`આમ આદમી પાર્ટી'ના સુપ્રીમ લીડર અરવિંદ કેજરીવાલ પંજાબ વિધાનસભાની આગામી વર્ષે ચૂંટણી જીતવાની તૈયારી કરી રહ્યા છે અને ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનીને સરકાર રચવાનાં સ્વપ્ન જોઈ રહ્યાં છે ત્યારે એમના એક વખતના વિશ્વાસુ ગણાતા અને હવે અવિશ્વાસુ બનેલા નેતાઓ - રાજ્યસભાના સાત સભ્યોએ અચાનક રાજીનામાં આપીને અરવિંદ કેજરીવાલને આઘાત આપ્યો છે. સાત સભ્યોનાં સામૂહિક રાજીનામાં આઘાતજનક છે પણ આશ્ચર્યકારક નથી. કારણ કે ત્રણ સપ્તાહ પહેલાં જ કેજરીવાલે રાઘવ ચઢ્ઢામાં અવિશ્વાસ વ્યક્ત કરીને રાજ્યસભામાં પક્ષના નાયબ નેતાપદેથી નીચે ઉતારી દીધા ત્યારે જ પક્ષના અન્ય નેતાઓ તથા કાર્યકરોને આંચકો લાગ્યો હતો. હવે રાઘવ ચઢ્ઢાએ લાગ જોઈને જવાબ આપ્યો છે! રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના દસ સભ્યો છે તેમાંથી સાત સભ્યોએ સાગમટે પક્ષમાંથી રાજીનામાં આપી દીધાં છે. એટલું જ નહીં, ભાજપમાં જોડાઈ પણ ગયા છે.
કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંતસિંઘ માનના પ્રત્યાઘાત સ્વાભાવિક છે.
`આપ'નો સાથ છોડનારા સાતે સભ્યોને એમણે `ગદ્દાર' ગણાવ્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી
માથાં ઉપર ગાજી રહી છે ત્યારે પક્ષ સાથે તથા પંજાબ સાથે `દગો' કર્યાનો આક્ષેપ કર્યો
છે. પંજાબનાં વિકાસકાર્યો, પ્રગતિ ધીમી પાડવાનું આ કાવતરું છે એમ કહ્યું છે.
પક્ષમાંથી રાજીનામાં આપવાનો વ્યૂહ ગણતરીપૂર્વકનો છે. પક્ષપલટાનો કાયદો લાગુ
પડે નહીં, રાજ્યસભાના સભ્યપદ ગુમાવાય નહીં તેની સાવધાની રાખીને પક્ષના દસ સભ્યોમાંથી
સાત સભ્યોએ રાજીનામાં આપ્યાં. બે-તૃતીયાંશ બહુમતી થઈ હોવાથી પક્ષનું વિભાજન - ગણાય
પણ પક્ષપલટો ગણાય નહીં. આ સભ્યોએ રાજ્યસભાના ઉપાધ્યક્ષને પણ પત્ર આપીને વિધિસર કાયદાનું
પાલન કર્યું છે. હવે ભાજપમાં જોડાયા પછી એમને મંચ અને છત્ર પણ મળ્યાં છે.
આમ આદમી પાર્ટીમાં અંદરખાને અશાંતિ ઘણી છે. અવિશ્વાસ અને આશંકાનું વાતાવરણ છે.
અરવિંદ કેજરીવાલ સર્વેસર્વા હોવાથી એમના નિર્ણય સામે કોઈ `સવાલદાર' નથી પણ હવે સામગટે
રાજીનામાં આપ્યાં તેની નૈતિક જવાબદારી એમણે સ્વીકારીને પદત્યાગ કરવો જોઈએ એવી માગણી
થઈ રહી છે. રાઘવ અને પાઠકે પંજાબની ચૂંટણી વખતે ઉમેદવારોની પસંદગીમાં મહત્ત્વની કામગીરી
બજાવી હતી. વિદ્યમાન વિધાનસભાના મોટા ભાગના સભ્યોની વફાદારી રાઘવ પ્રત્યે હોવાથી આવતા
વર્ષના આરંભમાં વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે કેજરીવાલના જમણાહાથ જેવા સિસોદિયા અને
સંજયસિંહ જૂના સભ્યોને અન્યાય કરશે તેથી પક્ષમાં વધુ ભંગાણ પડશે એમ મનાય છે.
ભાજપની નેતાગીરી ખુશ છે. બંગાળમાં જબ્બર મતદાન પછી સરકાર બનશે એવો વિશ્વાસ છે
- પણ પરિણામની રાહ જોવી જોઈએ. મતદાન ઉપરથી પરિણામની ધારણા ઘણી વખત બદલાઈ ગઈ છે! પણ
અત્યારે ઉત્સવના આનંદમાં કેજરીવાલના પક્ષમાં ભંગાણ પડયું અને સાત સભ્યો ભાજપમાં જોડાયા
- તેથી વધારો થયો છે! રાજ્યસભામાં ભાજપ - એનડીએનું સંખ્યાબળ વધ્યું છે. અલબત્ત - હાલમાં
જ રાજ્યસભામાં `આપ'ના નાયબ નેતા અશોક મિત્તલના નિવાસસ્થાને ઈ.ડી.ના દરોડા પડયા હતા
તે નોંધપાત્ર છે. કેજરીવાલ અને સંજયસિંહ કહે છે કે પક્ષપલટાના કારણમાં દરોડાનો ભય છે!
ભાજપની નજરમાં પંજાબ ઉપરાંત ગુજરાતની ચૂંટણી છે. કેજરીવાલની નજર - લક્ષ ગુજરાત ઉપર
છે. પાંચ વિધાનસભ્યો ચૂંટાયા પછી `આપ' વિરોધ પક્ષની કામગીરી બજાવે છે ત્યારે દક્ષિણ
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાણી પહેલાં પાળ બાંધવાની ગણતરી હોઈ શકે છે.