદાર જજ સાહેબે આ શક્યતાનો વિચાર કરીને પંચની ટીકા કરવામાં સંયમ જાળવવાની જરૂર હતી - બંગાળના ભદ્ર સમાજની પણ આવી જ લાગણી હશે.

ભાજપ અને ટીએમસી માટે અતિપ્રતિષ્ઠિત એવી બંગાળ વિધાનસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ તબક્કામાં હિંસક ઘટનાઓ નોંધાઈ છે. સાંસ્કૃતિક, સાહિત્યિક વિરાસત ધરાવતા બંગ પ્રાંતની આ પણ એક તાસીર છે. રાજકીય રીતે તૃણમૂલ કૉંગ્રેસ અહીં સક્ષમ છે તે સાચું પરંતુ તે સક્ષમપણાને લીધે હદ વળોટીને વર્તન કરાય નહીં, ચૂંટણી દરમિયાન એવું બન્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સર્વેન્દુ સરકાર ઉપર જાહેરમાં હુમલો થયો છે. જેમણે તેઓને માર માર્યો તેઓ ટીએમસી સમર્થક હોવાનું ટીવી ચૅનલ્સ - વિવિધ સમાચાર માધ્યમો કહી રહ્યાં છે.

જો કોઈએ વીડિયો ઉપર આ દૃશ્યો જોયાં હોય તો ખ્યાલ આવે કે કેટલું ઝનૂન અને ખુન્નસ તે કાર્યકર્તાઓમાં હતું! બોડીગાર્ડ સાથે હોવા છતાં સર્વેન્દુ સરકારને રોકવામાં આવ્યા. તેમને પહેલાં તો કેટલાક લોકોએ રોક્યા, ધમકાવ્યા. તેઓ ચાલતા હતા તો મારામારી શરૂ કરી. રાજકીય સ્પર્ધાની વાત અલગ છે. પ્રતિપક્ષના ઉમેદવારની વિરુદ્ધ પ્રચાર, તેમને હરાવવા માટેના પ્રયાસ જુદી અને સામાન્ય ઘટના છે, પરંતુ અહીં તો ચૂંટણીના ઉમેદવારને જાહેરમાં ઘેરી લેવાયા અને તેમને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો. આ એક દૃશ્ય બંગાળની ચૂંટણીનું અને સ્થિતિનું પ્રતાબિંબ છે. આ અગાઉ પણ ભાજપના કાર્યકર્તા, નેતાઓ ઉપર રૅલી-સભામાં હુમલા થયા છે. કાર્યકર્તા અને ગુંડામાં થોડો તો ફેર હોવો જોઈએ. 

તૃણમૂલ કૉંગ્રેસનાં મુખિયા મમતાદીદી અને અન્ય મોવડીઓએ કાર્યકર્તાઓને વારવા જોઈએ. જોકે ઈડીના અધિકારીઓ સામે મોરચો ખોલવો, ન્યાયપાલિકાનો પણ વિરોધ કરવો તેવી ઘટના પણ બની હોય તો કાર્યકર્તાને શું કહેવું? તૃણમૂલ માટે બંગાળીઓને માન હોય તો તેનો તે અધિકાર છે. 4 મેએ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવી જ જશે કે મતદારો શું ઈચ્છે છે. બિહારની ચૂંટણીમાં ભવ્ય વિજય પછી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આ ગંગા હવે બંગાળ સુધી જશે. પ્રવાહ પહોંચે છે કે અટકે છે તે સમય કહેશે, પરંતુ ટીએમસી કાર્યકર ગણાતા લોકોએ જે આજે કર્યું છે તે નિંદાપાત્ર છે. ધારાસભાના ઉમેદવાર તો શું, કોઈ સામાન્ય નાગરિક ઉપર પણ આવો હુમલો થવો જોઈએ નહીં, કાયદો વ્યવસ્થા ચૂંટણીના સમયે પણ કેટલી હદે પડકાર અનુભવી રહ્યા  છે તેનો આ પુરાવો છે. હજી બીજો તબક્કો બાકી છે જો આજે પણ આ સ્થિતિ છે તો પરિણામના દિવસે શું થશે? ટીએમસી જીતે તો પણ મર્યાદાભંગ થવાની શક્યતા. હારે તો સમજી જ શકાય કે તેઓ શું કરશે?