ચૂંટણી પ્રક્રિયાની કાયદેસરતા અને અખંડિતતાનું સંરક્ષણનું કારણ આગળ કરી રાજ્ય ચૂંટણી પંચે 24 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ બીજી ડિસેમ્બરને બદલે 20મીએ યોજવાના લીધેલા નિર્ણયની ચોમેરથી ટીકા થઈ રહી છે. કેટલીક જગ્યાએ ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓના નિર્ણયોને અદાલતમાં પડકાર્યા છે અને અત્યારે આ મામલા કોર્ટને આધીન હોવાથી ચૂંટણીઓની તારીખ બદલવામાં આવી છે, તો અન્ય સ્થળોએ ચૂંટણી ચિહ્નોની ફાળવણી ગેરકાયદે ગણાવી મોકૂફીનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું છે કે, આ ઉમેદવારોને અન્યાય છે અને હવે વધારાના દિવસો ચૂંટણી પ્રચાર તેમના પર બિનજરૂરી બોજ સમાન છે. કયા કાયદા કે નિયમના આધારે ચૂંટણી પંચે આ નિર્ણયો લીધા છે? અને તેમને આ સલાહ કોણ આપી રહ્યું છે? એવા સવાલો પણ ફડણવીસે પૂછ્યા છે. તો, રાજ્ય કૉંગ્રેસ એકમના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે તો વધારાના દિવસોમાં પ્રચાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા વધારી આપવાની તથા બીજી તારીખે જ્યાં મતદાન થયું છે, તેની મતગણતરી અને પરિણામોની જાહેરાત ત્રીજી ડિસેમ્બરે કરવાને બદલે 20મીએ બધી જગ્યાએ મતદાન થઈ ગયા બાદ કરવાની માગ કરી હતી. બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે વિવિધ અરજીઓની સુનાવણી કરતા બીજી ડિસેમ્બરે જ્યાં મતદાન થયું છે ત્યાંની મતગણતરી અને પરિણામોની જાહેરાત 21મી તારીખે કરવાનો આદેશ આપ્યો છે.
વિલંબો અને અંતરાયોની પરાકાષ્ઠા ધરાવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થયેલા
લેટેસ્ટ વિલંબને તમામ રાજકીય પક્ષોએ વખોડી કાઢ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે તો આ પગલાંને
ઉમેદવારો તથા સ્થાનિક મતદારોને થયેલો અન્યાય ગણાવતાં કહ્યું છે કે, જે ઉમેદવારોએ ઈમાનદારીપૂર્વક
તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે, તેમની સાથે આ અન્યાય ગણાય. તેમણે નિળંગાનું ઉદાહરણ આપતાં
કહ્યું છે કે, એક ઉમેદવાર જેનું ફોર્મ ચૂંટણી પંચે રદ કર્યું, તેણે કોર્ટમાં ધા નાખી
અને અદાલતે પણ તેનું ફોર્મ નામંજૂર કર્યું, છતાંય અહીંની ચૂંટણીની તારીખ બદલવામાં આવી
છે. તો, વર્ધા જિલ્લામાં ચૂંટણી ચિહ્નોની ફાળવણી પહેલાં અદાલત સામેની બધી જ અરજીઓનો
નિકાલ આવી ગયો હતો છતાં અહીંની ચૂંટણીઓ ટાળવામાં આવી છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચે ખુલાસો
કર્યો છે કે, અમે કાયદાના દાયરામાં રહીને જ આ નિર્ણય લીધો છે. ફડણવીસ જે બોલ્યા નહીં
એ કૉંગ્રેસના હર્ષવર્ધન સપકાળે કહી દીધું કે, ચૂંટણી ખર્ચની મર્યાદામાં વધારો કરવા
વિશે ચૂંટણી પંચ વિચારે. વિવિધ સરકારી ખાતાઓના સમય, શક્તિ, નાણાંના વેડફાટનો બોજ છેવટે
તો નાગરિકો પર જ આવવાનો છે.