ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં પચાસ વર્ષનો એક પુરુષ કોથળામાં પોતાની મૃત બહેનનું હાડાપિંજર લઈ બૅન્ક જઈ પહોંચ્યો, કેમ કે બહેનના બૅન્ક ખાતામાંની રકમ મેળવવા માટે સાબિતી જોઈતી હતી કે તેનું અવસાન થઈ ગયું છે. અરેરાટી થઈ આવે એવી આ ઘટનાએ દેખાડી આપ્યું છે કે, સામાન્ય માણસની સવલત માટે કામ કરતું તંત્ર નિયમો-પ્રક્રિયાની ઝંઝાળને પગલે કેટલી હદે સંવેદનાવિહિન અને અમાનવીય બની ગયું છે. આ સાથે જ ગરીબી માણસને કેવો લાચાર બનાવી મૂકે છે, એ બાબત પણ ઉજાગર થાય છે. ઓડિશાના આદિવાસી જિલ્લાની આ ઘટના ચોંકાવનારી એ કારણસરથી પણ છે કે, રાજ્યના મુખ્ય પ્રધાનનું તે મતદાર ક્ષેત્ર છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું. જોકે, ઓડિશામાં આ પહેલાં પણ વાહનના અભાવે મૃતક પત્નીના મૃતદેહને અંતિમવિધિ માટે ખભે નાખીને લઈ જવાની હૃદયદ્રાવક ઘટના બની હતી.
એમ તો ક્યોંઝર જિલ્લાના જીતુ મુંડાની મૃત બહેન કાલરા
મુંડાના બૅન્ક ખાતામાં માંડ 19,402 રૂપિયા જેટલી રકમ હતી, પણ અશિક્ષિત અને ગરીબ જીતુ
માટે આ રકમ નોંધપાત્ર ગણાય. આથી તેણે ઓડિશા ગ્રામીણ બૅન્કની માલિપોસી ખાતેની શાખાની
મુલાકાત લીધી પણ કહેવાય છે કે, અહીં તેને જવાબ મળ્યો કે, જ્યાં સુધી ખાતાધારક નહીં
આવે, પૈસા નહીં મળે. કોઈએ જીતુની મનઃસ્થિતિ કે પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ પણ ન કર્યો.
મૃતકનું ડૅથ સર્ટિફિકેટ તથા જરૂરી દસ્તાવેજો લાવવાનું સમજાવવાની તસ્દી કોઈએ લીધી નહીં
અને જીતુને જે સમજાયું એ તેણે કર્યું. 26મી જાન્યુઆરીએ ગુજરી ગયેલી મોટી બહેનને જ્યાં
દફનાવાઈ હતી, ત્યાંથી હાડાપિંજર થઈ ગયેલા શરીરનું ધડ કોથળામાં ભર્યું અને પગ લટકતા
રાખી એ શરીર ખભે નાખી તે બૅન્કની દિશામાં નીકળી પડÎો. કેન્દ્ર સરકારે છેવાડાની વ્યક્તિને
બૅન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો સંનિષ્ઠ પ્રયાસ સફળ રહ્યો, પણ તેમાં જરાક માણસાઈ બૅન્કના
સ્ટાફે ભેળવી હોત તો આ પ્રયાસ સાર્થક ગણાત. ખાસ તો એ કારણથી કે ઓડિશાની જનજાતિઓમાં
સાક્ષરતાનું પ્રમાણ માંડ 30 ટકા છે, એ જોતાં નિયમોના દાયરામાં રહીને જીતુને સમજાવીને
મદદ કરી હોત તો માનવતાને શરમાવા જેવું ન થાત. બૅન્કનો દાવો છે કે, અમે જીતુને દસ્તાવેજો
લાવવાનું કહ્યું હતું. જીતુનું કહેવું છે કે, મને કહેવાયું હતું કે, તમારી બહેન જીવે
છે કે મૃત્યુ પામી છે, એ સાબિત કરો. આ ઘટના પ્રકાશમાં આવતા ઓડિશાના પ્રધાને સંબંધિત
વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે અને જીતુનું કામ થઈ જશે, એવી બાંયધરી
આપી છે. જોકે, આ ઉકેલ નથી. તંત્રને પારદર્શક બનાવવા સાથે માનવીય બનાવવામાં આવે એ અત્યંત
જરૂરી છે. જીતુને બહેનના ખાતામાંની રકમ ઉપરાંત જિલ્લા પ્રશાસન તરફથી પણ આર્થિક મદદ
મળી ગઈ છે, પણ માનવતાનું માથું શરમથી ઝૂકી ગયું એનું શું?