છેલ્લાં બે વર્ષમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં પાલિકા આરોગ્ય કેન્દ્ર, સરકારી હૉસ્પિટલ અને ખાનગી હૉસ્પિટલમાં 85 જેટલી સગીર વયની છોકરીઓને પ્રસૂતિ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ખાતાએ તરત હરકતમાં આવી કામગીરી હાથ ધરી અને સોલાપુર, કોલ્હાપુર અને પુણેની હૉસ્પિટલોમાં નાની વયે માતા બનનાર 34 છોકરીઓ વિશેની માહિતી સંતાડનારા ડૉક્ટરો સામે ગુના નોંધી છોકરીઓનાં માતા-પિતા-સંબંધીઓ વિશે તપાસ હાથ ધરી છે. આના પગલે બાળ અધિકારોના સંરક્ષણ માટેના રાજ્યના કમિશને રાજ્ય સરકારને ભલામણ કરી છે કે, કંકોતરીમાં વર અને કન્યાની જન્મતારીખ લખવાનું ફરજિયાત કરવાનો આદેશ આપો. સ્પષ્ટ છે કે, મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં પણ બાળવિવાહનું પ્રમાણ કેટલું વ્યાપક છે. હાલ, નાસિક તથા અન્ય સ્થળોએ ઢોંગી બાબાઓ દ્વારા મહિલાઓના થતાં જાતીય શોષણના સમાચારો મથાળાંમાં છે, સ્ત્રીઓ પર થતાં અત્યાચાર અને માનસિક-શારીરિક સતામણીના કિસ્સા પણ સતત બન્યા છે. આવામાં, બાળવિવાહ અને કુમળી વયે માતા બનતી કન્યાઓનું દૂષણ ચિંતાજનક છે.
મહિલા અને બાળકલ્યાણ વિભાગના આંકડા મુજબ છેલ્લા વર્ષમાં બાળવિવાહ અટકાવવાના
કિસ્સામાં 566 ટકા જેટલો વધારો થયો છે અને એકલા 2024-25ના વર્ષમાં 1246 બાળલગ્ન રોકવામાં
આવ્યાં હતાં. જોકે, આ બાળલગ્નો સાથે સંકળાયેલો ગંભીર મુદ્દો છે સગીર વયની છોકરીઓનું
પ્રસૂતા થવું. માતા-પિતા અંધશ્રદ્ધા કે સામાજિક દબાણને કારણે દીકરીઓને કાચી વયે પરણાવી
દે, પણ ડૉક્ટરો હૉસ્પિટલમાં આવી બાળાઓની પ્રસૂતિ કરાવે અને પાછી આ વાત સંતાડે એ ગંભીર
બાબત છે. આ દૂષણ રોકવા માટે કંકોતરીમાં વર અને કન્યાની જન્મતારીખ લખવાનું ફરજિયાત કરવાનું
સૂચન યોગ્ય છે. જોકે, આવાં લગ્નો કરાવતાં માતા-પિતા તથા સંબંધીઓ અને પવિત્ર વ્યવસાયને
બટ્ટો લગાડનારા ડૉક્ટરો સામે કડક કાર્યવાહી થાય એ વધુ મહત્ત્વનું છે. બાળવિવાહ સંબંધી
કાયદામાં કડક જોગવાઈઓ છે, પણ તેના પર વાસ્તવમાં કેટલો અમલ થાય છે, એ બાબત શંકાના ઘેરામાં
છે. આથી, આ દિશામાં સૌથી પહેલા સુધારા થાય તો જ કંઈક નક્કર પરિણામ આવી શકે.